(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગઢ પોલીસે વડગામ પંથકમાં બનેલા હનીટ્રેપ અને ખંડણીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં એક 58 વર્ષીય ખેડૂતને કિરણ નામની મહિલાએ વોટ્સએપ મારફતે પ્રેમજાળમાં ફસાવી પાલનપુર બોલાવ્યો હતો. ત્યારબાદ તેને વડગામ તરફ લઈ જઈ, રસ્તામાં અન્ય સાગરીતોએ આવીને પોતે એલસીબીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી. આરોપીઓએ ખેડૂતને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને રૂ. 15 લાખની ખંડણી માંગી હતી, જેમાંથી રૂ. 5 લાખ બળજબરીથી પડાવી લીધા હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર, ખેડૂતે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી મુખ્ય સૂત્રધાર વલીખાન ભીખુભાઈ પઠાણ (પાલનપુર), જયંતીભાઈ ગમાભાઈ કોઈટીયા (સરીપડા) અને ઝુલ્ફીકાર કાસમભાઈ મકરાણી (પાલનપુર) ને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, પકડાયેલ આરોપી જયંતીભાઈ કોઈટીયા સરીપડા ગામના પૂર્વ સરપંચ છે અને તેની સામે અગાઉ અમદાવાદમાં પણ હનીટ્રેપના ગુના નોંધાયેલા છે, જ્યારે ઝુલ્ફીકાર મકરાણી એક ન્યૂઝ ચેનલમાં પત્રકાર હોવાનું ખૂલ્યું હતું.
પોલીસની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના ગંગાનગર ખાતે મોટું ઓપરેશન હાથ ધરીને સમગ્ર કાવતરાની મુખ્ય સૂત્રધાર મનાતી કિરણ નામની યુવતીને દબોચી લીધી હતી અને તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીઓમાં બ્યુટીપાર્લર ચલાવતી ભાવનાબેન પ્રજાપતિ ઉર્ફે ભૂમિ પંચાલ, તેની પાસે કામ કરતી આરતી અને એક અજાણ્યા પુરુષને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી એક કાર અને 3 મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓને વધુ કાર્યવાહી માટે વડગામ પોલીસને સોંપ્યા હતા. વહીવટી અને ટેકનિકલ પુરાવાઓ જોતાં પોલીસને દ્રઢ શંકા છે કે આ ટોળકીએ અગાઉ પણ અનેક સંપન્ન લોકોને આ પ્રકારે હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હોઈ શકે છે. આ દિશામાં પોલીસ હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ અને વધુ તપાસ ચલાવી રહી છે.