Wed Jul 29 2026

Logo

2017માં અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 46 લાખ વળતર ચૂકવવાનો આદેશ

2026-03-05 17:26:00
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આઠ વર્ષ અગાઉ અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 46.55 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 26 ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં (જેની નકલ બુધવારે પ્રાપ્ત થઇ હતી) ટ્રિબ્યુનલે વીમા કંપનીને પ્રથમ રૂપિયા ચૂકવવા અને બાદમાં તે જીવલેણ અકસ્માત માટે જવાબદાર વાહનના માલિક પાસેથી વસૂલવાના નિર્દેશ આપ્યા હતા.

પ્રમોદ નામદેવ નાઇક (35) જીપમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે પાલઘર જિલ્લામાં બેદરકારીપૂર્વક અને પૂરઝડપે હંકારવામાં આવી રહેલી ‘હાયના ટ્રક’ સાથે તે અથડાઇ હતી. જિલ્લાના એમએસીટી કેસોની સુનાવણી થાણેમાં થાય છે.

ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ સભ્ય આર.વી. મોહિતેએ નોંધ્યું હતું કે અકસ્માત સમયે ડ્રકના ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. આ અકસ્માત હાયવા વાહનના ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો.
નાઇકની તે સમયે માસિક આવક 20,489ને ધ્યાનમાં લેતાં ટ્રિબ્યુનલે અરજીની તારીખથી રૂપિયા જમા થાય ત્યાં સુધી નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે 46.55 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

અંતિમ આદેશ મુજબ નાઇકની પત્નીને 20.55 લાખ રૂપિયા, નાઇકના સગીર પુત્રને 16 લાખ રૂપિયા અને તેનાં માતા-પિતાને પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. (પીટીઆઇ)