Mon May 25 2026

Logo

શો-શરાબાઃ બોલિવૂડને લાગ્યું છે નોસ્ટેલ્જિયાનું વ્યસન જૂના ડાયલૉગ્સ-જૂનાં ગીતો અને ખૂટતી ક્રિએટિવિટીમાં પીસાતું સિનેમા

2026-05-22 11:14:00
Author: Divyakant Pandya
Article Image

 

દિવ્યકાંત પંડ્યા

એક સમય હતો જ્યારે બોલિવૂડમાં નોસ્ટેલ્જિયા ખરેખર દિલથી અનુભવાતું હતું. કોઈ જૂનું ગીત અચાનક ફરી સાંભળવા મળે, કોઈ આઇકોનિક પાત્ર પાછું આવે અથવા કોઈ જાણીતો ડાયલૉગ ફરી વપરાય તો દર્શકોને સાચી ખુશી થતી, કારણ કે એ બધું એક લાગણી સાથે જોડાયેલું હતું. જોકે આજનું બોલિવૂડ નોસ્ટેલ્જિયાને લાગણી તરીકે નહીં, માર્કેટિંગ સ્ટ્રેટેજી તરીકે વાપરી રહ્યું છે. આજે એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી પાસે નવા અને ઓરિજિનલ આઇડિયાઝની કમી છે એટલે જૂનાં ડાયલૉગ્સ, જૂનાં ગીતો, જૂનાં ટાઇટલ્સ અને જૂની યાદોને ફરી રિ-પૅક કરીને વેચવામાં આવી રહ્યાં છે.

તાજેતરનાં ઘણાં ઉદાહરણો આ વાત સ્પષ્ટ રીતે સાબિત કરે છે. ‘વેલકમ ટુ ધ જંગલ’ના પ્રમોશનમાં મિરેકલ! મિરેકલ! અથવા આલૂ લે લો, કાંદા લે લો જેવા ડાયલૉગ્સનો ઉપયોગ થયો, પરંતુ ફિલ્મનું મૂળ ‘વેલકમ’ સાથે એવું કોઈ ભાવનાત્મક કે સ્ટોરી લેવલનું જોડાણ દેખાતું નથી, છતાં પણ માર્કેટિંગ એ રીતે કરવામાં આવ્યું જાણે માત્ર આ જૂનાં ડાયલૉગ્સ સાંભળવાથી જ લોકો થિયેટર સુધી પહોંચી જશે એટલે ફિલ્મ શું નવી વાત કહે છે એ કરતાં લોકોને શું યાદ અપાવે છે એ વધુ મહત્ત્વનું બની ગયું છે.

એ જ રીતે ‘ભૂત બંગલા’ના પ્રોમોમાં ‘બહેન ડર ગઈ’ જેવા જૂના પ્રિયદર્શન સ્ટાઇલના કૉમિક ડાયલૉગનો ઉપયોગ કરીને તરત જ નોસ્ટેલ્જિયા જગાડવાનો પ્રયાસ થયો. ઉપરાંત રાજપાલ યાદવના જાણીતા ડાયલૉગ ‘મૈં ક્યા મંદિર કા ઘંટા હૂં, જો સબ આ કે બજા કે ચલે જાતે હૈ’ થકી પણ એ ફિલ્મમાં દર્શકોને આકર્ષવાનો પ્રયાસ થયો  હતો. આ પ્રકારના પ્રયાસ સર્જનાત્મકતાની ઉણપ તો દર્શાવે જ છે, પણ દર્શકોની પસંદગીની કિંમતને પણ ઓછી આંકે છે. મેકર્સને અહીં ફિલ્મ શું નવી દુનિયા બનાવી રહી છે એ બતાવવા કરતાં લોકોના જૂના કૉમેડી અનુભવને ટ્રિગર કરવાનું વધારે મહત્ત્વનું લાગ્યું.

આ સમસ્યા માત્ર સિક્વલ્સ સુધી સીમિત નથી. આજે તો ઘણી ફિલ્મ્સ એવી પણ આવે છે જેનો જૂની ફિલ્મ સાથે કોઈ સંબંધ જ નથી, છતાં પણ જાણીતાં ટાઇટલ્સ કે જૂની યાદોનો ઉપયોગ કરવામાં આવે છે. ‘બડે મિયાં છોટે મિયાં’ તેનું મોટું ઉદાહરણ છે. જૂની ‘બડે મિયાં છોટે મિયાં’ એક મસ્ત કૉમેડી ફિલ્મ હતી. નવી ફિલ્મ સંપૂર્ણ અલગ પ્રકારની ઍક્શન ફિલ્મ હતી, છતાં પણ એ જ ટાઇટલ રાખવામાં આવ્યું, કારણ કે લોકોના મનમાં પહેલાંથી જ એ નામની એક ઓળખ હતી.

