ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી પેટા ચૂંટણી જાહેર થઈ છે. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનાં નિધનથી ખાલી પડેલ માંજલપુર બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ છે. 30 જુલાઇએ મતદાન થશે અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર થશે.
6 જુલાઈ: ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થશે અને ફોર્મ ભરવાનું શરૂ થશે
13 જુલાઈ: ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
14 જુલાઈ: ભરાયેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે
16 જુલાઈ: નામ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ (ત્યારબાદ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે)
30 જુલાઈ: મતદાન થશે
3 ઓગસ્ટ: પરિણામ જાહેર થશે.
માંજલપુર બેઠકની પેટા ચૂંટણી જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. બીજી તરફ ભાજપ, કૉંગ્રેસ અને AAP જેવા પક્ષોમાં કયા ઉમેદવારને ટિકિટ આપવી અને કેવી રીતે જીતવું, તેની વ્યૂહરચના શરૂ કરી છે.
યોગેશ પટેલના નિધનથી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ હતી
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ 1990થી સતત 8 ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. ગત મહિને તેમના નિધનથી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ હતી. જ્યારે રાજ્યમાં વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે યોગેશ પટેલ પ્રધાન પણ રહ્યા હતા. થોડા સમય પહેલા ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું ત્યારે પણ વિધાનસભા ખંડિત થઈ હતી. જો કે, એજ બેઠક પર પેટાચૂંટણીમાં તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી.