Tue Jun 23 2026

Logo

ઉત્તરાખંડ ગુરુદ્વારા વિવાદનો સુખદ અંત: 4 દિવસથી ચાલતો વિવાદ ઉકેલાયો, નિહંગ શીખોએ પરિસર ખાલી કર્યું

2026-06-23 19:39:07
Author: Mumbai Samachar Team
Article Image

 દેહરાદૂનઃ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના નગરાસૂમાં આવેલા ગુરુદ્વારા સાહિબમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનો આખરે અંત આવ્યો હતો. ચાર દિવસથી ચાલેલી ચર્ચા અને ચિંતાનો વિષય બનેલો આ મુદ્દો વાતચીત અને પરસ્પર સંમતિથી ઉકેલાયો હતો. પંજાબથી આવેલા નિહંગ શીખોના એક પ્રતિનિધિમંડળ સાથે વાતચીત બાદ શનિવારે સાંજે ગુરુદ્ધારામાં રહેતા નિહંગ શીખોનું એક જૂથ ત્યાંથી રવાના થયું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ વિશાલ મિશ્રાએ જણાવ્યું હતું કે "ગુરુદ્વારા મેનેજમેન્ટ અને પોલીસ વહીવટીતંત્રે શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સાથે મળીને કામ કર્યું હતું. સંકળાયેલા બધા લોકો હવે પરિસર છોડીને ચાલ્યા ગયા છે અને સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

નોંધનીય છે કે 20 જૂનની સાંજે લગભગ અડધો ડઝન નિહંગ શીખો બદ્રીનાથ હાઇવે પર રૂદ્રપ્રયાગ અને ગૌચર વચ્ચે આવેલા નગરસુ ગુરુદ્વારામાં ઘૂસી ગયા હતા અને તેઓ છત પર ચઢી ગયા હતા અને ધાબા પર જવાનો રસ્તો રોકી દીધો હતો. તેઓ 16 જૂનના રોજ ઉત્તરાખંડના કર્ણપ્રયાગ શહેરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા નિહંગ શીખોની મુક્તિની માંગ કરી રહ્યા હતા.

મિશ્રાએ મંગળવારે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમને 20, જૂનની સાંજે નિહંગ શીખો અને ગુરુદ્વારા સ્વયંસેવકો વચ્ચે થયેલી અથડામણ અંગે માહિતી મળી હતી. ફરિયાદ બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ત્યાં પહોચેલા નિહંગ શીખોના એક જૂથે આવનારા પ્રદર્શનકારીઓ માટે રહેવાની વ્યવસ્થાની માંગણી કરી જેને ગુરુદ્વારા મેનેજમેન્ટ સમિતિએ મર્યાદિત ક્ષમતાને કારણે યોગ્ય વ્યવસ્થા નહીં થઈ શકે તેમ કહ્યું હતું. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ જેના પગલે જૂથ ઉપરના માળે જઈને કબજો કર્યો હતો. વહીવટીતંત્રની અપીલ છતાં તેઓએ પરિસર ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો.

મંગળવારે પંજાબના નિહંગોનું એક પ્રતિનિધિમંડળ ગુરુદ્વારામાં જૂથને મળ્યું અને પરિસર ખાલી કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે નિહંગો છત પર રહીને ખોરાક અને અન્ય પુરવઠો મેળવતા હતા. ધરપકડ ટાળવા માટે તેઓએ ક્યારેક પથ્થરમારો પણ કર્યો હતો.