Sun Jun 14 2026

Logo

ઈઝરાયેલે બેરૂત પર બોમ્બ ઝીંક્યા, છતાં ટ્રમ્પ બોલ્યા- 'શાંતિ કરાર તો થઈને જ રહેશે!'

washington dc   2026-06-14 22:03:49
Author: Devayat Khatana
Article Image

Evan Vucci/Reuters


વોશિંગ્ટન: મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક જ સમયમાં 'સૌ સારા વાના' થવાના એંધાણ હતા તેવા સમયે ઈઝરાયેલે લેબનોન પર હુમલો કરીને હવનમાં હાડકાં હોમી દીધા કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે, તેવા સમયે અમેરિકાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  મિડલ ઈસ્ટમાં શાંતિ કરાર ખૂબ જ નજીક હોવાનો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ પ્રદેશમાં અને ખાસ કરીને લેબનોનમાં શાંતિ લાવવા માટે અમે એક ઐતિહાસિક કરારની ખૂબ નજીક છીએ અને હવે તમામ પક્ષોએ પીછેહઠ કરવી જોઈએ. 

જગત જમાદાર ટ્રમ્પે આગળ એમ પણ જણાવ્યું કે "આ એક લાંબી અને સુંદર શાંતિની શરૂઆત હોઈ શકે છે – આપણે આ તક ગુમાવવી જોઈએ નહીં!" જો કે, આ પહેલા તેમણે એવો દાવો કર્યો હતો કે રવિવારે જ આ કરાર પર હસ્તાક્ષર થઈ જશે, પરંતુ રવિવારના નિવેદનમાં તેમણે આ ચોક્કસ સમય અંગે કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરવાનું ટાળીને વાત પેટમાં રાખી હતી.

બીજી તરફ, રવિવારે ઈઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂત પર મોટો હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઈઝરાયેલના મતે ઉત્તરી ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ હુમલા અંગે નારાજગી વ્યક્ત કરતા  ટ્રમ્પે કહ્યું કે, બેરૂત પર આજ સવારનો હુમલો થવો જોઈતો ન હતો, ખાસ કરીને આજના ખાસ દિવસે તો બિલકુલ નહીં. માનવામાં આવે છે કે ટ્રમ્પ અહીં પોતાના  જન્મદિવસે શાંતિ કરાર થવાની આશાનો સંદર્ભ આપી રહ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ હુમલાથી પ્રાદેશિક શાંતિ કરારની પ્રગતિમાં કોઈ અવરોધ આવવો જોઈએ નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પે બંને પક્ષોને સંયમ રાખવાની કડક અપીલ કરતા કહ્યું છે કે, હવે ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં ક્યાંય પણ હુમલા થવા જોઈએ નહીં, તેમજ હિઝબુલ્લાહ સહિતના કોઈપણ પક્ષ દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ હુમલા બંધ થવા જોઈએ. નોંધનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ વારંવાર કહી ચૂક્યા છે કે ઈરાન સાથેનો શાંતિ કરાર લગભગ આખરી તબક્કામાં છે. હવે આ વૈશ્વિક તણાવ વચ્ચે તેઓ પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપવા માટે તમામ હિતધારકોને હિંસાનો માર્ગ છોડી કરાર તરફ આગળ વધવા માટે દબાણ કરી રહ્યા છે.