Fri Sep 04 2026

Logo

અફઘાનિસ્તાન સામેની ભારતીય ટીમમાં આ આઠ ખેલાડીના કમબૅક, પણ હાર્દિકનું નામ કેમ ગાયબ?

2026-09-01 19:38:30
Author: Ajay Motiwala
અફઘાનિસ્તાન સામેની ભારતીય ટીમમાં આ આઠ ખેલાડીના કમબૅક, પણ હાર્દિકનું નામ કેમ ગાયબ?

PTI


ઝિમ્બાબ્વેના સફળ પ્રવાસના આઠ ખેલાડીની બાદબાકીઃ વૈભવની ઝિમ્બાબ્વેની સફળતા બાદ હવે અફઘાનિસ્તાન સામે કસોટી

નવી દિલ્હીઃ ટૂંકા બે્રક બાદ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મોસમ ફરી શરૂ થવા જઈ રહી છે અને એ માટેની ટી-20 ટીમમાં આઠ ધરખમ ખેલાડીનો ફરી સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ લોકલાડીલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ ટીમમાંથી હજી પણ ગાયબ છે. ઇંગ્લૅન્ડ સામેના ડેબ્યૂમાં સારું રમવામાં નિષ્ફળ ગયા બાદ ઝિમ્બાબ્વેમાં સિરીઝ-વિનિંગ પર્ફોર્મ કરનાર વૈભવ સૂર્યવંશીની હવે અફઘાનિસ્તાન સામે કસોટી થશે.

હાર્દિક હજી પૂરેપૂરો ઈજામુક્ત નથી થયો એટલે તેને આ મહિને દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ ટી-20 મૅચની સિરીઝ માટેની 15 ખેલાડીની ટીમમાં નથી સમાવવામાં આવ્યો.

ત્રણ ટી-20 ક્યારે રમાશે?

ભારત (India) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે ત્રણ ટી-20 મૅચ 13, 15 અને 17મી સપ્ટેમ્બરે પાટનગર દિલ્હીમાં રમાશે. ઉલ્લેખનીય છે કે જુલાઈમાં હરારેમાં ભારતે શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી એ પહેલાં ઇંગ્લૅન્ડમાં ભારતનો 0-4થી અને એ અગાઉ આયરલૅન્ડમાં 0-2થી પરાભવ થયો હતો.

કયા આઠ ખેલાડીના કમબૅક?

શ્રેયસ ઐયર ફરી એક વખત ટી-20 ટીમનું સુકાન સંભાળશે. એમાં જે આઠ ખેલાડી કમબૅક કરી રહ્યા છે એમાં જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, નીતીશ કુમાર રેડ્ડી, (વર્લ્ડ નંબર-વન) વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર અને સંજુ સૅમસનનો સમાવેશ છે. આમાંના મોટા ભાગના ખેલાડીઓ અલગ પ્રકારની ઈજાને લીધે ટીમની બહાર હતા, પણ હવે ફરી ફિટ થઈને પાછા રમવા આવશે. જોકે પૂર્ણ ફિટનેસનું સર્ટિફિકેટ મળ્યા પછી જ નીતીશ, સુંદર, બુમરાહ, હર્ષિતને રમવા મળશે.

કયા આઠ પ્લેયરની બાદબાકી?

ઝિમ્બાબ્વે સામે ભારતે શ્રેયસ ઐયરના સુકાનમાં 3-0થી જે સિરીઝ જીતી લીધી એ સફળ પ્રવાસની ટીમના આઠ ખેલાડીને અફઘાનિસ્તાન સામેની ટીમની બહાર રાખવામાં આવ્યા છે. એમાં પ્રભસિમરન સિંહ, રિન્કુ સિંહ, હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે, અશોક શર્મા, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને યશ ઠાકુરનો સમાવેશ છે.

અફઘાનિસ્તાન સામેની ભારતીય ટીમમાં કોણ છે, જાણી લો

શ્રેયસ ઐયર (કૅપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા.