Wed Jun 03 2026

Logo

AIનો બબલ હવે ફૂટવાની અણી પર? અબજોનો ખર્ચ અને બદલાતા સૂર પાછળનું શું છે અસલી સત્ય...

2026-06-03 15:21:00
Author: Vimal Prajapati
Article Image

દુનિયાભરમાં છેલ્લા બે વર્ષથી AI ને લઈને જે માહોલ બન્યો છે, તે કોઈ મોટી ટેક ક્રાંતિથી કમ નથી. ઇન્ટરનેટ પછી આ માનવ ઇતિહાસની સૌથી મોટી ક્રાંતિ માનવામાં આવી રહી છે. દરેક નાની-મોટી કંપની પોતાના નામ સાથે AI જોડી રહી હતી અને રોકાણકારો આંખો બંધ કરીને પૈસા લગાવી રહ્યા હતા. પરંતુ હવે વર્ષ 2026 માં પહેલીવાર એવું લાગી રહ્યું છે કે આ ચમક ફીકી પડી રહી છે. AI ખર્ચાળ બનવા લાગ્યું છે, તેના સામે તે કમાણી આપી રહ્યું નથી. મોટા પ્રમાણમાં ખર્ચ કરવા છતાં પણ જો વળતળ ના મળે તો શું થાય? પ્રશ્ન એ છે કે, શું AI નો બબલ હવે ધીમે-ધીમે ફૂટી રહ્યો છે? ચાલો વિગતે જાણીએ...

શુ AI સૌથી મોંઘો સોદો બનશે?

ટેકનોલોજીના ઇતિહાસમાં 1990ના દાયકામાં ઇન્ટરનેટને લઈને પણ આવો જ ક્રેઝ હતો, જેને આપણે 'ડોટ કોમ બબલ' (Dot-com Bubble) તરીકે ઓળખીએ છીએ. ત્યારે પણ હજારો કંપનીઓ રાતોરાત ડૂબી ગઈ હતી. આજે AI ક્ષેત્રે પણ કંઈક આવી જ બેચેની જોવા મળી રહી છે. જ્યારે ChatGPT અને અન્ય AI ટૂલ્સ આવ્યા, ત્યારે લોકોને માત્ર તેનો જાદુ દેખાતો હતો. પરંતુ તેની પાછળ કેટલા અબજો ડોલર બળી રહ્યા છે, તેની ચર્ચા હવે શરૂ થઈ છે. AI કોઈ સાધારણ સોફ્ટવેર નથી, તે ખૂબ જ ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોંઘી GPU ચિપ્સ પર ચાલે છે. જેનો હવે લોકોને અહેસાસ થઈ રહ્યો છે. 

એઆઈને થઈ રહ્યો લાખો ડોલરનો ખર્ચ

હવે ટેક ઇન્ડસ્ટ્રીમાં એક નવો શબ્દ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે - 'ઇન્ફરન્સ કોસ્ટ' (Inference Cost). સરળ ભાષામાં કહીએ તો, જ્યારે પણ કોઈ યુઝર એઆઈને કોઈ સવાલ પૂછે છે કે ઈમેજ બનાવે છે, તે જ સેકન્ડે કંપનીનો ખર્ચ થાય છે.  ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ તો સ્વીકાર્યું પણ છે કે AI હવે ઘણું ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે. માઇક્રોસોફ્ટે તો બજેટ કાપવા માટે Claude ના ઘણા લાયસન્સ પણ કેન્સલ કર્યા છે. આટલી મોટી કંપનીઓ જો આવી સ્થિતિમાં છે તો નાની -મોટી કંપનીઓનું શું થશે?

એક કંપનીને એઆઈ બિલ રૂપિયા 4100 કરોડ રૂપિયા આવ્યો

એક મોટી કંપનીને માત્ર થોડા જ મહિનામાં રૂપિયા 4100 કરોડથી વધુનું એઆઈ બિલ આવ્યું છે. Uber નો એઆઈ સબસ્ક્રિપ્શન બજેટ પણ સમય મર્યાદા વહેલા પૂરું થઈ ગયું છે. ઉબેરના સીઓઓ એન્ડ્રુ મેકડોનાલ્ડે સ્પષ્ટ કહ્યું કે, અબજોના ખર્ચ સામે પ્રોડક્ટિવિટીમાં તેવો ફાયદો નથી દેખાયો જેવી અપેક્ષા હતી. ખાસ વાત તો એ પણ છે કે, એઆઈ માર્કેટમાં એક મોટો ખેલ ચાલી રહ્યો છે, જેને અર્થશાસ્ત્રીઓ 'સર્ક્યુલર ઇન્વેસ્ટમેન્ટ' કહી રહ્યા છે. મોટી ટેક કંપનીઓ એકબીજાના સ્ટાર્ટઅપમાં અબજો રૂપિયા રોકે છે અને એ જ પૈસા ફરી પાછા ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસના નામે ગોળ-ગોળ ઘૂમે છે. 

