Wed Jul 29 2026

Logo

અકસ્માતમાં ઘવાયેલા કુટુંબના ત્રણ સભ્યોને 31 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

2026-05-11 17:58:00
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) પુણે જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ઘવાયેલા કુટુંબના ત્રણ સભ્યને 31 લાખ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 8 મેના રોજ આપવામાં આવેલા ત્રણ અલગ-અલગ આદેશમાં ટ્રિબ્યુનલના સભ્ય. કે.પી. શ્રીખંડેએ ટ્રકના માલિક અને રિલાયન્સ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિ.ને સંયુક્ત રીતે અને અલગ-અલગ રીતે વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

પુણે-સોલાપુર સર્વિસ રોડ પર ઇન્દાપુર પોલીસ સ્ટેશનની હદમાં 26 નવેમ્બર, 2021ના રોજ આ અકસ્માત થયો હતો. મથુરાબાઇ બબન બાબરે (60), તેના પૌત્ર આર્ય રૂપેશ બાબરે (14) તેમ જ સંબંધી માહી કેસરીનાથ પાટીલ (19)ને પૂરપાટ વેગે આવેલી ટ્રકે ટક્કર મારી હતી.

ટ્રિબ્યુનલના આદેશમાં જણાવાયું હતું કે પુરાવા સ્પષ્ટપણે પુરવાર કરે છે કે અકસ્માત ટ્રકચાલકની બેદરકારીને કારણે થયો હતો. સ્થળ પર પંચનામું અને એફઆઇઆર પુષ્ટિ આપે છે કે જ્યારે ટ્રકે ટક્કર મારી ત્યારે ત્રણેય જણ મુખ્ય રસ્તાથી દૂર હતા.

ઇન્શ્યૂરન્સ પોલિસી અકસ્માતની તારીખે માન્ય હતી અને માલિક દ્વારા નિયમો અને શરતોનો કોઇ ભંગ થયો હોવાનું દર્શાવવા માટે કોઇ પુરાવા નથી. એમ તેમાં જણાવાયું હતું.

ટ્રિબ્યુનલે માહી કેસરીનાથ પાટીલને 13.97 લાખ રૂપિયા, આર્ય બાબરેને 11.14 લાખ રૂપિયા અને મથુરાબાઇ બાબરેને 6.61 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હોત.

(પીટીઆઇ)