Fri May 08 2026

Logo

સાઉદી અરેબિયા સામે ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા? 48 કલાકમાં જ 'પ્રોજેક્ટ ફ્રીડમ' કર્યો બંધ, જાણો અસલી કારણ

Riyadh   2026-05-07 17:21:27
Author: mumbai samachar team
Article Image

Reuters


રિયાધઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવગ્રસ્ત માહોલ વચ્ચે હવે અમેરિકાના સરેન્ડરની વાત સામે આવી રહી છે. ઈરાન પર હુમલાની શરૂઆતથી લઈને અત્યાર સુધી ટ્રમ્પ આ યુદ્ધમાં ત્રણ-ત્રણ વાર યુટર્ન લઈ ચૂક્યા છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયાના દબાણમાં આવીને ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ રોકી દીધા હોવાનું જાણ મળ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાં નાકાબંધી ખોલાવવા માટે પ્રોજેક્ટ ફ્રીડમની શરૂઆત અમેરિકાએ જ કરી હતી. અમેરિકાએ આ પ્રોજેક્ટને લઈને મોટી જાહેરાત કરી હતી. 3 એપ્રિલના આ અભિયાન શરૂ થયું પણ 48 કલાકમાં જ ટ્રમ્પે જે એલાન કર્યું હતું એના પર અમલવારી રોકી દેવામાં આવી હતી. 

અમેરિકાને સાઉદીનું દબાણ
આ મામલે જે ખુલાસો સામે આવ્યો છે એમાં સાઉદી અરેબિયાનું પ્રેશર હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રોજેક્ટ ફ્રીડમ ઑપરેશન હોર્મુઝમાં ફસાયેલા જહાજને સુરક્ષિત રીતે બાહર કાઢવા માટે કરવામાં આવ્યું હતું. અમેરિકી સૈન્યની દેખરેખમાં આ ઑપરેશન શરૂ થયું હતું. પ્રોજેક્ટ દરમિયાન ઈરાનના જહાજની નાકાબંધી યથાવત રહી હતી. અમેરિકાના આ ઑપરેશન સામે ઈરાનના ગાર્ડે પણ પગલાં લેવાની વાત કરી હતી. ઈરાને આ દરમિયાન યુએઈ પર અનેક હુમલા કર્યા હતા. સાઉદી અરબ ઉપર પણ ઈરાન હુમલા કરવાની ફિરાકમાં હતો. 48 કલાકમાં અમેરિકાએ આને ખતમ કરી દેતા મામલો સમેટાઈ ગયો. સાઉદી અરબે અમેરિકાને એરસ્પેસ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સાઉદી અરેબિયાએ અમેરિકા સામે આ પગલાં લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. 

અખાતી દેશને થશે મોટું નુકસાન
રીયાધે કહ્યું હતું કે, જો જંગની શરૂઆત થાય છે તો આનું મોટું અને સીધુ નુકસાન અખાતી દેશને થશે. સાઉદીએ ઈરાનને કહ્યું કે,આ મામલે અમે માત્ર શાંતિ અને સમજૂતી ઈચ્છીએ છીએ. આ પછી ટ્રમ્પ ફરીવાર એક્ટિવ થયા અને આ વિષય પર વાતચીત શરૂ કરી. આ કારણે પ્રોજેક્ટ ફ્રીડમને રોકવાની વાત કરવામાં આવી રહી છે. ઈરાન-અમેરિકા વચ્ચેની લડાઈમાં ત્રણ-ત્રણવાર એવું બન્યું કે, ટ્રમ્પે દાવા કર્યા અને પછી ફેરવી તોડ્યું. સૌથી પહેલા 28 ફેબ્રુઆરીએ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકી હુમલાથી ઈરાનમાં સત્તાનો તખ્તો પલટી જશે પણ એ સમયે ઈરાનમાં લીડર અયાતુલ્લાહ અલી ખામનેઈ નીહત્યા થઈ ગઈ.અમેરિકાના પ્લાન પર પાણી ફરી ગયું. 

મિડલ ઈસ્ટનો માહોલ બગાડ્યો
7 માર્ચના રોજ સીઝફાયરને લઈને ઈરાન સાથે કોઈ વાતચીત નહીં થાય.આ નિવેદન ઉપર પણ ટ્રમ્પ લાંબા સમય સુધી કાયમ રહ્યા નહીં. એપ્રિલ મહિનામાં ટ્રમ્પે હોર્મુઝમાં નાકાબંધી ખોલાવવા પ્રોજેક્ટની વાત કરી. જેમાં હવે સાઉદી અરેબિયા વચ્ચે પડતા મામલો વધારે ચર્ચામાં છે. હકીકત એ પણ છે કે, સીઝફાયર વચ્ચે મિડલ ઈસ્ટમાં માહોલ પહેલા જેવો રહ્યો નથી. ઈરાન-અમેરિકાની ખેંચતાણથી મિડલ ઈસ્ટ સિવાય એશિયાના રાષ્ટ્રને પણ સીધી અસર થઈ રહી છે. ક્રૂડના ભાવમાં વધારો તેમજ ગેસના ભાવમાં વધારાથી રાષ્ટ્ર હવે મિડલ ઈસ્ટમાં શાંતિ તેમજ સ્થિરતા ઈચ્છી રહ્યા છે. જોવાનું એ રહે છે કે, અમેરિકાના સહમતીપત્ર સાથે ઈરાન અને ઈરાનના સહમતીપત્ર સાથે અમેરિકા કેટલા મુદ્દાઓ પર સહમત થાય છે.