Thu Aug 27 2026

Logo

સાયબર ક્રાઇમ માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરા પાડવા બદલ છ જણની ધરપકડ

2026-08-15 19:26:50
Author: Yogesh D. Patel
સાયબર ક્રાઇમ માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરા પાડવા બદલ છ જણની ધરપકડ

57.25 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ શોધી કાઢવામાં આવ્યા

થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચે સાયબર ગુના આચરવા માટે આરોપીઓને મ્યુલ અકાઉન્ટ્સ પૂરા પાડતી સિન્ડિકેટનો પર્દાફાશ કરીને છ જણની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં મ્યુલ અકાઉન્ટ્સ સાથે જોડાયેલા 57.25 કરોડના છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેકશન્સ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. મ્યુલ અકાઉન્ટ એક બૅંક અથવા નાણાકીય અકાઉન્ટ છે, જેનો ઉપયોગ સાયબર ઠગો દ્વારા ગેરકાયદે રીતે રૂપિયા પ્રાપ્ત કરવા, રાખવા તેમ જ ટ્રાન્સફર કરવા માટે થતો હોય છે. 

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓએ તાજેતરમાં મળેલી માહિતીને આધારે સોલાપુર જિલ્લાના મોહોળ ખાતે રેઇડ પાડી હતી અને ત્રણ લેપટોપ, 29 મોબાઇલ, 23 સિમ કાર્ડ, 155 એટીએમ કાર્ડ, 105 બૅંક પાસબૂક અને ચેકબૂક અને 74,350 રૂપિયા જપ્ત કર્યાં હતાં.

વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે મ્યુલ અકાઉન્ટ્સ સેન્ટ્રલ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી 96 ઔપચારિક ફરિયાદી સાથે જોડાયેલા હતા. આમાંથી મોટા ભાગના કેસ દિલ્હી, પંજાબ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા મ્યુલ અકાઉન્ટ્સ દ્વારા 57.25 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. બૅંક અકાઉન્ટ ખોલવા અથવા સાયબર ક્રિમિનલોને તેનો ઉપયોગ કરવા માટે પૂરા પાડવા બદલ છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એમ જણાવી પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે ગેરકાયદે ઓનલાઇન બૅટિંગ અને ગૅમિંગ પ્લેટફોર્મ દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રકરણે અમારી તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)