મુંબઈ: મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) મુંબઈ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી લોટરી પર ભારે પ્રતિક્રિયા જોવા મળી હતી, જે અંતર્ગત 2640 રહેણાંક ઘરો માટે 75366 જેટલી અરજીઓ પ્રાપ્ત થઇ હતી. આ એક ખૂબ મોટી સંખ્યા છે. દરેક ઘર માટે સરેરાશ 29 જેટલા અરજદારો રેસમાં જોડાઈ ગયા હતા. આ અરજીઓ 28 મે સુધીમાં સ્વીકારી હતી. ડ્રોની જાણકારી નજીકના સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવશે.
આ લોટરીમાં મુંબઈ સ્થિત અલગ અલગ વિસ્તારોના ફ્લેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કન્નમવાર નગર (વિક્રોલી), પાત્રા ચાલ (ગોરેગાંવ), ઓલ્ડ માગાથાણે (બોરીવલી), ગોરાઈ, ચેમ્બુર, બાંદ્રા, ઘાટકોપર, દાદર, વડાલા, પવઈ અને મઝગાંવ જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આચારસંહિતા લોટરીમાં અવરોધરુપ
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના કારણે સમગ્ર રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, જે 25 જૂન 2026 સુધી લાગુ કરવામાં આવી છે. જેના કારણે લોટરી ડ્રોની હજી સુધી ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી.
10 જૂને બપોરે 3.00 વાગ્યે લોટરી માટે મળેલી અરજીઓનો એક ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. અરજદાર 12 જૂન સુધી કોઈ પણ અવરોધ વિષે જાણ કરી શકશે તેવી છૂટ આપવા આવી છે. અરજદારોની નામની અંતિમ યાદી 16 જૂને જાહેર કરવામાં આવશે.
ભાવમાં ઘટાડો ફાયદાકારક નીવડશે
વિક્રોલીમાં કન્નમવાર નગર પરિયોજના અંતર્ગત 1221 ફ્લેટ માટે 7.5 ટકા જેટલા ઘટાડાથી ફાયદો મળશે. મ્હાડા દ્વારા જાહેર કરવામાં આવેલી લોટરીને ભારે પ્રતિસાદ મળ્યો છે. મ્હાડા આ પ્રતિક્રિયાઓનો ફાળો આધુનિક સુવિધાઓ, પાર્કિંગ વ્યવસ્થા, બજાર કિંમતથી ઓછા દર જેવા કામોને આપે છે.
મુંબઈમાં પ્રોપર્ટીના વધતા જતા ભાવના લીધે મ્હાડા દ્વારા આપવામાં આવતા આવાસોને ખરીદનારા લોકોની સંખ્યા વધતી જાય છે. તેમાં દરેક વર્ગના લોકો માટે ફ્લેટ બનાવવામાં આવે છે. અલગ વર્ગો માટે અલગ સુવિધા મુજબ એપાર્ટમેન્ટ આપવામાં આવે છે. આ જ કારણે લોટરીને મુંબઈગરા તરફથી બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળે છે.