એટલે નવી ઓળખ બનાવવાની જગ્યાએ જૂની ઓળખ ઉધાર લેવામાં આવી.
બોલિવૂડનું મ્યુઝિક તો હવે વર્ષોથી નોસ્ટેલ્જિયાનો સૌથી મોટો શિકાર બની ગયું છે. ‘ટિપ ટિપ,’ ‘આંખ મારે,’ ‘દિલબર,’ ‘સાકી સાકી,’ ‘મુકાબલા,’ ‘ચમ્મા ચમ્મા,’ ‘ધ હમ્મા સોંગ,’ ‘મસક્કલી 2.0’ જેવાં અનેક રિક્રિએટેડ સોંગ્સ એનો પુરાવો છે. આ ગીતો સ્ટોરીની જરૂરિયાતને કારણે નથી આવતાં. એ એટલા માટે આવે છે કારણ કે લોકો પહેલી જ સેક્ધડમાં ગીત ઓળખી જાય. સોશ્યલ મીડિયા પર રીલ્સ બને, લગ્નમાં વાગે અને ફિલ્મને ફ્રી પબ્લિસિટી મળે.

ઘણી વખત તો આ ગીતો ફિલ્મમાં સંપૂર્ણ બિનજરૂરી રીતે ઘુસાડવામાં આવે છે. ગીત અને સ્ટોરી વચ્ચે કોઈ ભાવનાત્મક જોડાણ જ નથી હોતું. માત્ર એક જાણીતી ટ્યુન સાંભળીને લોકો થોડી સેક્ધડ માટે એક્સાઇટ થાય એ માટે આખા ગીતો ફરી બનાવવામાં આવે છે. 

જોકે આ બધાની વચ્ચે ‘ધુરંધર’ જેવા અપવાદરૂપ કિસ્સાઓ પણ છે કે જ્યાં કમ્પોઝર શાશ્વતે જૂનાં ગીતોનો વપરાશ બહુ જ કલાત્મક અને કર્ણપ્રિય નવા કંપોઝિશન સાથે કર્યો છે.

હોરર-કૉમેડી ફ્રેન્ચાઇઝિસમાં પણ આ જ ફૉર્મ્યુલા ચાલે છે. ‘ભૂલ ભુલૈયા’ સિરીઝ સતત જૂની ‘ભૂલ ભુલૈયા’ની યાદો પર જીવતી દેખાય છે. આમી જે તોમાર, જૂની હવેલી, મંજુલિકા વગેરે બધું ફરી ફરી વપરાય છે, કારણ કે મેકર્સ જાણે છે કે લોકો માટે આ થાળી પહેલેથી જ જાણીતી છે એટલે તે ચોક્કસ તેને આરોગશે. એ બહાને તેમને નવો સ્વાદ આપવાનું જ મોટાભાગે ટાળવામાં આવે છે.

આજે બોલિવૂડમાં યુનિવર્સ બનાવવાનો ટ્રેન્ડ પણ ઘણી વાર સર્જનાત્મકતા કરતાં ધંધાકીય નિર્ણય વધારે લાગે છે.
ફિલ્મ્સમાં અચાનક કેમિયોઝ, જૂના બૅકગ્રાઉન્ડ સ્કોર્સ, જાણીતા એન્ટ્રી શૉટ્સ કે ડાયલૉગ્સ ફક્ત થિયેટરમાં સીટી અને સોશ્યલ મીડિયા પર ચર્ચાય એ માટે નાખવામાં આવે છે.

પ્રોડ્યુસર્સને લાગે છે કે જો કંઈક પહેલેથી જાણીતું નહીં હોય તો લોકો સ્વીકારશે નહીં. એટલે નવા ડાયલૉગ્સ બનાવવાની જગ્યાએ જૂની પંચલાઇન્સ ફરી લાવવામાં આવે છે. નવાં ગીતો બનાવવા કરતાં જૂનાં હિટ્સ રિમિક્સ થાય છે. 

નવી ફિલ્મ્સને અલગ ઓળખ આપવાની જગ્યાએ જૂની ફિલ્મ્સની યાદોનો સહારો લેવામાં આવે છે.  મહત્ત્વની બાબત એ છે કે જે જૂની ફિલ્મ્સને આજે બોલિવૂડ સતત યાદ કરે છે, એ ફિલ્મ્સ પોતાના સમયમાં ઓરિજિનલ હતી. ‘હેરા ફેરી’ કોઈ જૂની ફિલ્મના ડાયલૉગ્સ પર જીવતી નહોતી. ‘વેલકમ’એ પોતાની આગવી કૉમેડી દુનિયા બનાવી હતી. ‘ધૂમ’એ સ્ટાઇલિશ ઍક્શનનો નવો અનુભવ આપ્યો હતો. ‘ભૂલ ભૂલૈયા’એ કંઈક એવું કર્યું હતું જે મેનસ્ટ્રીમ બોલિવૂડમાં બહુ ઓછું જોવા મળતું હતું.

નોસ્ટેલ્જિયા મસાલા તરીકે સારું લાગે, પરંતુ જ્યારે આખું જ ભોજન નોસ્ટેલ્જિયા બની જાય ત્યારે ક્રિએટિવિટી ધીમે ધીમે ગાયબ થવા લાગે છે!

લાસ્ટ શોટ
‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મના ટીઝર અને ટાઇટલ સૉન્ગને જૂના ડાયલૉગ્સ અને નબળા નિર્માણના કારણે લોકોએ બહોળા પ્રમાણમાં ઑનલાઇન માધ્યમો પર અસ્વીકાર કર્યો છે.