Fri May 01 2026

Logo

કેરલા સ્ટોફી ઇફેક્ટ: મુસ્લિમોનો બહિષ્કાર કરવાની થિયેટરમાં પ્રતિજ્ઞાના વાયરલ વીડિયોનો વિવાદ

2026-03-17 19:17:41
Author: Yogesh D Patel
Article Image

વસઇ: પાલઘર જિલ્લામાં કથિત રીતે વાયરલ થયેલા વીડિયોમાં થિયેટરમાં આવેલા લોકો મુસ્લિમ સમુદાયનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેતા અને એવા પ્રકારના સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. આ વીડિયોને કારણે વિવાદ ઊભો થયો છે.

કૉંગ્રેસના સાંસદે દાવો કર્યો છે કે આ વીડિયો 10 માર્ચનો અને વસઇના થિયેટરમાં શૂટ કરાયેલો છે. જોકે મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસ કમિશનરેટના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે વીડિયોની વિશ્ર્વસનીયતાની હજી તપાસ કરવામાં આવી રહી છે.

વીડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની અમને ખાતરી નથી અને અમે માનીએ છીએ કે અમુક અસામાજિક તત્ત્વો દ્વારા આ હરકત કરવામાં આવી હોઇ શકે છે, એમ તેમણે કહ્યું હતું. અગાઉ કૉંગ્રેસના સાંસદે દાવો કર્યો હતો કે વીડિયોમાં લોકોનું ટોળું વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી 2’ જોયા બાદ મુસ્લિમોનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેતું બતાવવામાં આવ્યું છે. કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય સૈયદ નસીર હુસૈને એક્સ પર આ વીડિયો શૅર કર્યો હતો. 

વસઇ, પાલઘરમાં 10 માર્ચે ધ કેરલા સ્ટોરી ફિલ્મના મફત સ્ક્રીનિંગ બાદ સહભાગીઓએ મુસ્લિમોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવા માટે એકત્રિત પ્રતિજ્ઞા લીધી હતી. ભાજપ સરકારના નેતૃત્વમાં સતત આ રીતે પ્રચાર કરવાથી મુસ્લિમોને લક્ષ્ય બનાવવામાં આી રહ્યા છે અને સામાજિક ધ્રુવીકરણ વધ્યું છે. એક ફિલ્મને સંપૂર્ણ સમુદાય વિરુદ્ધ રાજકીય સાધન તરીકે ઉપયોગ કરાય ત્યારે પૂર્વગ્રહ સંગઠિત ભેદભાવમાં ફેરવાઇ જવાનું જોખમ હોય છે અને મુસ્લિમ વિરોધી ભાવનાઓ વધુ ભડકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતની લોકશાહીની નૈતિકતા બિનસાંપ્રદાયિકતા, સમાનતા અને ભાઇચારામાં રહેલી છે. કોઇ પણ સમુદાયના સામાજિક અને આર્થિક બહિષ્કાર માટે હાકલ ભારતના બંધારણના પાયા પર પ્રહાર સમાન છે અને આપણા પ્રજાસત્તાકના બહુસંખ્ય તથા સમાવેશક ગુણનું સંવર્ધન કરવા માટે તેને ભારપૂર્વક નકારી કાઢવાનું આવશ્યક છે, એમ સાંસદે કહ્યું હતું.

આ પછી એક યુઝરે એક્સ પર પોસ્ટ કર્યું છે: વસઇમાં હિન્દુઓએ કેરલા સ્ટોરી જોયા બાદ આર્થિક અને સામાજિક રીતે મુસ્લિમોનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ફિલ્મનો આ જ હેતુ છે, જે હાંસલ થયો છે. યુઝરે કહ્યું કે ઇંધણ અને તેલ મુસ્લિમ દેશોમાંથી આવે છે. ગણિતમાં પણ મુસ્લિમ યોગદાન છે. શું તેઓ પેટ્રોલ, ડીઝલ અને ગણિતનો પણ બહિષ્કાર કરશે? એવું તેણે પૂછ્યું હતું. (પીટીઆઇ)