ઉમેશ ત્રિવેદી
બોલિવૂડ અને હોલિવૂડના ખૂબ જ જાણીતા નિર્માતા-દિગ્દર્શક શેખર કપૂરે હાલમાં જ એક ચર્ચાને વેગ આપ્યો છે. તેમણે પોતાના ‘એકસ’ એકાઉન્ટ પર એમ જણાવ્યું છે કે હોલિવૂડમાં જેમ્સ બોન્ડની ફિલ્મની સિરીઝમાંથી ડેનિયલ ક્રેગે નીકળી જવાનો વિચાર કર્યો છે, તો આગામી જેમ્સ બોન્ડ તરીકે જ્હોન અબ્રાહમની પસંદગી થવી જોઈએ. આ પાત્ર માટે એ એકદમ ‘ફિટ’ છે.
શેખર કપૂરની વાતમાં ‘દમ’ છે અને તેમની વાતનું હોલિવૂડમાં વજન પણ પડે છે, તેનું કારણ એ છેકે તેમની ફિલ્મ ‘એલિઝાબેથ’માં મુખ્ય પાત્રમાં ડેનિયલ ક્રેગને જોયા પછી જ જેમ્સ બોન્ડ તરીકે તેની પસંદગી થઈ હતી. શેખર કપૂરની ‘એલિઝાબેથ’ ફિલ્મ 23 ઓકટોબર 1998ના રિલીઝ થઈ હતી અને ડેનિયલ ક્રેગની જેમ્સ બોન્ડ તરીકે પહેલી ફિલ્મ ‘કેસિનો રોયલ’ 2006માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ તેમણે કવોન્ટમ ઓફ સોલાસ (2006), સ્કાયફોલ (2012), સ્પેક્ટ્રે (2015) અને નો ટાઈમ ટુ ડાય (2021) જેવી જેમ્સ બોન્ડની ફિલ્મો કરી હતી.
હવે તેણે જેમ્સ બોન્ડ બનવાનો ઈનકાર કર્યો છે. અત્યારે તેની ઉંમર 58 વર્ષ છે, જ્યારે જ્હોન અબ્રાહમ 53 વર્ષનો છે અને તે એકદમ ‘ફિટ’ છે.
શેખર કપૂરના આ પ્રતિભાવ પછી જ્હોન અબ્રાહમે પ્રત્યુતર આપતાં જણાવ્યું હતું કે ‘તમે જે કહ્યું તેનો આભાર. તમારા આ શબ્દોથી મને ખૂબ જ ઉત્સાહ મળ્યો છે. ડેનિયલ ક્રેગને લોકોએ ‘જેમ્સ બોન્ડ’ તરીકે જોયો, તે પહેલાં તમે તેની પ્રતિભા ઓળખી હતી, તમે ફિલ્મોમાં વાર્તા અનોખી રીતે રજૂ કરવામાં માહિર છો અને તમારા શબ્દોની મને ખૂબ જ કિંમત છે. આભાર!!’
આવો આ જ્હોન અબ્રાહમ 1972માં મુંબઈમાં 17 ડિસેમ્બરે જન્મેલો. એણે બોલિવૂડમાં એક નિર્માતા અને એક અભિનેતા તરીકે ખૂબ લાંબી મઝલ કાપી છે. તેનાં પિતા મલયાલી ખ્રિસ્તી છે અને તેની માતા ઈરાનની પારસી છે. મુંબઈની સ્કોટીશ સ્કૂલમાં અને ત્યારબાદ જયહિંદ કોલેજમાં ભણીને જ્હોન અબ્રાહમે એમબીએની ડિગ્રી મેળવી છે.
કોલેજકાળ દરમિયાન જ તેને મોડેલિંગની ઓફર મળવા લાગી હતી. દરમિયાન તેને હંસરાજ હંસ અને પંજાબી ગાયક જેઝી બીના મ્યુઝિક આલ્બમમાં પણ તક મળી હતી. 1999માં તે ‘ગ્લેડરેગ્સ મેનહન્ટ’ સ્પર્ધા જીત્યો હતો અને તેના પગલે જ ‘મેનહન્ટ ઈન્ટરનેશનલ’માં ભાગ લેવા ફિલિપાઈન્સ ગયો હતો. આ સ્પર્ધામાં તે બીજા નંબરે આવતાં હોંગકોંગ, લંડન અને ન્યૂયોર્ક સિટીમાં તેને મોડેલિંગના કામ મળ્યાં હતાં. ત્યાર પછી તેણે મુંબઈ પાછા આવીને કિશોર નમિત કપૂરની એક્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો હતો.
આ સમયગાળામાં તેની ગણના દેશના ટોચના મોડેલ તરીકે થતી હતી. તેના પગલે જ તેને 2003માં આવેલી ફિલ્મ ‘જિસ્મ’માં હીરોની ભૂમિકા મળી હતી. બિપાશા બાસુ સાથેની આ ફિલ્મ ‘સુપર ડુપર હિટ’ સાબિત થઈ હતી અને ત્યારથી જ્હોન અબ્રાહમની કારકિર્દીને પણ વેગ મળ્યો હતો.
