Thu Jun 18 2026

Logo

ગુજરાતમાં રુ. 1567 કરોડના રોકાણવાળા 15 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી

2026-06-18 21:24:35
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રણી રોકાણ સ્થળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, રાજ્ય સરકારે ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની 'ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ' અંતર્ગત રૂ.1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન સહાય મંજૂર કરી હતી. આ રોકાણોના પરિણામે રાજ્યમાં આશરે 1,238 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સરકારે આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ પ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં આ એકમોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેવાયો હતો. 

આ બેઠકમાં ભરૂચ જિલ્લામાં કેમિકલ્સ ક્ષેત્રના રૂ.999.82 કરોડના સૌથી મોટા રોકાણને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓટોમોબાઇલ સેક્ટરમાં અમદાવાદ જિલ્લાના રૂ.75.72 કરોડ અને સુરેન્દ્રનગર જિલ્લાના રૂ.44.56 કરોડના પ્રોજેક્ટ્સ સહિત ગાંધીનગર જિલ્લામાં ટેક્સટાઇલ ક્ષેત્રના રૂ.13 કરોડના પ્રોજેક્ટને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ નીતિ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ રૂ.1,48,336.35 કરોડનું  રોકાણ આકર્ષવામાં આવ્યું છે.