હેન્રી શાસ્ત્રી
કોર્પોરેટ નહીં, કાર્પારેટ કરિયર
ગમે એવી ખ્યાતિ ધરાવતી કંપની કે તગડા પગાર કરતા જોબ સેટિસ્ફેક્શન - નિજાનંદ વધુ ચડિયાતા એ જનરેશન ઝીનો જીવનમંત્ર છે. યંગસ્ટર્સને પૈસાની-ઝાઝા બધા પૈસાની કમાણી કરવી છે, પણ પોતાની શરતે. પાંચ પચીસ ઓછા ભલે મળે, કોઈ પણ પ્રકારની રોકટોક વિના મસ્તીથી કામ કરવા મળે તો એનાથી રૂડું શું એવા સમીકરણમાં આ લોકો જીવે છે.
મુંબઈના એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટની ગાથા સમીકરણનું સમર્થન કરે છે. ભણીગણી નોકરી માટે અરજી કરતા ભાઈસાહેબને મહિને ત્રીસ હજાર રૂપિયાની કૉર્પોરેટ કંપનીમાં નોકરી ઓફર થઈ. જોકે, ન મામા કરતાં કેહણો મામો સારો એ કહેવતમાં શ્રદ્ધા નહીં ધરાવતા હોંશિલા યુવાને નોકરી નહીં સ્વીકારવાનું નક્કી કર્યું. પરંપરાગત નાઈન ટુ ફાઈવ જોબ કરવાને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરી ‘સ્કાય ઇઝ ધ લિમિટ’ પ્રકારે કમાણી કરવાનો મનસૂબો રચ્યો.
શરૂઆત એક કારથી કરી અને બેન્ક બેલેન્સ તગડું થયું એને પગલે એકમાંથી બે અને પછી બેમાંથી ચાર કાર વસાવી લીધી. કોર્પોરેટ નોકરીનું કરિયર ત્યાગી સ્વેચ્છાએ કાર્પારેટ કરિયર (કાર ચલાવવાની કારકિર્દી) સ્વીકારી મહિનેદાડે બે લાખ કમાણી કરી રહ્યો છે. આર્થિક સ્વાતંત્ર્ય અને બિઝનેસના બાદશાહ બનવું હોય તો ગણત્રીપૂર્વકનાં જોખમો લેવાં જ જોઈએ એવી એની ગણતરી છે. કારકિર્દીમાં હવાતિયાં મારી રહેલા અનેક લોકો માટે આ યુવાનનું ઉદાહરણ પ્રેરણાદાયી છે.
‘લાશ’ના ફૂલનું આકર્ષણ
ફૂલ બગીચાની શોભા છે, સ્ત્રીના કેશનું ઘરેણું છે અને એની સુગંધનો દરિયો છે. સૌંદર્ય અને સુગંધને કારણે ફૂલને વિવિધ ઉપમા મળી છે, એના અનેક ગુણગાન ગવાયા છે. જોકે, આજે આપણે જે ફૂલ ની વાત કરવાની છે એના માટે પેદા થયેલા કુતૂહલ વિશે જાણશો તો તમને જ અચરજ થશે એ વાત નક્કી છે.
મૂળ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુનું વતની એવું આ ફૂલ અંગ્રેજીમાં Corpse Flower તરીકે ઓળખાય છે. હવે Corpse એટલે લાશ, મુખ્યત્વે મનુષ્યની. અદ્ભુત ગણાતા આ ફૂલમાંથી કોહવાયેલી લાશમાંથી આવે એવી દુર્ગંધ આવતી હોય છે. જોકે, ફૂલ તો સુગંધ માટે જાણીતાં છે તો.... એનો ખુલાસો એમ છે કે માંસ આરોગતા જંતુઓને પરાગરજ ફેલાવવા આકર્ષવા માટે આ ફૂલ આવી ગંધ ફેલાવે છે. કુદરતની કેવી કરામત. આફતમાં અવસર શોધવો જેવી વાત થઈ કહેવાયને.