આ સુપરડુપર હિટ ફિલ્મ પછી તેની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબાય નમ: થઈ હતી. ‘જિસ્મ’ પછી સાયા, પાપ, ઐતબાર, લકીર, મદહોશી જેવી ફિલ્મો જરાય ન ચાલી. ત્યાં 2004માં ‘યશરાજ’ બેનરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ધૂમ’ આવી. આ ફિલ્મમાં તેન ભૂમિકા નેગેટિવ હતી, પણ આ ફિલ્મથી તેની કારકિર્દીને વેગ મળ્યો હતો. ક્યારેક વિલન, ક્યારેક એન્ટી હીરો તો ક્યારેક કોમેડી ભૂમિકા... આમ અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં જ્હોન સતત દેખાયા કરતો હતો.
2003થી 2011 સુધી લગભગ 30 જેટલી ફિલ્મ કર્યા પછી જ્હોન અબ્રાહમે 2012માં નિર્માતા તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે પોતે નાનકડી ભૂમિકા કરી હતી પણ આયુષ્યમાન ખુરાના અને યામી ગૌતમ અભિનીત ફિલ્મ ‘વિકી ડોનર’ એ બોકસ ઓફિસ ગજાવી હતી. ત્યાર પછી નિર્માતા તરીકે તેણે અલગ - અલગ પ્રકારની ફિલ્મો બનાવી અને મોટાભાગની ફિલ્મો ‘હિટ’ સાબિત થઈ હતી.
તેણે નિર્માતા તરીકે રજૂ કરેલી ફિલ્મોમાં મદ્રાસ કેફે, રોકી હેન્ડસમ, ફોર્સ ટુ, બાટલા હાઉસ, સરદાર કા ગ્રાં સન, એટેક, તારા વર્સિસ બિલાલ, વોહ ભી દિન થે, વેડ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
નિર્માતા તરીકે તેણે એક મરાઠી ફિલ્મ ‘સવિતા દામોદર પરાંજપે’ અને એક મલયાલમ ફિલ્મ ‘માઈક’નું નિર્માણ કર્યું છે. ‘સત્યમેવ જયતે’ નામની ફિલ્મમાં તો તેણે ટ્રીપલ રોલ પણ કર્યો છે. ‘એટેક’ જેવી ફિલ્મમાં તો તેણે લેખન પર પણ હાથ અજમાવ્યો હતો.
જ્હોન એ બોલિવૂડનો ‘હેન્ડસમ હન્ક’ ગણાય છે. એક સમયે બિપાશા બાસુ, તારા સુતરિયા જેવી અભિનેત્રીઓ સાથે તેનું નામ સંકળાયું હતું, પણ 2010માં તેની ઓળખાણ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પ્રિયા રૂચાંલ સાથે થઈ હતી અને લગભગ ચાર વર્ષ બાદ એટલે કે ત્રીજી જાન્યુઆરી 2014માં તેનાં અને જ્હોનનાં લગ્ન થયાં હતાં.
જ્હોન પોતે બોડી બિલ્ડર છે અને ફિટનેસમાં માને છે. તેને ધુમ્રપાન અને દારૂની જરાય લત નથી એટલે તે ફિલ્મોની પાર્ટીમાં જવાનું ટાળે છે. જ્હોનને સ્પોર્ટસ બાઈકનો ખૂબ જ શોખ છે અને તેનાં પાસે બાઈકનું સારું એવું કલેકશન છે. ઘણી વાર તે પોતાની બાઈક પર જ શૂટિંગમાં જાય છે.
જ્હોનનું માનું નામ ફરહાન અબ્રાહમ છે. તેના પિતાનું નામ અબ્રાહમ જ્હોન છે એટલે આ નામ તેણે અપનાવીને ફિલ્મોમાં પોતાનું નામ જ્હોન અબ્રાહમ રાખ્યું છે.
OTPનું હોટસ્પોટઃ 23 મેથી 29 મે: નવી સિરીઝ તથા ફિલ્મોનું આગમન
આવતા અઠવાડિયા દરમિયાન આઈપીએલની મેચમાં ‘નોકઆઉટ’ની રસપ્રદ મેચ માણવા મળશે. આઈપીએલ ફાઈનલ 31 મેએ છે, તે અગાઉ આ રસપ્રદ મુકાબલા જોવા મળશે. શુક્રવારે થિયેટરમાં નવી ફિલ્મો રજૂ થતી હોય છે એ જ રીતે ઓટીટી પર પણ શુક્રવારે નવી ફિલ્મો - નવી સિરીઝનું પ્રસારણ શરૂ કરવામાં આવે છે.
* એમેઝોન પ્રાઈમ વીડિયો:
આ ઓટીટી ચેનલ પર આજે (શુક્રવારે) સોનાક્ષી સિંહા, જયોતિકા અને આશુતોષ ગોવારીકરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘સિસ્ટમ’નું પ્રસારણ શરૂ થશે. કોર્ટ રૂમ ડ્રામા ધરાવતી આ ફિલ્મના દિગ્દર્શક અશ્ર્વિની ઐયર તિવારી છે.
* ઝી ફાઈવ: અહીં આજે 22 મેએ ‘સતરંગી - બદલે કા ખેલ’ નામની સિરીઝ શરૂ થઈ રહી છે.
* જિયો હોટસ્ટાર: અહીં 25 મેના દિવસે જેટ-લી નામની કોમેડી એક્શન ફિલ્મનું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે.
* નેટફિલકસ: સાઉથના ખૂબ જ જાણીતા અભિનેતા નાનીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી એક્શન ફિલ્મ ‘હીટ -ધ થર્ડ કેસ’ 29 મેના રોજ જોવા મળશે.
* જિયો સિનેમા: 29 મેના અહીં કોમેડી સિરીઝ ‘જિના દિલ સે’ શરૂ થઈ રહી છે.