મુંબઈ: ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત ઝુબેર અને તેના ભાઈ અયાન ઝુબેર સાથે મુંબઈ પાસેના પનવેલમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. રવિવારે બનેલી આ ઘટનામાં બંને ભાઈ-બહેન પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલોથી ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ધોળા દિવસે હાઈવે પર બનેલા આ ગંભીર કિસ્સાએ સેલિબ્રિટીઝની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જન્નત ઝુબેરની ટીમે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 15 માર્ચના રોજ જન્નત અને અયાન પનવેલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો. આ પીછો માત્ર ડરાવવા પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ તેમની સાથે મારામારી પણ કરવામાં આવી હતી. જન્નતની ટીમે જણાવ્યું હતું કે, "જન્નત અને અયાન અત્યારે સુરક્ષિત છે, પરંતુ તેમણે હાઈવે પર એક અત્યંત ડરામણો અને દુઃખદ અનુભવ સહન કરવો પડ્યો છે."
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો વહેતી થઈ હતી, જેને ધ્યાનમાં રાખીને જન્નતની ટીમે ચાહકોને વિનંતી કરી છે કે તેઓ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરે. નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે માત્ર સત્તાવાર અપડેટ્સ પર જ ભરોસો રાખવો અને બિનજરૂરી અનુમાનો ન લગાવવા. જન્નતના ચાહકો મોટી સંખ્યામાં કોમેન્ટ સેક્શનમાં તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને બંને ભાઈ-બહેન સુરક્ષિત હોવાથી રાહતનો શ્વાસ લઈ રહ્યા છે.
હાલમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ આ મામલે સક્રિયતાથી તપાસ કરી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. કામની વાત કરીએ તો, જન્નત ઝુબેર હાલમાં લોકપ્રિય શો 'લાફ્ટર શેફ્સ'ની સીઝન 3માં વ્યસ્ત છે. તે અગાઉ રિયાલિટી શો 'દ ટ્રેટર્સ'માં પણ જોવા મળી હતી. 'ફૂલવા' અને 'તું આશિકી' જેવા શૉઝ દ્વારા ઘર-ઘરમાં જાણીતી બનેલી જન્નતની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર પણ કરોડોમાં છે, જેના કારણે આ સમાચાર ઝડપથી વાયરલ થયા છે.