Wed Jun 03 2026

Logo

મગજ મંથન: માનસિક ને ભાવનાત્મક સમસ્યાઓ માટે કાઉન્સેલિંગ કેટલું ઉપયોગી?

2026-06-03 14:52:00
Author: Vitthal Vaghasia
Article Image

વિઠ્ઠલ વઘાસિયા

આધુનિક જીવનશૈલી, સ્પર્ધા, માનસિક દબાણ અને બદલાતી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન અને સહાયની જરૂરિયાત વધી ગઈ છે. આવા સંજોગોમાં કાઉન્સેલિંગ અને મેન્ટરિંગ વ્યક્તિને યોગ્ય દિશામાં આગળ વધવામાં મદદરૂપ બને છે.

કાઉન્સેલિંગ એ એવી પ્રક્રિયા છે જેમાં એક નિષ્ણાત (કાઉન્સેલર) સામેની વ્યક્તિને તેની સમસ્યાઓ સમજવામાં, ભાવનાઓ વ્યક્ત કરવામાં અને યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન આપે છે. કાઉન્સેલિંગ સામાન્ય રીતે માનસિક, ભાવનાત્મક અને વ્યવહારિક સમસ્યાઓ માટે કરવામાં આવે છે. આજના યુગમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ, નોકરીમાં અસંતોષ, પારિવારિક વિવાદો અથવા વ્યક્તિગત સંબંધોની સમસ્યાઓ જેવી અનેક પરિસ્થિતિઓમાં કાઉન્સેલિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. 

કાઉન્સેલિંગથી  વ્યક્તિને પોતાની ભાવનાઓ સમજવામાં મદદ કરે છે, આત્મવિશ્વાસ વધારવામાં સહાય કરે છે અને તણાવ ઘટાડે છે. ઘણી વખત લોકો પોતાની સમસ્યાઓ કોઈને કહી શકતા નથી, જેના કારણે તે અંદરથી તૂટતા જાય છે. કાઉન્સેલિંગ તેમને ખૂલીને વાત કરવાની તક આપે છે, જે માનસિક આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ઉપરાંત, યોગ્ય માર્ગદર્શન મળવાથી વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકે છે અને જીવનમાં સંતુલન જાળવી શકે છે. ઘણી વખત ખોટું પગલું ભરતાં અટકી પણ જાય છે.

બીજી તરફ ‘મેન્ટરિંગ’ એ એક દીર્ઘકાલીન પ્રક્રિયા છે, જેમાં અનુભવી વ્યક્તિ (મેન્ટર) ઓછી અનુભવી વ્યક્તિ (મેન્ટી)ને માર્ગદર્શન આપે છે. મેન્ટરિંગનો ઉદ્દેશ માત્ર સમસ્યાનું સમાધાન કરવા પૂરતો સીમિત નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ અને કારકિર્દી વિકાસમાં સહાયરૂપ બનવાનો છે. મેન્ટર પોતાના અનુભવ, જ્ઞાન અને મૂલ્યો દ્વારા મેન્ટીને યોગ્ય દિશા દર્શાવે  છે.

શિક્ષણ ક્ષેત્રમાં મેન્ટરિંગ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે છે. કારકિર્દી ક્ષેત્રમાં મેન્ટરિંગ વ્યક્તિને યોગ્ય દિશામાં આગળ વધવામાં અને નવી તકો મેળવવામાં મદદરૂપ બને છે.

કાઉન્સેલિંગ અને મેન્ટરિંગ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે કાઉન્સેલિંગ સામાન્ય રીતે ચોક્કસ સમસ્યાના નિરાકરણ માટે થાય છે, જ્યારે મેન્ટરિંગ સતત વિકાસ માટેની પ્રક્રિયા છે. કાઉન્સેલિંગમાં ’પ્રોબ્લેમ સોલ્વિંગ’ પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે મેન્ટરિંગમાં ‘પર્સનલ ગ્રોથ’ અને ‘કેરિયર ડેવલપમેન્ટ’ પર વધુ ભાર મૂકવામાં આવે છે.

આજના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કાઉન્સેલિંગ અને મેન્ટરિંગ બંનેનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. નવી શિક્ષણ નીતિ- 2020માં પણ દરેક શાળા કોલેજમાં કાઉન્સિલરની નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. ઘણી સ્કૂલ અને કોલેજોમાં કાઉન્સેલરની નિમણૂક થયેલી જ છે, જે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળે છે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે. સાથે સાથે, મેન્ટરિંગ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકો અથવા સિનિયર વિદ્યાર્થીઓ સાથે જોડવામાં આવે છે, જેથી તેઓ વધુ સારી રીતે શીખી શકે અને આગળ વધી શકે.

હવે તો કાર્યસ્થળ પર પણ કાઉન્સેલિંગ અને મેન્ટરિંગનું મહત્ત્વ વધી રહ્યું છે. ઘણા સંગઠન પોતાના કર્મચારીઓ માટે કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડે છે, જેથી તે એમની કામગીરી બજાવતી વખતે તણાવમુક્ત રહીને વધુ સારું કામ કરી શકે. મેન્ટરિંગ પ્રોગ્રામ દ્વારા નવા કર્મચારીઓને અનુભવી કર્મચારીઓ સાથે જોડવામાં આવે છે, જેથી તે ઝડપથી શીખી શકે.

આમ કાઉન્સેલિંગ અને મેન્ટરિંગ બંને વ્યક્તિના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને એ બન્ને આજના સમયમાં વ્યક્તિને સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.