Thu Jun 18 2026

Logo

અમેરિકા-ઈરાનની ડીલ ભારતની નિકાસ વધારવા અને રૂપિયામાં સ્થિરતા લાવવા મદદરૂપ થશે

2026-06-15 20:54:58
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને અંતિમ ઑપ આપવામાં આવ્યાની જાહેરાત સાથે 107 દિવસના વિવાદનો અંત આવ્યો છે અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલતા ભારતની પશ્ચિમ એશિયા ખાતેની અટકેલી નિકાસને વેગ મળશે, ઉત્પાદન પ્રવૃત્તિ વધશે અને ગબડતા રૂપિયામાં સ્થિરતા આવશે, એવું નિકાસકારો અને નિષ્ણાતોનું માનવું છે. જો જાહેર કરવામાં આવેલ શાંતિ કરારનો સફળતાપૂર્વક અમલ થશે તો દેશની આયાતના બિલ પરનું દબાણ અને ફુગાવાલક્ષી દબાણ હળવું થશે અને વેપાર માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થશે, એમ તેઓએ ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે આગામી 19મી જૂનના રોજ શાંતિ કરાર પર સહીસિક્કા થશે. 

ઉલ્લેખનીય બાબત એ છે કે ચાર મહિનાના યુદ્ધ પછી અમેરિકા અને ઈરાન શાંતિ કરાર સુધી પહોંચ્યા છે. આ સમયગાળામાં વૈશ્વિક સ્તરે એનર્જીનો પુરવઠો ખોરવાયો હતો અને ક્રૂડતેલના ભાવ વધીને બેરલદીઠ 100 ડૉલર સુધી પહોંચ્યા હતા અને મધ્યપૂર્વના વિસ્તારોમાં પ્રાદેશિક સંઘર્ષ ચરમ સીમાએ ગયો હતો. ભારત ખાસ કરીને ક્રૂડતેલ, એલપીજી અને એલએનજીના પુરવઠા માટે પશ્ચિમ એશિયા પર વધુ અવલંબિત હોવાથી આ ડીલને કારણે એનર્જીનાં ઊંચા ભાવ અને તેને કારણે ફુગાવામાં થનારી અપેક્ષિત વૃદ્ધિના દબાણ સામે રાહત મળશે, એમ થિન્ક ટૅન્ક જીટીઆરઆઈનાં સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવતા ઉમેર્યું હતું કે ભારતમાં પશ્ચિમ એશિયાથી ક્રૂડતેલની અંદાજે 50 ટકા, એલપીજીની 70 ટકા અને એલએનજીની 90 ટકા આયાત થતી હોવાથી આ ડીલને કારણે ભારતને તાત્કાલિક આર્થિક રાહત મળશે. 

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ વિક્ષેપિત થવાને કારણે અખાતી દેશો તરફના શિપમેન્ટ ખોરવાતા ભારતની એનર્જી આયાતના બિલમાં વધારો થયો હતો, ફુગાવો વધવાનું જોખમ, રૂપિયામાં નરમાઈ અને રિફાઈનરોને વૈકલ્પિક પુરવઠો શોધવાની ફરજ પડી હતી. જોકે, હવે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખૂલતા એનર્જી બજારમાં સ્થિરતા આવશે, તેલ અને ગૅસના ભાવ ઘટશે અને રૂપિયામાં સુધારો આવતાં દેશની વૃદ્ધિના આઉટલૂકમાં પણ સુધારો થશે, એમ તેમણે ઉમેર્યું હતું.  

મુંબઈસ્થિત ટકેનોક્રાફ્ટ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ચેરમેન અને નિકાસકાર શરદકુમાર સરાફે જણાવ્યું હતું કે અમેરિકાની પીસ ડીલની જાહેરાતથી અનિશ્ચિતતા, આર્થિક મંદીની ભીતિ અને બિનજરૂરી મુશ્કેલીઓનો અંત આવશે.  તે જ પ્રમાણે ફેડરેશન ઑફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફિઓ)ના પ્રમુખ એસ સી રલ્હને જણાવ્યું હતું કે ભૂરાજકીય તણાવ હળવો થતાં વૈશ્વિક સ્તરે એનર્જીનો પુરવઠો રાબેતા મુજબ થતાં ભાવ પણ દબાણ હેઠળ આવતા વેપારો પુનઃ રાબેતા મુજબ થશે. ખાસ કરીને ભારતમાં આયાત બિલ દબાણ હેઠળ આવશે, નિકાસ સામાન્ય સ્થિતિમાં આવશે, ફુગાવાલક્ષી દબાણ ઘટશે અને વેપાર તથા આર્થિક વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે.