Wed Jun 10 2026

Logo

થાણેવાસીઓને રાહતઃ મેટ્રો દ્વારા માનપાડાથી તળોજા સુધી મુસાફરી કરી શકાશે

2026-02-20 15:47:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: કલ્યાણ અને નવી મુંબઈને જોડીને આ બંને શહેરો વચ્ચેના પ્રવાસનું અંતર ઘટાડવા માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) એ કલ્યાણ-તલોજા મેટ્રો ૧૨ લાઇન બનાવવાનો નિર્ણય લીધો છે. 

મેટ્રો લાઇન ૧૨ ને હવે 'મેટ્રો ૧૨-એ' તરીકે ઓળખાતા નવા રૂટ દ્વારા થાણેના માનપાડા સુધી લંબાવવામાં આવશે. આનાથી થાણે મેટ્રો દ્વારા સીધું નવી મુંબઈ સાથે જોડાઈ જશે. સોમવારે એમએમઆરડીએની બેઠકમાં આ ૧૮ કિલોમીટર લાંબા 'માનપાડા-કલ્યાણ મેટ્રો ૧૨-એ' ના પ્રસ્તાવને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. 

હવે પ્રસ્તાવ મંજૂર થવાથી એમએમઆરડીએ આ પ્રોજેક્ટનો વિગતવાર પ્લાન તૈયાર કરવાનું કામ શરૂ કરશે. આ લાઇન માનપાડા અને ઘોડબંદર રોડ સુધી લંબાવવામાં આવનાર હોવાથી થાણેના લોકો માટે મુસાફરી ખૂબ જ સરળ અને ઝડપી બનશે.

કલ્યાણ અને નવી મુંબઈ વચ્ચેનો પ્રવાસ અત્યંત ઝડપી અને સરળ બને તે હેતુથી એમએમઆરડીએ દ્વારા કલ્યાણ-તળોજા મેટ્રો લાઇન ૧૨નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 'થાણે-ભિવંડી-કલ્યાણ મેટ્રો લાઇન ૫' નો જ એક વિસ્તાર છે, જે હવે મેટ્રો લાઇન ૧૨ દ્વારા કલ્યાણ અને નવી મુંબઈને જોડશે. આ મેટ્રો લાઇન પર કુલ ૧૯ સ્ટેશનો હશે.

અંદાજે ૬ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ મેટ્રો લાઇનનું કામ ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરીને તેને સેવામાં કાર્યરત કરવાનું એમએમઆરડીએનું આયોજન છે. હવે આ લાઇનનો વિસ્તાર સીધો ઠાણે સુધી કરવાનો નિર્ણય એમએમઆરડીએનું લીધો છે. 

તેના અનુસાર '૧૨-એ' નામની નવી વિસ્તૃત લાઇનનું આયોજન કરવામાં આવ્યું છે, તેવી માહિતી એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી. મેટ્રો ૧૨-એ લાઇન ૧૮ કિમી લાંબી હશે અને આ લાઇન પર આઠ મેટ્રો સ્ટેશન હશે. આ લાઇનનો અંદાજિત ખર્ચ રૂ. ૮,૪૦૦ કરોડ છે.