પોલેન્ડના વોર્સો શહેરના બોટનિકલ ગાર્ડનમાં ગયા વર્ષે આCorpse Flower ખીલી ઊઠતાં એ જોવા માટે લોકોનાં ટોળેટોળાં સતત ઊમટી રહ્યાં છે. ઘણી વાર અધધ કહી શકાય એવું 40 કિલો વજન ધરાવતી આ અજાયબી જોવા લોકો આખી રાત લાઈનમાં ઊભા રહેતા હોય છે. ફૂલની નજીક પહોંચી એના દર્શન કરી તેમ જ એક ફોટોગ્રાફ ક્લિક કરી જાણે ધન્યતા અનુભવતા હોય એવું લાગે. આ ફૂલ માત્ર સુમાત્રાનાં જંગલોમાં જોવા મળે છે. જોકે, ત્યાં વનનું નિકંદન નીકળી રહ્યું હોવાથી એનું અસ્તિત્વ જોખમમાં છે. હવે મુલાકાતીઓ જ્યાં ઊમટતા હોય એવા બોટનિકલ ગાર્ડનમાં એની જાળવણી થઈ રહી છે.
દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય
યુએસએની પાડોશમાં આવેલું મેક્સિકો લેટિન અમેરિકન દેશ (33 દેશનો સમૂહ) તરીકે ઓળખાય છે. લેટિન અમેરિકામાં ક્ધયા 15 વર્ષની થાય ત્યારે વર્ષગાંઠની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. બાળપણથી સ્ત્રીમાં રૂપાંતરના પ્રતીક રૂપે હેપ્પી બર્થ-ડેનું આયોજન કરવામાં આવે છે. કોડીલી ક્ધયાઓ પોતપોતાના ગજા અનુસાર ફોટોશૂટ કરાવતી હોય છે. કોઈ ભવ્ય બોલરૂમ, કોઈ પ્રાકૃતિક સૌંદર્યથી ઠાંસોઠાંસ બગીચો તો કોઈ લક્ઝરી કારને પાર્શ્વભૂમિમાં રાખી ફોટોગ્રાફ્સ પડાવતી હોય છે જે એના જીવનનું અનન્ય સંભારણું બની જાય છે.
તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા બર્થ-ડે સેલિબ્રેશનમાં 15 વર્ષની કિશોરી એક ગાર્બેજ ટ્રક (કચરો લઈ જતો ખટારો)ની સમક્ષ ઊભી રહેલી નજરે પડે છે. આ તસવીર જોઈ અનેક લોકોને આશ્ર્ચર્ય થયું છે તો કેટલાક લોકો હેબતાઈ ગયા છે. કચરાના ખટારા પાસે ફોટો પડાવવા પાછળ કોઈ કટાક્ષ કે ઉપહાસ નથી, બલકે માનવંદના છે. પોતાની દીકરી 15 વર્ષની થાય ત્યારે મનગમતી ઉજવણી કરી શકે એ માટે પિતાશ્રીએ વહેલી સવારે જાગી અને પોતાની ઈચ્છાઓ ત્યાગી કરેલા અથાક પરિશ્રમનો સરવાળો છે. કિશોરી માટે પિતાશ્રીની ગાર્બેજ ટ્રક ઉજવણીનું પ્રતીક છે.
સપનું સાકાર કરવા પરસેવો પાડી અને દિલથી કરેલા કોઈ પણ કામમાં ગરિમા હોય છે એ જાણે કે 15 વર્ષની પુત્રી સમાજને ઠસાવવા માગે છે. તસવીર ઘણી વાર એની રોચકતાને કારણે નહીં, બલકે સત્ય કહેતી હોવાને કારણે સૌથી સુંદર બની જતી હોય છે. મુકેશ માલવણકર લિખિત મનહર ઉધાસએ અમર બનાવેલું ગીત ‘દીકરી મારી લાડકવાયી’ આવી તસવીરમાં ગૂંજે છે અને આ ગીતની પંક્તિ ‘દીકરી તારા વહાલનો દરિયો જીવનભર છલકાય’ અહીં યથાર્થ સાર્થક થાય છે.
ખોટો જવાબ પણ સાચો...
