Wed Jun 03 2026

Logo

ઔર યે મૌસમ હંસીં...: ખરી સંપત્તિ જે છે તેમાં નહીં, પણ જેના વગર તમે રહી શકો તે છે....

2026-06-03 10:48:00
Author: Deval Shashtri
Article Image

દેવલ શાસ્ત્રી

માણસ જ્યારે જન્મે છે ત્યારે મુઠ્ઠી વાળીને આવે છે અને જ્યારે જાય છે ત્યારે મુઠ્ઠી ખોલીને જાય છે.

દરેક વ્યક્તિ પોતાની મહાનતા દર્શાવવા આવું બોલતા હોય છે. હકીકતમાં જીવતા જીવ આપણે એ જ મુઠ્ઠીમાં આખી દુનિયાને કેદ કરી લેવા મથીએ છીએ. આજના જમાનામાં સંપત્તિ એટલે બેંક બેલેન્સ, પ્રોપર્ટી કે સોનું-ચાંદી જેવું માનસિક માળખું બની ગયું છે. શું ખરેખર સંપત્તિ એટલે માત્ર આટલું જ?

‘જો આજે તમારી પાસેથી બધી જ ભૌતિક સુવિધાઓ લઈ લેવામાં આવે, તો શું તમારી શાંતિ અકબંધ રહેશે?’ આ પ્રશ્ન સાંભળવામાં જેટલો સરળ લાગે છે, સુવિધાઓ વગર તો સુખનું અસ્તિત્વ ડગમગી જાય. આપણે બધા એક એવી દોડમાં સામેલ છીએ, જ્યાં લક્ષ્ય માત્ર એક જ છે, મારી પાસે બધા કરતાં ‘વધુ’ છે - વધુ પૈસા, વધુ સુવિધા, વધુ સુખ અને વધુ પ્રતિષ્ઠા. આ વાતમાં ‘વધુ’ શબ્દ વગરનું બધું સ્વીકાર્ય છે.

પૈસો, સુવિધાઓ, સુખ અને પ્રતિષ્ઠા આવશ્યક છે. આધુનિક સમયમાં પૈસા કે સુખસગવડ વગર જીવવું અશક્ય છે, પણ અહીં સવાલ છે ‘અતિ’ માટેના પાગલપનનો... આ દોડના અંતે જ્યારે હાંફતા-હાંફતા ઊભા રહીએ છીએ ત્યારે એક પ્રશ્ન આપણને અંદરથી કોરી ખાય છે: શું આ બધું જીવનની સાચી સંપત્તિ છે? દુનિયામાં અનેક લોકો સગવડો ત્યાગીને સાહસિક પ્રવાસો કરે છે કે પછી આત્મશાંતિ માટે યુવાનો સાધુ બને છે એ ‘વધુ’ની કામનાનો પ્રતિકાર માની શકાય?

એપિક્ટેટસનું જીવન આ ફિલોસોફીનો જીવતો જાગતો પુરાવો છે. તે પોતે એક ગુલામ હતો, જેના પાસે અંગત માલિકીની કોઈ વસ્તુ નહોતી. તેને શારીરિક યાતનાઓ મળતી, છતાં તે માનસિક રીતે સૌથી વધુ સ્વતંત્ર હતો. તેણે શીખવ્યું કે દુનિયા તમારી સંપત્તિ છીનવી શકે છે, પણ તમારી ‘માનસિક શાંતિ’ છીનવી શકતી નથી. પોતાના અનુભવોને તે કહીને ગયો, સંપત્તિ તમારી પાસે કેટલી છે તેમાં નથી, પણ જેના વગર તમે શાંતિથી જીવી શકો છે તેમાં છે.     

આપણે એવા વ્યસ્ત છીએ કે એ પણ ભૂલી ગયા છીએ કે શાંતિ તો ‘મુક્ત’ હોવામાં છે. ભારતીય સંસ્કૃતિમાં મુક્તતાની વાતને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેને અપરિગ્રહ કહેવામાં આવે છે. મહાવીર સ્વામીએ કહ્યું હતું કે જેટલી વસ્તુઓ તમારી પાસે વધારે હશે, તેટલી ચિંતાઓ પણ વધશે. એક અભ્યાસ મુજબ ભૌતિક સગવડ અને વ્યક્તિગત ખુશી વચ્ચે 19 ટકાનો નકારાત્મક સંબંધ છે. અન્ય એક અભ્યાસ મુજબ, લોટરી જીતનારો અને પોતાનું અંગ ગુમાવનારા સરેરાશ અઢાર મહિના માં ઓરિજિનલ ખુશીના સ્તર પર પાછા આવી જાય છે.

