નરેશ શાહ
સામાન્ય રીતે ડૉક્યુમેન્ટરી પ્રિડિક્ટેબલ હોય છે. આખી ઘટનાની આાપણને આગોતરી જાણ હોય છે. આમ છતાં ડૉક્યુમેન્ટરી થકી એ સ્ક્રીન પર ફરી સજીવ થતી જોવાનો એકમાત્ર રોમાંચ તેમાં હોય છે, પરંતુ ‘નેટફ્લિક્સ’ પર તાજેતરમાં જ ઓનએર થયેલી ‘ધ ક્રૅશ’ નામની ડૉક્યુમેન્ટરીમાં પ્રથમ વાર દર્શકોને સસ્પેન્સનો લાગેલો તડકો પણ માણવા મળે છે.
‘ધ ક્રૅશ’ દેખીતી રીતે એક કાર અકસ્માત પર બનેલી સત્ય ઘટના પરની ડૉક્યુમેન્ટરી છે, પણ ફિલ્મોમાં મૃત્યુ પામેલું પાત્ર અંતમાં જીવતું જાગતું સામે આવે તો (હવે જરાક) ચોંકી જવાય એવું જ કંઈક આ ડૉક્યુમેન્ટરીમાં આપણને જોવા મળે છે. બેશક, મરેલો માણસ જીવતો નીકળે એમાં કે એવા સસ્પેન્સમાં હવે કાંઈ ચમત્કૃતિ રહી નથી, પણ ‘ધ ક્રૅશ’ તમને રીતસર ઝટકો લાગે એવા અંત સાથે પૂરી થાય છે. ઈન્સાની ફિતરત પર નવેસરથી મણ મોંઢે ચચરાટ થાય એવા એ અકસ્માતની પહેલાં વિગતે વાત કરી લઈએ.
એ રાત 24 જુલાઈ, 2022ની હતી. અમેરિકાના ઓરિયો રાજ્યના સ્ટ્રોન્ગ્સવિલા પરગણામાં મોડી રાતે પૂરપાટ ગતિથી એક કાર આગળ વધી રહી છે. આશરે બાર મિલિયનની વસ્તી ધરાવતું ઓરિયો સ્ટેટ આમ તો શિકાગો, ફિલાડેલ્ફિયા, ઇન્ડિયાના અને વેસ્ટ વર્જિનિયા સ્ટેટને અડીને, વચ્ચોવચ આવેલું છે. સ્ટ્રોન્ગસવિલા નામનું તેનું પરગણું પ્રમાણમાં નાનકડા નગર જેવું છે. મધરાતે એ નગરમાં નીકળેલી કારમાં વીસેક વરસની ઉંમરના ત્રણ જુવાન છે.
ડ્રાયવિંગ કરી રહી છે મૈકેંજી શિરિલા નામની યુવતી. કારમાં તેની સાથે તેનો બૉયફ્રેન્ડ ડોમિનિક અને ડોમિનિકનો જ મિત્ર ડેવિયન છે, પરંતુ પોતાના નિશ્ચિત ઠેકાણે પહોંચવાની બદલે કાર એક મજબૂત વીલાની દીવાલ સાથે ટકરાય છે. અથડામણ એવી પ્રચંડ છે કે સ્થળ પર જ ડોમિનિક અને ડેવિયનનાં મૃત્યુ થાય છે. વહેલી સવારે સ્થાનિક પોલીસ પહોંચે છે ત્યારે કારમાં ગંભીર રીતે ઘાયલ થયેલી મૈકેંજી શિરિલા જીવતી મળે છે.
શિરિલાને હૉસ્પિટલાઇઝ કરવામાં આવે છે અને દિવસોની સારવાર પછી એ સાજી થાય છે. પ્રથમ દૃષ્ટિએ આ ઘટના એક ભીષણ અકસ્માત તરીકે જ પોલીસ ચોપડે નોંધાય છે, પરંતુ બનાવ કે વારદાત કે દુર્ઘટનાને જેમની તેમ સ્વીકારી લેવાની માનસિકતા પોલીસ કે ડિટેક્ટિવ એજન્સીની નથી હોતી. અકસ્માત થયો તો કેમ થયો, કાર ક્યાંથી નીકળી, ક્યાં જતી હતી, તેમાં બેઠેલા જુવાનિયાએ ડ્રગ્સ લીધેલું કે નહીં વગેરે બાબતોની પ્રાથમિક અને આવશ્યક તપાસ શરૂ થતાં પહેલાં જ પોલીસ જાહેરમાર્ગના સીસીટીવી ફુટેજ તપાસે છે.
કલાકના સો માઈલની ઝડપે જતી કારના સીસીટીવી ફુટેજ જોતાં જ શંકાનો કિડો સળવળે છે કે વળાંક હોવા છતાં કાર ધીમી કરવામાં નહોતી આવી કે બ્રેક મારવામાં નહોતી આવી. કેમ? શું કાર નશામાં ચલાવવામાં આવતી હતી? બસ. આ એક સવાલનો જવાબ જાણવાની તાલાવેલી પોલીસ સમક્ષ એવી એવી વાતોનો પટારો ખોલી આપે છે કે, આખરે પોલીસ કાર ચલાવી રહેલી મૈકેંજી શિરિલાની ધરપકડ કરે છે. તેની પર (કારમાં સાથે રહેલાં બૉયફ્રેન્ડ અને તેના ફ્રેન્ડ) ડોમિનિક અને ડેવિયનની હત્યા કરવાનો આરોપ લાગે છે.
પોલીસ અકસ્માતગ્રસ્ત કારની આધુનિક મશીન સિસ્ટમનું ‘પોસ્ટમૉર્ટમ’ કરીને એ નતીજા પર પહોંચે છે કે કારમાં કોઈ ખામી નહોતી. ડ્રાઇવિંગ સીટ પર રહેલી શિરિલાએ ઇરાદાપૂર્વક બ્રેક મારવાને બદલે કારને દીવાલ સાથે અથડાવી દીધી હતી. પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં શિરિલા અને તેના બૉયફ્રેન્ડના કથળી રહેલાં સંબંધોની વાત પણ સપાટી પર આવે છે અને... કોર્ટમાં પોલીસ એ પુરવાર કરી દે છે કે મૈકેંજી શિરિલાએ ઇરાદાપૂર્વક અને બૉયફ્રેન્ડ મૃત્યુ પામે એ રીતે જ કારનો અકસ્માત કર્યો હતો. ઓહિયોની કોર્ટ શિરિલાને પંદર વરસની જેલવાસની સજા ફટકારે છે.
‘ધ ક્રૅશ’ ડૉક્યુમેન્ટરી જોતાં પહેલાં (અને આ વાંચતી વખતે) તમને સવાલ થશે કે બૉય ફ્રેન્ડની હત્યા કરવા માટે શિરિલા ખુદ કેમ ગંભીર ઘાયલ થઈ હશે? આ અને આવા અનેક સવાલોના જવાબ ‘ધ ક્રૅશ’ ડૉક્યુમેન્ટરી આપે છે અને ‘હોર્સીસ માઉથ’ શૈલીથી આપે છે. હા, ડૉક્યુમેન્ટરીમાં જેલની સજા ભોગવી રહેલી શિરિલા (અને બધાના પેરેન્ટ્ન્સ, તપાસનીશ અધિકાર વગેરે)ના ઇન્ટરવ્યૂ છે. હત્યાના મક્કમ ઇરાદા સાથે થયેલા આ ‘ધ ક્રૅશ’ને એક વખતે નજરે જોવા જેવો છે!