પરીક્ષા ખંડમાં પેપર લખતા વિદ્યાર્થીઓમાં જબરદસ્ત વરાયટી જોવા મળતી હોય છે. કેટલાક એમબીએ (મને બધું આવડે) કક્ષાના વિદ્યાર્થીઓ છલ્લી દસ મિનિટની બેલ વાગે ત્યારે પણ ઊંધું ઘાલી લખ લખ કરવાની આદત ધરાવતા હોય છે. કેટલાક નમૂના એવા પણ હોય છે જેમની આંખો ચકળવકળ ઘૂમ્યા કરતી હોય છે અને ન આવડતા સવાલોનો જવાબ મેળવવા અહીં તહીં ડાફેરા મારતી હોય છે. બગાસું ખાતાં ખાતાં અને આજુબાજુના પેપરમાં ડોકિયું કરવાના અથાક પ્રયત્નો પછી પણ જે વિદ્યાર્થીઓને કોપી કરવાનો ચાન્સ નથી હાથ લાગતો એ લોકો જે જવાબ લખતા હોય છે એ બડા રંગતદાર હોય છે. એમાં એમનું પોતાનું લોજિક-તર્કશાસ્ત્ર હોય છે.
આ સંદર્ભનો એક અફલાતૂન કિસ્સો તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વિદ્યાર્થીએ ફિલ્મના ગીતની પંક્તિ કે સંવાદ અથવા નામ લખ્યા હોવાનાં કે આજીજી કરી હોવાના અનેક રમૂજી ઉદાહરણ પ્રચલિત છે. એક એવું ઉદાહરણ જાણવા જેવું છે જેમાં વિદ્યાર્થીનો જવાબ ખોટો હોવા છતાં કઈ રીતે સાચો પડી ગયો. પરીક્ષામાં પૂછવામાં આવેલો સવાલ હતો કે ‘ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ માણસ કોણ હતો?’ હવે આ જરાય અઘરો સવાલ નથી અને એનો જવાબ પણ જગજાહેર છે.
જોકે, એક પઠ્ઠાએ જવાબ આપ્યો બાહુબલી અને તમે માનશો? એ જવાબ સાચો ગણી વિદ્યાર્થીને માર્ક પણ આપવામાં આવ્યા. હવે તમે દલીલ કરશો કે જવાબ તો આર્મસ્ટ્રોંગ હોવો જોઈએ. પેલા ચતુર વિદ્યાર્થીએ બાહુબલી લખીને બાહુ (અળિ) અને બલી - બળવાન (જિજ્ઞિંક્ષલ) એવી સ્પષ્ટતા કરી. વિદ્યાર્થીનો તર્ક-લૉજિક જોઈને શિક્ષકના ચહેરા પર સ્મિત ફરકી ગયું અને એ જવાબ સાચો ગણીને માર્ક આપી દીધા, બોલો.... !
લ્યો કરો વાત
લગ્ન કરવાની પ્રથા ભલે વર્ષો જૂની હોય પણ એ રસમ નિભાવવાની શૈલીમાં ધરમૂળથી ફેરફારો આવી ગયા છે. જમણવાર બુફે થઇ ગયા, લગ્નની વાડી ડેકોરેશનવાળા હૉલ થઈ ગયા અને ઈત્યાદિ ... ઈત્યાદિ ઘણું બદલાઈગયું. ડિજિટલ ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે ચાંદલાના કવરની બદલે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવશે એવી મતલબના રમૂજી મેસેજ પણ ફરતા થયા હતા.
તાજેતરમાં તામિલનાડુનો પાંચેક વર્ષ જૂનો લગ્ન પ્રસંગના વાયરલ થયેલા વીડિયોમાં ભેટસ્વરૂપે આપવામાં આવેલી અલાયદી ગિફ્ટ સાથે લોકો વર્તમાન પરિસ્થિતિને જોડી રહ્યા છે.યુએસ - ઈરાન યુદ્ધજન્ય પરિસ્થિતિએ પેટ્રોલ અને ડીઝલના ભાવને તો જાણે આગ લગાડી હોય એમ સતત વધી રહ્યા છે. તામિલનાડુના એ લગ્ન પ્રસંગમાં મોંઘવારી ધ્યાનમાં રાખી એક મિત્રએ પેટ્રોલ ભરેલું કેન ગિફ્ટમાં આપ્યું હતું તો બીજાએ ગેસ સિલિન્ડર ઉપહારમાં આપ્યું. આજની તારીખમાં પણ વેડિંગ ગિફ્ટમાં આવા અનોખા પ્રયોગ કરવા જોઈએ એવી દલીલ સાથે અનેક લોકો સહમત ન થાય તો જ નવાઈ લાગે.