ભુજઃ પૂર્વ મધ્ય રેલવે ક્ષેત્ર હેઠળ આવેલા બિહારના દાનાપુર રેલવે સ્ટેશન ખાતે હાથ ધરાઈ રહેલી નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. ટેકનિકલ બ્લોકના પગલે કચ્છથી આસામ વચ્ચે દોડતી મહત્વની ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનના રૂટમાં રેલવે પ્રશાસન દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. રૂટ ડાયવર્ટ કરાતાં આ ટ્રેન પટના જંક્શન ખાતે સ્ટોપેજ નહીં કરે, જે અંગે પ્રવાસીઓએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.
રેલવેના જન સંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતથી આસામ તરફ જતી બે લાંબા અંતરની ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. જેમાં આગામી તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ ગાંધીધામ રેલવે સ્ટેશનથી ઉપડનારી ટ્રેન નંબર ૧૫૬૬૭ (ગાંધીધામ - કામાખ્યા એક્સપ્રેસ) પોતાના નિયમિત રૂટના બદલે વારાણસી જંક્શન, છપરા, શાહપુર પટોરી અને બરૌની થઈને પરિવર્તિત માર્ગ પર દોડાવાશે.
આ રૂટ પરિવર્તનને કારણે ટ્રેન પટના સ્ટેશન થઈને જશે નહીં, જેથી પટના ખાતેનું તેનું નિર્ધારિત સ્ટોપેજ રદ રહેશે. બિહાર તેમજ પટના તરફ મુસાફરી કરવા ઈચ્છતા કચ્છના પ્રવાસીઓને સમયપત્રક અને રૂટની ચકાસણી કરીને પોતાની મુસાફરીનું આયોજન કરવા પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)