નરેશ શાહ
મૃત્યુની ‘અસંભવ’ અદલાબદલી
ગમે તેવી ખરાબ હોય છતાં માણસનો પોતાની જિંદગી માટેનો મોહ એવરગ્રીન જ હોય છે. યમરાજ ડેલી ખખડાવે તો છુપાઈ જવાનું મન થાય, પણ એમ થોડું બચી શકાય છે? પરિવારની આવી જ પાકટ વ્યક્તિ (સઈદ ઝાફરી)ને પણ મૃત્યુના દેવતા લેવા આવે છે ત્યારે પાકટ વ્યક્તિ અનેક દુહાઈ આપીને યમરાજને ટાળે છે, પણ યમરાજે તો આજે કોઈને લઈ જઈને ‘ટાર્ગેટ’ પૂરો જ કરવાનો છે... ‘તમે મારી બદલે ઉપલા માળે એકલા રહેતા (મનમોહન ક્રિષ્ના) ને લઈ જાઓ તો હું અધૂરી ઇચ્છાઓ-જવાબદારી પૂરી કરી શકું!’
સઈદ ઝાફરીની આ ઑફર સ્વીકારી લઈને યમરાજ પેલા વૃદ્ધને ઊંચકી જાય છે અને તેની જિંદગીના દિવસો સઈદ ઝાફરીને મળે છે, પણ પછી... 1984માં બનેલી ‘અસંભવ’ ફિલ્મની થીમ ખૂબ સરસ છે. રોહિણી હટંગડી, રામેશ્ર્વરી જેવી સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મ કોઈને ધ્યાન ચડી નહોતી, પરંતુ તેમાં એક સબક-બોધપાઠ છે, એ સમજવો હોય તો ફિલ્મ યુટયૂબ પર ઉપલબ્ધ છે.
બુલેટ ટ્રેન : ગતિશીલ અકસ્માતો
મારિયા બિટલેની આ જ નામની નોવેલ પરથી હૉલિવુડ ડિરેક્ટર ડેવિડ લિત્ચે બનાવેલી ‘બુલેટ ટ્રેન’ ફિલ્મની મજા એ છે કે તેમાં મુસાફરી કરનારા લગભગ પોણા ડઝન જેટલા મુસાફરો પોતપોતાનો ‘એજન્ડા’ પૂરો કરવા મુસાફરી કરી રહ્યા છે અને એ બધા આપસમાં, એક પછી એક અથડાય છે. જાણીતા અભિનેતા બ્રેડ પીટ આ બુલેટ ટ્રેનમાં ચઢે છે, કારણ કે તેણે મિલિયન ડૉલર ભરેલી બૅગ તફડાવવાની છે. એક પિતા પણ મુસાફર બને છે, કારણ કે એ પોતાના પુત્રને ઊંચાઈ પરથી ફેંકી દેનારની હત્યા કરીને બદલો લેવા માગે છે.
બે ક્રિમિનલ પણ આ ‘બુલેટ ટ્રેન’માં છે. તેણે એક ડૉનના અપહરણ થયેલા પુત્રને છોડાવી લીધો છે અને તેને જીવતો ડૉન-પિતાને સોંપવાનો છે, મિલિયન ડૉલર ભરેલી બૅગ સાથે. ટિપિકલ ફિલ્મ રિવ્યૂની ભાષામાં લખીએ તો, ‘બુલેટ ટ્રેન’ ફિલ્મ (ઝી ફાઇવ પર જોવા મળશે) દિમાગને ખિસ્સામાં મૂકીને એન્જૉય કરવાની રાઇડ છે, કારણ કે આ ઍક્શન થ્રિલરને કૉમડીનો તડકો મારવામાં આવ્યો છે.
અંજલિ સીબીઆઇ: સરપ્રાઇઝ... સરપ્રાઇઝ
તામિલ રાઇટર-ડિરેક્ટર આર. અજય ગ્યાનમુથુની (હિન્દી ડબ નામ) ‘અંજલિ સીબીઆઇ’ ફિલ્મની હાઇલાઇટ્સ તો જોકે રાઇટર-ડિરેક્ટર-ઍક્ટર અનુરાગ કશ્યપ છે. ફિલ્મમાં તેણે રૂદ્રા નામના સિરિયલ કિલરનું કિરદાર ભજવ્યું છે. પાંચેક વરસ પહેલાં અંજલિ (નયનતારા) એ જ એન્કાઉન્ટરમાં રૂદ્રા નામના સિરિયલ કિલરને શૂટ કરી દીધો હતો પણ ફરી પાછો એ પ્રગટ થયો છે.
આ રૂદ્રા (અનુરાગ કશ્યપ)ની વિશેષતા એ છે કે એ જાણ કર્યા પછી પોતાના શિકાર પર તરાપે છે. તેને છોડવાના બે કરોડ વસૂલે છે અને પછી અપહૃત વ્યક્તિની લાશ જ મળે છે... સિરિયલ કિલર દરેક વખતે ઇચ્છે છે કે ઑફિસર અંજલિ જ મિડલ-વુમન રહે. બે કલાક અને પચાસ મિનિટની અવધિ ધરાવતી ‘અંજલિ સીબીઆઇ’માં અનેક ટર્ન ઍન્ડ ટવિસ્ટ આવે છે અને તમે બાંધેલી તમામ ધારણાઓથી અલગ જ હકીકત છતી રહે છે. ફિલ્મ ‘એમેઝોન પ્રાઇમ’ પર છે. દિલધડક, થ્રિલર, સસ્પેન્સ ઉપરાંત અનુરાગ કશ્યપ માટે આ ફિલ્મ જોઈ શકાય.
ગોડસે : ટાઇમપાસ થ્રિલર
મની હાઇસ્ટ વેબસિરીઝને કારણે ફેમસ બની ગયેલાં માસ્ક પહેરીને શહેરના ધનાઢ્ય ગણાતા બે-ચાર લોકોનાં અચાનક અપહરણ થઈ જાય છે. પોલીસ તેને શોધે કે રોકે એ પહેલાં જ અપહરણકર્તા વીડિયો કૉલ કરીને બધાની સમક્ષ હાજર થઈ જાય છે, પણ પોતાની સાથે નેગોશિએેશન કરવા માટે એક મહિલા ઇન્વેસ્ટિગેશન ઑફિસરની ડિમાન્ડ મૂકે છે.
લાચારીવશ એક મહિલા ઑફિસરને નેગોશિએટર તરીકે બેસાડવી પડે છે અને પછી એક પછી એક રહસ્ય ખૂલવા માંડે છે. ‘ગોડસે’ ફિલ્મ અપહરણકર્તા વિશ્વનાથ રામચંદ્રન (સત્યદેવ કંચારાણા) અને નેગોશિએટર બનતી ઑફિસર વૈશાલી (ઐશ્ર્વર્યા લક્ષ્મી) વચ્ચેની કહાણી બનવી જોઈએ પણ બિઝનેસમેનમાંથી અપહરણકર્તા બનેલા હીરોની કથા બની જાય છે. ઠીક છે. સમય મળે અને કોરિયન ફિલ્મ ન જોઈ હોય તો જોઈ લેવાય. હા, ‘ગોડસે’ નામથી છેતરાવું નહીં અમારી જેમ.