Wed Jun 03 2026

Logo

ઇરાની મિસાઇલ ઇફેક્ટથી સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ નીચે પટકાઇ, ૮૫૦ પોઇન્ટ રિકવર થયો

2026-06-03 16:56:08
Author: Nilesh Waghela
Article Image

નિલેશ વાઘેલા

મુંબઇ
: અમેરિકા અને ઇરાન વચ્ચે મિસાઇલ એક્સેચેન્જ ચાલુ રહેતા વધેલા ટેન્શન વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા, રૂપિયાની નબળાઇ સાથે એફઆઇઆઇની એકધારી વેચવાલીને કારણે એક તબક્કે બેન્ચમાર્ક ૧૦૦૦ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૩૫૦ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો હતો.સેન્સેક્સ અંતે ૦.૪૦ ટકા અથવા તો ૩૦૩.૬૭ પોઇન્ટના ઘટાડા સાથે ૭૪,૩૪૬.૧૭ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી  ૦.૩૩ ટકા અથવા તો ૭૭.૯૬ પોઇન્ટના ઘટાડા સાથે ૨૩,૪૦૫.૬૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ ૧,૧૫૭.૨૪ પોઈન્ટ અથવા ૧.૪૯ ટકા ઘટીને ૭૩,૪૯૨.૬૦ પર અને નિફ્ટી ૩૩૨.૦૫ પોઈન્ટ અથવા ૧.૪૧ ટકા ઘટીને ૨૩,૧૫૧.૫૦ પર બંધ રહ્યો હતો.

બજારમાં ઘટાડો યુએસ-ઈરાન વાટાઘાટોમાં અનિશ્ર્ચિતતા, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ૯૭ ડોલર પ્રતિ બેરલની નજીકનો નવો ઉછાળો અને વિદેશી ભંડોળનો સતત આઉટફ્લોને કારણે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ મંગળવારે ૮,૩૬૨.૯૨ કરોડ રૂપિયાના ઇક્વિટી શેર વેચ્યા, જે રોકાણકારોની સાવચેતીભરી ભાવના દર્શાવે છે. ઉપરાંત યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવે ૫૪ દેશો પર વધારાની ડ્યુટીનો પ્રસ્તાવ મૂક્યો છે.

પ્રોફિટ બુકિંગને સૌથી વધુ ધોવાઇ ગયેલા શેરોમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ અને ઇન્ફોસિસ સહિતના આઇટી શેરોનો સમાવેશ થાય છે. સેન્સેક્સ કંપનીઓમાંથી, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, આઇટીસી અને ઇટર્નલ ટોપ લુઝર રહ્યા હતા, જ્યારે, બ્લુ-ચિપ પેકમાંથી મારુતિ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ અને ભારતી એરટેલ ટોપ ગેઇનર રહ્યા હતા.
સેન્ટિમેન્ટ નકારાત્મક રહ્યું હતું, મોટાભાગના નિફ્ટી ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આઇટી ઇન્ડેક્સમાં ચાર ટકાનો સૌથી મોટો ઘબડકો જોવા મળ્યોે છે. રિયલ્ટી અને મીડિયામાં પણ નોંધપાત્ર નબળાઈ જોવા મળી હતી. તેનાથી વિપરીત, ફાર્મા, હેલ્થકેર અને મિડ-સ્મોલ હેલ્થકેર સૂચકાંકોમાં સામાન્ય વધારો થયો હતો, જે વ્યાપક બજાર નબળાઈ વચ્ચે પસંદગીયુક્ત રક્ષણાત્મક ખરીદી સૂચવે છે.

બજાર ગબડવાના એકંદર કારણોમાં ઈરાન-યુએસ વચ્ચે ફરી વધી રહેલા તણાવ, ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા, રૂપિયાની નબળાઇ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીસ અમેરિકન બોન્ડ યિલ્ડમાં થયેલો વધારો અને આઇટી શેરોમાં વેચવાલીનો સમાવેશ થાય છે.કોર્પોરેટ કમાણીની મોસમ મોટાભાગે પૂર્ણ થયા પછી રોકાણકારોનું ધ્યાન ચોમાસાની પ્રગતિ, ફુગાવાના વલણો, આરબીઆઈ નીતિ અને પ્રવાહિતાની સ્થિતિ સહિતના મુખ્ય મેક્રો પરિબળો પર છે. ચોમાસું દક્ષિણ પ્રદેશોમાં આગળ વધવાની અપેક્ષા છે, જે નજીકના ગાળાના સેન્ટિમેન્ટને ટેકો પૂરો પાડે છે. અલ નીનોનું જોખમ તોળાઇ રહ્યું હોવાથી વરસાદ લાંબા ગાળાના સરેરાશથી નીચે રહેવાનો અંદાજ છે. જોકે એ સાથે જળાશય સ્તર અને અનાજના બફર સ્ટોક હાલ તો સંતોષજનક છે.