Mon Jul 06 2026

Logo

થાણેમાં મુશળધાર વરસાદ: બિલ્ડિંગની દીવાલો તૂટવાના અસંખ્ય બનાવ, બે જખમી

2026-07-05 21:13:16
Author: Sapna Desai
Article Image

PTI


(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ સહિત થાણેમાં છેલ્લા ૪૮ કલાકથી  થાણે જિલ્લામાં મુશળદાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શનિવાર બાદ રવિવારે પણ વરસાદનું જોર રહ્યું હતું. શનિવાર સવારના  ૯.૩૦ વાગ્યાથી  રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીામં થાણેમાં ૧૮૪.૬૬ મિ.મી. વરસાદ પડયો હતો. ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે જ ઝાડ તૂટી પડ્યા હતા અને એક  બિલ્ડિંગની ગેલેરી તૂટી પડતાં બે જણ જખમી થયા હતા.

થાણે રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૩ ફરિયાદો મળી છે, જેમાં વૃક્ષ પડવાના ૨૪ બનાવો, ડાળખીઓ પડી જવાના બાવીસ બનાવો, પાણી ભરાઈ જવાના ૨૪ બનાવો, દીવાલ તૂટી પડવાના આઠ બનાવો અને તથા ભૂસ્ખલનની એક ઘટનાનો સમાવેશ થાય છે. આ દરમ્યાન શનિવારે રાત્રે વાગલે એસ્ટેટ વિસ્તારમાં કિસન નગર-૩માં રોડ નંબર ૧૬, ખાતે ૪૫ વર્ષ જૂની ગ્રાઉન્ડ પ્લસ બે માળ પ્લસ એક ટેરેસ ફ્લેટ સાથેની તિવારી ભવન ઈમારતમાં પહેલા માળની ગેલેરીનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં ૬૫ વર્ષની નૂરી ઇસ્લામ શેખ અને ૩૬ વર્ષનો સુરેશ થાપા તરીકે ઓળખાતા બે રાહદારીઓને ઈજાઓ થઈ હતી.

માથા અને ખભામાં ઈજાઓ થતાં શેખ હાલમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ બાકીની ગેલેરી સ્ટ્રક્ચરની જર્જરિત સ્થિતિને કારણે સલામતીના પગલાં તરીકે આખી ઈમારત ખાલી કરાવવામાં આવી હતી. ટેરેસ ફ્લેટમાં રહેતા એક પરિવારને થાણે પાલિકાની સ્કૂલના કામચલાઉ નાગરિક આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યો છે. રવિવારે સવારના નવ વાગ્યાની આસપાસ થાણેના પાચપાખાડીમાં ટેકડી બંગલા નજીક યશોધન નિવાસ સોસાયટીમાં ઝાડ તૂટીને ત્રણ ઘરની છત પર પડ્યું હતું, જેમાં ઘરને ભારે નુકસાન થયું હતું. રવિવારે બીજો બનાવ થાણેના દિવામાં સાબેગાવમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળની દત્ત નિવારા સોસાયટીમાં બન્યો હતો, જેમાં સોસાયટીના પગથિયાનો સ્લેબ તૂટી પડતા તકેદારીના પગલારૂપે પાંચ રહેવાસીઓને  સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

થાણે શહેર, કલ્યાણ, ભિવંડી, ઉલ્હાસનગર, ડોમ્બિવલી અને નવી મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘણા રહેવાસીઓ ફસાઈ ગયા હતા. હવામાન વિભાગે આગામી બે દિવસમાં પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે.બીજી ઘટનામાં શનિવારે રાત્રે નવી મુંબઈ ટાઉનશિપના બેલાપુરના શાહબાઝ ગામમાં પાંચ માળની અવિઘ્ના કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પહેલા માળની બાલ્કનીનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ ઘટના બાદ ઈમારતના તમામ ૧૭ ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હોવાનું નવી મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઇમારતનો વીજળી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો અને પરિસરને તાળું મારી દેવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્થાપિત રહેવાસીઓને  બેલાપુરમાં પાલિકાના વારકરી ભવનમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકો સંબંધીઓના ઘરે ગયા હતા. 

ઉલ્હાસનગરના કેટલાક ભાગો સહિત, થાણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રહેવાસીઓ ૪૮ કલાકથી વધુ સમય સુધી પૂરના પાણીમાં ફસાયેલા રહ્યા. તેમણે સ્થાનિક નાગરિક વહીવટને દોષી ઠેરવ્યા હતા. ચોમાસા પહેલાની સફાઈ અને મુખ્ય વરસાદી પાણીના ગટરોમાંથી કાદવ કાઢવાના અભાવનો આરોપ લગાવ્યો હતો. રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં થાણે શહેરમાં ૧૮૪.૬૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદની ચાલુ  સિઝન માટે કુલ વરસાદ ૯૪૮.૭૧ મિ.મી. સુધી પહોંચી ગયો છે, જે ગયા વર્ષે ૯૫૯.૮૧ મિ.મી. હતો. પાલઘર જિલ્લામાં પણ આખી રાત સતત વરસાદ પડ્યો હતો, પરંતુ કોઈ મોટી અનિચ્છનીય ઘટના કે જાનહાનિના થઈ નહોતી