(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત બે દિવસથી મુશળધાર પડી રહેલા વરસાદનું જોર મંગળવારે થોડું ઓછું થયું હતું. હવામાન વિભાગે મંગળવારે રેડ અલર્ટની ચેતવણી આપી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરતા સ્કૂલ, કોલેજોમાં રજા આપી દેવામાં આવી હતી. સદ્નસીબે મંગળવારના વરસાદે વિરામ લેતા મુંબઈગરાએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. સાથે જ લોકલ ટ્રેન સહિત રોડ પરિવહન સેવા પણ સામાન્ય થઈ હતી. દિવસભરના આરામ પછી મુંબઈના અમુક વિસ્તારમાં મોડી રાતે ફરી વરસાદ શરૂ થયો હતો.
મુંબઈમાં શનિવારથી રેડ અલર્ટની ચેતવણી વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રહ્યો હતો. સોમવારે પણ અગાઉ ઓરેન્જ અલર્ટને બાદમાં રેડમાં અપગ્રેડ કર્યા બાદ મંગળવાર માટે પણ રેડ અલર્ટ આપીને ભારે વરસાદની આગાહી કરી હતી. સ્કૂલ-કોલેજમાં રજા આપીને પ્રશાસને પણ પરિસ્થિતીનો સામનો કરવાની તૈયારી રાખી હતી પણ સદ્નસીબે રેડ અલર્ટ હોવા છતાં મંગળવારે દિવસ દરમ્યાન છૂટો છવાયો વરસાદ રહ્યો હતો.
સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં શહેરમાં ૧૦.૮૨ ટકા, પૂર્વ ઉપનગરમાં ૧૯.૮૨ અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૯.૮૬ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો મંગળવારે સવારે ૮.૩૦ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં સાંતાક્રુઝ વેધશાળામાં ૯૦.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે કોલાબામાં ૫૭.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.વરસાદનું પ્રમાણ ઓછું હતું પણ દિવસ દરમ્યાન શોર્ટ સર્કિટ, ઘરની દીવાલ તૂટી પડવાના તથા કલાકના ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા પવનોને કારણે અસંખ્ય વૃક્ષો અને ડાળખી તૂટી પડયા હતા.
પાલિકાના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ અને પવન દરમિયાન અંધેરી પશ્ર્ચિમમાં લોખંડવાલા માર્કેટ પાસે રહેલા એક બગીચામાં સિમેન્ટના પતરા તૂટી પડતાં બે મહિલાઓ જખમી થઈ હતી. તો ગોંવડીમાં દેવનાર ટેલિકોમ ફેકટરી નજીક એક કૂવામાં તરવા માટે ત્રણથી ચાર છોકરા ગયા હતા, જેમાં હાફીજ શેખ નામનો ૧૪ વર્ષનો સગીર છોકરો ડૂબી ગયો હતો. સોમવારના ભારે વરસાદને કારણે ૨૪ કલાક દરમ્યાન ઝાડ તૂટી પડવાની ૪૨૮ ઘટનાઓ અને દિવાલ અને ઘર ધરાશાયી થવાની ૨૮ ફરિયાદો નોંધાઈ હતી.