નોકરીઓ જશે કે નહીં? ટેક સીઈઓના નિવેદનો બદલાયા

ટેક દુનિયાના દિગ્ગજોએ ચેતવણી પણ આપી છે કે આનાથી વેલ્યુએશન કૃત્રિમ રીતે વધી રહ્યું છે અને મોટું નુકસાન થઈ શકે છે. અગાઉ OpenAI ના હેડ સેમ ઓલ્ટમેન સહિતના લીડર્સે દાવો કર્યો હતો કે AI લાખો વ્હાઇટ કોલર જોબને ખતમ કરી દેશે. પરંતુ હવે તેમનો સૂર બદલાયો છે. ઓલ્ટમેને તાજેતરમાં જ માન્યું છે કે માણસોએ નોકરી ગુમાવવી પડે તેવી સ્થિતિ હજુ સુધી નથી આવી. ભવિષ્યમાં આવશે કે કેમ તે ચોક્કસ નથી પરંતુ વર્તમાનમાં આવી સ્થિતિ નથી. તો પ્રશ્ન એ થાય જે કંપનીઓએ એઆઈના નામે હજારો લોકોને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતાં, તે કંપનીઓનું શું થશે?

અમેરિકાની યુનિવર્સિટીઓમાં હવે એઆઈ લીડર્સનો ખુલ્લો વિરોધ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ સ્વીકાર્યું છે કે મોટી કંપનીઓના ટેક ઓફિસર્સ એઆઈના આઉટ-ઓફ-કંટ્રોલ બજેટથી ખૂબ ચિંતિત છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાની યુનિવર્સિટીઓમાં હવે એઆઈ લીડર્સનો ખુલ્લો વિરોધ થઈ રહ્યો છે. ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટને હૂટિંગનો સામનો કરવો પડ્યો છે. મશીનો તેમનું કરિયર શરૂ થતા પહેલા જ છીનવી લેશે તેવો નવી પેઢીમાં એવો ડર સતાવી રહ્યો છે. એક સર્વે પ્રમાણે 90% કંપનીઓએ માન્યું છે કે AI થી તેમના કામ પર કોઈ મોટો ચમત્કારિક પ્રભાવ નથી પડ્યો.

આ સિવાય એઆઈ ડેટા સેન્ટર્સ એટલી વીજળી અને પાણીનો વપરાશ કરે છે કે હવે પર્યાવરણવાદીઓ પણ ચિંતાનો વિષય બન્યો છે. પરંતુઆનો અર્થ એ નથી કે એઆઈ ટેકનોલોજી નકામી છે કે બંધ થઈ જશે. જ્યારે વર્ષ 2000માં ડોટ કોમ બબલ ફૂટ્યો ત્યારે ઇન્ટરનેટ ખતમ નહોતું થયું, બલ્કે તે વધુ મજબૂત બનીને ઉભર્યું હતું. એઆઈ સાથે પણ એવું જ થશે તેવુ માનવામાં આવી રહ્યું છે. મૂળ વાત એ છે કે, માત્ર વાતોના વડાં કરતી અને નબળો બિઝનેસ મોડલ ધરાવતી એઆઈ કંપનીઓ બંધ થઈ જશે. જે કંપનીઓ પાસે ઓછી લાગતે વાસ્તવિક કામ કરવાની ક્ષમતા હશે, તેઓ ટકી રહેશે. એક વાત એ પણ છે કે, માણસના મગજ સામે એઆઈ જીતી શકશે નહીં. ઘણી જગ્યાએ માણસ આજે પણ એઆઈ કરતાં વધુ સસ્તો, ભરોસાપાત્ર અને પ્રેક્ટિકલ વિકલ્પ છે.