કિશોર વ્યાસ
‘અન જીયારે નેં અન મારે’ પારદર્શક ચોવક છે અને તેમાં જોવા અને જાણવા મળે છે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનો મોંઘવારી સામેનો સંઘર્ષ! ચોવક કહે છે: અનાજથી જ જીવન છે.અને અન્નથી (અન્ન વગર) જ મરણ છે. એટલે જ જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે કચ્છીમાં કહેવાય છે કે ‘અટો ખુટ્યો’ ‘અટો’ એટલે કે લોટ! એવી જ બીજી ચોવક છે ‘બાજર ખુટઈ’ મતલબ કે બાજરો ખૂટ્યો. અહીં બાજરો ‘આયુષ્ય’ના બદલે વપરાયેલો શબ્દ છે. ગુજરાતીમાં આપણે બોલતાં, વાંચતાં કે સાંભળતા હોઈએ છીએં કે અન-જળ (અંજળ) પૂરાં થયાં! એટલે કે, અન્ન-પાણી સાથેના સંબંધ પૂરા થયા!
એ સત્ય છે કે, અનાજ હોય તો બધું જ છે. ‘અન સાં પ્રાણ, નેં પ્રાણ સાં પરાક્રમ’ અનાજ જીવનના પ્રાણ સમાન છે, જેનામાં પ્રાણ છે એ બધાં પરાક્રમ (કાર્યો) કરવા શક્તિમાન છે. આ ચોવકો જીવવા માટે અનાજનું કેટલું મહત્ત્વ છે, તે દર્શાવે છે.
એ રીતે જ ‘ખાવા’ અને ‘પીવા’ની બાબતોને વણી લેતી ઘણી ચોવકોની પ્રયોગ કચ્છીમાં થતો હોય છે. કોઈ વ્યક્તિની નબળી હાલત બતાવવા માટે એક ચોવક પ્રચલિત છે: ‘અગીયાં માની પુઠિયાં પિંઢ’ રોટલો આગળ અને ભૂખ્યો જણ તેની પાછળ! મૂળમાં તો ચોવક રોટલા પાછળની દોટ દર્શાવે છે. કેટલાક ગમે તેટલી મહેનત કરે,પણ પેટ ભરાય તેટલું ‘પેટિયું રળી’ ન શકે! એટલી કમનસીબી! આવી સ્થિતિ હોવા છતાં વ્યવહારમાં જે વધુ પડતો દેખાડો કરવા જાય અને ત્યાર પછી તેની જે હાલત થાય તેના માટે બોધદાયક એક ચોવક છે:
‘કરે વરો, પોય ચડે બરો’ ‘કરે વરો’નો અર્થ થાય છે મોટો જમણવાર કે બહુ મોટો વ્યવહાર, જે તેની શક્તિથી બહાર હોય છે, એ અર્થમાં તેનો પ્રયોગ થયો છે અને પછી ‘ચડે બરો’ કચ્છીમાં ‘તાવ’ને ‘બરો’ પણ કહે છે. શબ્દાર્થ એ છે કે, મોટો જમણવાર કે ગજાબહારનો વ્યવહાર કરે પછી તાવ ચઢે! તાવ ચઢે એટલે કે તેની હાલત ખરાબ થાય કે, કફોડી સ્થિતિમાં મુકાઈ જાય! એટલે જ ગુજરાતીમાં કહેવત બોધ આપે છે કે, ‘ચાદર પ્રમાણે સોડ તાણવી’!
પાયા વગરની વાત! કચ્છીમાં એક સુંદર ચોવક તેના માટે પ્રયોજાય છે: ‘કુની કરે કડાકા, રબ કરે સડાકા’ આ ચોવકમાં ‘કુની’ (એક પ્રકારનું માટી કે ધાતુનું વાસણ)માં કંઈજ ન હોય અને સબડકા એવા સંભળાતા હોય કે જાણે રાબ પીતા હોય! આ ‘કુની’ અને ‘રબ’ શબ્દોનો ઉપયોગ કરીને વ્યક્ત તો એવું જ કરવામાં આવે છે કે, એ સાવ પાયા વગરની વાત છે.
કરવું કંઈક હોય અને થઈ કંઈક જુદું જ જાય, એટલે પરિણામ જુદું જ આવે. ચોવક છે: ‘કેંણ વ્યો કંસાર નેં થિઈ વિઈ થૂલી’ કંસાર બનાવવા બેઠા પણ બની ગઈ ‘થૂલી’! ધાર્યું પરિણામ ન આવવું!
ગુજરાતીમાં પણ ખાદ્ય પદાર્થોને વણી લેતી કહેવતો છે, જેમ કે ‘કુલડીમાં ગોળ ભાંગવો’ અર્થ એવો થાય કે છાનું માનું કામ પતાવી લેવું! એવા કોઈ કામને છાનું રાખીને કરવું. એજ વાત ચોવક આ રીતે કહે છે: ‘કુનડે મેં ગુડ જોરણૂં’ કોઈની તાકાત બતાવવા એક ચોવકમાં ‘પાણી’નો ઉપયોગ થયો છે: ‘કેર કિતરે પાણી મેં’ એક બીજા સાથેના મુકાબલામાં તાકાત માપવા માટે આ ચોવકનો ઉપયોગ થાય છે.