Thu Jun 18 2026

Logo

40 ઉત્પાદનો પરની આયાતજકાત માફીની મુદ્ત જૂન પછી લંબાવવાની વિચારણા

2026-06-18 20:47:29
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ડ્યૂટી માફીની મહેસૂલી આવક પર થનારી અસરોને ધ્યાનમાં લેતા સરકાર અંદાજે 40 ઉત્પાદનો પરની આયાતજકાત માફીની મુદ્ત 30 જૂન પછી લંબાવવા અંગે નિર્ણય લે તેવી શક્યતા એક અધિકારીએ વ્યક્ત કરી છે. 

વૈશ્વિક સ્તરે પુરવઠાચેઈન વિક્ષેપિત થવાને કારણે સ્થાનિક ઉદ્યોગના હિત જાળવી રાખવા સરકારે ગત બીજી એપ્રિલથી અમલી બને તેમ `કામચલાઉ અને લક્ષ્યાંકિત' રાહત આપતાં મુખ્ય પેટ્રોકેમિકલ ઉત્પાદનોને આયાત જકાતમાંથી માફી આપવામાં આવી હતી. જેમાં એન્હાયડ્રોસ અમોનિયા, ટોલ્યુન, સ્ટારીન, વિન્યલ ક્લોરાઈડ મોનોમર અને અન્ય સહિત 40 ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 

આ ડ્યૂટી માફીની માન્યતા 30મી જૂન સુધીની આપવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પેટ્રોકેમિકલ ફિડસ્ટોક અને ઈન્ટરમીડિએટ પર અવલંબિત એવા પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સ્ટાઈલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ, ઑટોમેટિવ કમ્પોનન્ટ્સ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રને રાહત આપવાનો હતો. 

આયાત જકાત માફીની મુદત લંબાવવા અંગેનું નક્કી કરતી વખતે ડ્યૂટી સંલગ્નિત આવકને પણ ધ્યાનમાં લેવી પડશે, એમ અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ પરથી માલસામાનની હેરફેરમાં સલામતીનું વિશ્લેષણ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. 
જે ગૂડ્સની આયાત સામે જકાત માફ કરવામાં આવી છે તેમાં મેન્થોલ, એન્હાયડ્રોસ એમોનિયા, ટોલ્યુન, સ્ટાયરીન, ડાયક્લોરોમીથેન, વિન્યલ ક્લોરાઈડ મોનોમેર, પૉલીબ્યુટાડીન, સ્ટાયરીન બ્યુટાડીન અને અનસેચ્યુરેટેડ પૉલ્યસ્ટર રેઝિનનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સરકારે વર્તમાન નાણાકીય વર્ષ માટેની મહેસૂલી આવકનો લક્ષ્યાંક આગલા નાણાકીય વર્ષનાં રૂ. 2.64 ટ્રિલ્યન સામે 2.71 ટ્રિલિયનનો મૂકયો હતો. 

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગમાં અસરકારક નાકાબંધીને કારણે ક્રૂડતેલ અને ખાદ્ય, ખાતરની આયાતના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત આ દરિયાઈ માર્ગથી થતી અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કાચા માલના પુરવઠા પર પણ માઠી અસર થઈ છે.