સંજય છેલ
આ દેશમાં જ્યાં સુધી પાડોશી આંખ ન મારે ત્યાં સુધી લોકોને એમની પત્નીઓ સુંદર નથી લાગતી. એ જ રીતે જ્યારથી વિદેશોમાં ભારતીય કલ્ચર અને કળાકૃતિઓનું વેચાણ વધવા માંડ્યું છે ત્યારથી ભારતીયોમાં પણ આપણી ભારતીય કળા વિશે શોખ જાગ્યો છે. ઇંડિયનો પણ ભારતીય હસ્તકલાની દુકાનોમાં હવે વધારે આંટાફેરા મારવા માંડ્યા છે.
ખાદી અને હસ્તકલાનું ખરેખર તો ત્યારે જ જોરદાર વેચાણ થાય છે જ્યારે મોટું વાર્ષિક સેલ આવે છે. લોકો આખું વર્ષ રાહ જુએ છે કે ક્યારે સેલ શરૂ થાય અને અમે ચાદર-તકિયા ખરીદીએ. જોકે નવાઈ તો ત્યારે લાગે છે જ્યારે વેચનાર પણ એ જ સિઝનની રાહ જોઈને આખું વર્ષ હાથ પર હાથ રાખીને બેઠા રહે છે.
આપણા દેશમાં પરાણે ખાદી પહેરનારા કહેવાતા નેતાઓ પણ દર વરસે કાગડોળે ખાદી સસ્તી થવાની રાહ જોતા હોય છે. આઝાદી બાદ હવે તો લગભગ નિયમ બની ગયો છે કે ગાંધીજીની ફિલોસોફી ગઈ તેલ પીવા, પણ કમસે કમ ખાદીનાં ક્ષેત્રોમાં ગાંધી બાપુને જીવતા રાખવા હોય તો ખાદીમાં થોડું ડિસ્કાઉન્ટ આપો, નહીં તો 10-20 વર્ષમાં ‘ગાંધી, ખાદી ને ગ્રામોદ્યોગ’ ક્યાં ગુમ થઈ જશે એ ખુદ ગાંધીનેય કલ્પના નહીં હોય!
છેક 25-30 વરસ અગાઉ ‘મુન્ના’ નામનું એક ભારતીય રીંછ પેરિસના કોઈ ફેસ્ટિવલમાં પોતાની કળા દેખાડીને આવેલું ત્યારે આપણા દેશના લોકો એ રીંછના ડાન્સ તરફ અચાનક આકર્ષાવા માંડેલા, જાણે રીંછ કોઈ હેલન કે ગોપી કૃષ્ણ જેવું વિખ્યાત ડાન્સર ના હોય! અગાઉ પણ ગામે ગામ ગલી ગલી રીંછના ખેલ થતા જ હતા, રીંછ પહેલાં પણ કમર લચકાવીને નાચતાં જ હતાં પણ ત્યારે રસ્તા પર જતા આવતા ઈંડિયન લોકો પાસે મામૂલી રીંછ માટે ઊભા રહેવાનો સમય નહોતો. એ પછી પેલા મુન્ના નામના રીંછ પર આર્ટિકલો અને ફોટા, અનેક છાપાંઓમાં છપાવા લાગ્યા.
આખી વાતનો સાર એ કે ભારતીય કળાનો જે માલ ભારતમાં જ વેચાતો નહોતો તે હવે વિદેશોમાં યોજાતા મહોત્સવોમાં ઘણો વેચાય રહ્યો છે. આમ ને આમ વિદેશીઓ ક્યાંક ધીમે ધીમે આપણા નકામા કલાત્મક દેશી માલને હજમ કરનારી કચરાપેટીઓ ના બની જાય!
ખરેખર સત્ય તો એ છે કે આપણી બજારમાં આપણી કલાના માલની ઘટતી માગને કારણે શુદ્ધ, પ્રાદેશિક કલા હવે સાવ અદૃશ્ય થઈ ગઈ છે, જેમ કે રાજસ્થાની દુપટ્ટા કલકત્તામાં બને છે, બંગાળની બાટિક પ્રિન્ટ મધ્ય પ્રદેશમાં બને છે, કોલ્હાપુરની ચપ્પલ કાનપુરમાં બને છે, આર્ટિફિશ્યલ કોસા સિલ્ક બનાવવામાં આવે છે, ટેરીકોટમાંથી ખાદી ઈફેક્ટ બનાવવામાં આવે છે. કોઈ પણ પ્રદેશની કળાની ક્વોલિટી કે એના વિશિષ્ટ રંગો, હવે બીજા પ્રદેશો દ્વારા અપનાવાય છે.
બંગાળ આજે જે મીઠાઈ બનાવે છે તેના નમૂના લઈને હવેથી ગુજરાત એ બનાવવાનું શરૂ કરશે. (અરે, કરી દીધું !) આજે દેશમાં પંજાબી ફૂડ આઇટેમો દેશના હાઇ-વેમાં ધાબે-ધાબે એટલી વેચાય છે જેટલી તો ખુદ પંજાબમાં પણ નથી વેચાતી. ઈન શૉર્ટ, આપણા દેશમાં ખાદી હોય કે ખાણી-પીણી, બધું અહીંનું તહીં થઈને ભેલસેળિયું થઈ ગયું છે.
આવી સ્થિતિમાં છેતરપિંડી કરવી અને જૂઠું બોલવું સ્વાભાવિક છે અને એ માટે વિદેશ જ શ્રેષ્ઠ જગ્યા કે માર્કેટ છે. વિદેશોના મહોત્સવોની મદદથી આપણી સ્વદેશી વસ્તુઓ ગમે તે રીતે ગમે તે ભાવે, ત્યાં વેચી મારો અને પછી વધેલી આઇટેમોને અહીં ભારતમાં વાર્ષિક સેલ અને ડિસ્કાઉન્ટની મદદથી વેચી નાખો.
મતલબ કે ટૂંકમાં ભારતીય કળાની પ્રગતિ આ રીતે થઈ રહી છે. ભારતીય બજારોની સ્થિતિ એવી છે કે અહીં બિચારી સસ્તી વસ્તુઓ, અમીર ઘરાકોની રાહ ગમે તે ભાવે જુએ છે અને મોંઘી વસ્તુઓ ગરીબ ગ્રાહકોની રાહ જુવે છે! હેન્ડલૂમની સાડી ખરીદનાર ગ્રાહકો મર્સિડીસમાં બેસીને આવે છે અને ટેરીકોટન કે નાયલોનનાં કપડાં ખરીદનાર ગ્રાહકો પગપાળા કે બસોમાં આવે છે.
સસ્તા હેન્ડિક્રાફ્ટસનું સદ્ભાગ્ય એ છે કે એના ચાહકો કે ગ્રાહકો, ભારતીય કે વિદેશી એવા અમીર લોકો છે. જો ભારતના ગરીબ લોકો આવી હસ્તકળાની વસ્તુઓ ખરીદે અને ઘરને સજાવવા લાગે તો અમીર લોકો એ વસ્તુઓ તરફ નજર પણ ન નાખે. આપણી કલાના કૌશલ કે સ્કિલ તરફ ધ્યાન કોણ આપે છે? જ્યાં સુધી એ વિદેશીઓ આપણી કળાને ચાહીને પણ ખરીદનાર તરીકે આપણને સતત નીચા દેખાડે રાખે છે ત્યાં સુધી આવું જ ચાલુ રાખશે.