Thu Jun 18 2026

Logo

ડૉલર સામે રૂપિયામાં નવ પૈસાનો સુધારો

2026-06-18 20:42:00
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયાના નિર્દેશો સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો 21 પૈસાનો ઘટાડો ધોવાઈ ગયો હતો અને અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસાના સુધારા સાથે 94.41ની સપાટીએ બંધ રહ્યો હતો. 

ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર અમેરિકા અને ઈરાને એકબીજા દેશો પર હુમલા ન કરવા અને ઈરાનના અણુ કાર્યક્રમ અંગે જીનિવા ખાતે શુક્રવારે વાટાઘાટો કરવા અંગેના સમજૂતી કરાર પર ઈલેક્ટ્રોનિક ધોરણે હસ્તાક્ષર કર્યાનાં નિર્દેશો મળતાં વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોના લોકમાનસમાં બદલાવ આવતા સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્‌‍ રાખ્યા હતા, પરંતુ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટના વધારાના સંકેત આપતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.50ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 94.66ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.71 અને ઉપરમાં 94.18ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસાના સુધારા સાથે 94.41ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 10 પૈસાનો સુધારો આવ્યો હતો. 

અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થઈ જવાથી વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ અને વૈશ્વિક બજારોમાં સ્થિરતા આવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઈક્વિટીમાં આંતરપ્રવાહ વધવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.51 ટકા ઊછળીને 100.59 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.33 ટકા ઘટીને બેરલદીઠ 77.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 254.36 પૉઈન્ટનો અને 82.30 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 101.59 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલે રૂપિયાના સુધારાને ટેકો આપ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.