Wed Sep 02 2026

Logo

ભારતની અફઘાનિસ્તાન સામે અત્યારથી જ `એક વિકેટ' પડી?

2026-06-03 16:04:00
Author: Ajay Motiwala
ભારતની અફઘાનિસ્તાન સામે અત્યારથી જ `એક વિકેટ' પડી?

BCCI


ન્યૂ ચંડીગઢઃ શનિવાર, છઠ્ઠી જૂને અહીં અફઘાનિસ્તાન સામે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ (Siraj) ઈજાને કારણે કદાચ નહીં રમે એ જોતાં ભારતીય ટીમને અત્યારથી જ એક ઝટકો લાગ્યો છે. રાઇટ-હૅન્ડ પેસ બોલર સિરાજ આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ વતી રમ્યો હતો અને ફાઇનલમાં જ તેને (બોલિંગવાળા) જમણા ખભામાં ઈજા થઈ હતી છતાં તે રમતો રહ્યો હતો.

સિરાજે રવિવારે ફાઇનલમાં વેન્કટેશને આઉટ કર્યો

સિરાજે રવિવારે ફાઇનલમાં બેંગ્લૂરુના ઓપનર વેન્કટેશ ઐયર (32 રન)ને કૅગિસો રબાડાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ફાઇનલ હોવાથી સિરાજ ખભાની ઈજા છતાં ગમે એમ કરીને રમ્યો હતો અને બોલિંગ વખતે તેને ખભામાં દુખાવો થતો હતો. હવે સમાચાર મળ્યા છે કે સિરાજ અફઘાનિસ્તાન (Afghanistan) સામેની ટેસ્ટમાં કદાચ નહીં રમે.

જોકે તે શનિવારે સવારે 9.30 વાગ્યે શરૂ થનારી ટેસ્ટમાં રમશે કે કેમ એ તેની ફિટનેસને લગતા સર્ટિફિકેટ પરથી નક્કી થશે. ટેસ્ટની શરૂઆત પહેલાં તેના ખભાની ચકાસણી થશે, તેને કેટલો દુખાવો છે એના પરથી તેના રમવા કે ન રમવા વિશેનો નિર્ણય લેવામાં આવશે.

સિરાજનો વિકલ્પ બ્રાર કે આકિબ

એક અહેવાલ એવો પણ છે કે સિરાજ નહીં રમે તો કદાચ પેસ બોલર ગૂર્નુર બ્રારને ડેબ્યૂ કરવાનો મોકો મળશે. છ ફૂટ પાંચ ઇંચ ઊંચો બ્રાર ખૂબ ટૅલન્ટેડ બોલર મનાય છે એટલે જ તેની અજમાયશ કરવા તેને ઘરઆંગણાની અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં રમવાની કદાચ તક અપાશે. તેનું કદ ઊંચું હોવાથી તે બૉલને વધુ ઉછાળીને ભલભલા બૅટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. અન્ય એક રિપોર્ટ અનુસાર સિરાજની ગેરહાજરીમાં જમ્મુ-કાશ્મીરના આકિબ નબીને પણ રમવાનો મોકો મળી શકે. તેણે 2025-'26ની રણજી સીઝનમાં સૌથી વધુ 60 વિકેટ લીધી હતી.