માનવ સ્વભાવની એક વિચિત્ર લાક્ષણિકતા છે કે તેને જે નથી મળ્યું તેના તરફ તે આંધળી દોટ મૂકે છે. મનોવિજ્ઞાન માને છે કે માણસની ખુશી એ ‘હેડોનિક ટ્રેડમિલ’ જેવી છે. તમે જેટલી પણ ભૌતિક સંપત્તિ મેળવો, થોડા સમય પછી તમારું મન તેની આદત પાડી દે છે અને તમને ફરી ખાલીપો લાગે છે. આ ખાલીપો ભરી શકાતો નથી. આપણને અમેરિકા ઇરાનના યુદ્ધની જેટલી ચિંતા નથી, એના કરતાં વધુ ચિંતા તો દરિયામાં ઇન્ટરનેટ માટે લાગેલા કેબલને કાપી ના નાખે એની છે. માણસો ભલે મરે, પણ ઇન્ટરનેટ બંધ થવું જોઈએ નહીં.

આજની યુવા પેઢી સત્યને સારી રીતે સમજી રહી છે. યુવાનો મોજશોખથી જીવતા થયા છે, પહાડોમાં કે પ્રકૃતિની ગોદમાં જાય છે. આ ભાગેડુ વૃત્તિ નથી, પણ ખુશીઓની શોધ છે. યુવાનો માટે સંપત્તિ એટલે એક સારો વિચાર, કોઈની મદદ કરી શકવાની ક્ષમતા કે શાંતિથી માણી શકાયેલી એક સાંજ. તમે તમારી આસપાસ જુઓ, જે લોકો પાસે અઢળક સંપત્તિ છે પણ સમય નથી, તે ગરીબ છે.

અમેરિકામાં 2014માં એક ફિલ્મ આવી હતી: ‘વાઈલ્ડ’. આ ફિલ્મ ચેરીલ સ્ટ્રેડ નામની એક યુવતીના  વાસ્તવિક જીવન પર આધારિત છે. તેની માતાનું અચાનક કેન્સરથી મૃત્યુ થયા પછી તેનું આખું જીવન તૂટી ગયું. લગ્ન તૂટ્યા, તે ડ્રગ્સના ચક્કરમાં ફસાઈ ગઈ અને ફાઈનલી ખોટાં કામોના રવાડે ચડીને વિનાશની ખાઈમાં ઊતરી ગઈ. એક દિવસ તેને લાગ્યું કે જો તે આ રીતે જીવતી રહેશે તો તે વહેલી મરી જશે. તેણે બદીઓમાંથી મુક્ત થવા માટે એક નિર્ણય લીધો.

પોતે જે વાતાવરણમાં રહેતી હતી ત્યાંથી નીકળીને એક સાહસ યાત્રા કરવાનું નક્કી કર્યું. તેણે પેસિફિક ક્રેસ્ટ ટ્રેઇલ પર જોખમી માર્ગમાં લગભગ 1,770 કિલોમીટર લાંબી એકલી યાત્રાનો નિર્ધાર કર્યો. આ યાત્રા તેના માટે માત્ર શારીરિક નહીં, પણ સ્વ તરફની ગતિ હતી. તેણે તેની તમામ સંપત્તિ, સંબંધો અને ભૂતકાળના બોજને દૂર સુધી પાછળ છોડી દીધા. રસ્તા પૂરતો સામાન અને પોતાની અંદરની તાકાત સાથે તે જંગલમાં નીકળી પડી.

આ યાત્રા દરમિયાન તેને ભૂખ, તરસ, થાક, એકલતા અને પોતાના ભૂતકાળના ભયનો અવારનવાર સામનો કરવો પડ્યો, પરંતુ જેમ જેમ તે આગળ વધતી ગઈ, તેમ તેમ તે સમજતી ગઈ કે બહારના ભાર કરતાં અંદરનો ભાર વધુ હોય છે. યાત્રાના અંતે તેણે પોતાનામાં ગજબનું પરિવર્તન જોયું, એક નવી વ્યક્તિ બનીને પાછી ફરી. પ્રવાસના અંતે તેની ગરીબી દૂર થઇ ન હતી, પરંતુ અંદરથી અમીર અને મજબૂત બની ગઈ હતી. ક્યા સમજે?
                                            
ધ એન્ડ 
તમારી પાસે જે છે તે તમને શાંતિ આપે છે કે ચિંતા?