Thu Jun 11 2026

Logo

10 કરોડની ખંડણી માટે બિલ્ડરને ધમકી અને ગોળીબાર: ગૅન્ગસ્ટર રવિ પૂજારીની ધરપકડ...

2026-03-18 17:40:59
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સેનેગલથી પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં આવેલા કુખ્યાત ગૅન્ગસ્ટર રવિ પૂજારીની 10 કરોડ રૂપિયાની ખંડણી માટે થાણેના બિલ્ડરને ધમકી અને તેની ઑફિસ પર ગોળીબાર કરાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.57 વર્ષના ગૅન્ગસ્ટર રવિ પ્રકાશ સુલ્યા પૂજારી ઉર્ફે રવિ પૂજારીને થાણે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સ્ટોર્શન સેલના અધિકારીઓએ મંગળવારે બેંગલુરુની પૅરોપન્ના સેન્ટ્રલ જેલમાંથી તાબામાં લીધો હતો. ગુરુવારે થાણેની વિશેષ એમસીઓસીએ કોર્ટમાં તેને હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 27 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

કર્ણાટકના મેંગલોરમાં ઉડુપી ખાતેનો વતની પૂજારી છેલ્લાં કેટલાંક વર્ષથી વિદેશમાં સંતાતો ફરતો હતો. વિદેશમાંથી જ તે ભારતમાં પોતાની ટોળકી ઑપરેટ કરતો હતો. તેની વિરુદ્ધ વિવિધ ઠેકાણે 44 જેટલા ગંભીર ગુના નોંધાયેલા હતા. પરિણામે તેની સામે ‘રેડ કૉર્નર’ નોટિસ ઈશ્યૂ કરાઈ હતી.દરમિયાન 2019માં રવિ પૂજારીને રિપબ્લિક ઑફ સેનેગલ દેશમાં પકડી પાડવામાં આવ્યો હતો. પૂજારી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી તેના પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 2020માં તેને પ્રત્યર્પણ દ્વારા ભારત લાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસ પછી કર્ણાટક પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારથી તેને બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.

થાણેના કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં 2017માં નોંધાયેલા કેસમાં હવે પૂજારીની ધરપકડ કરાઈ હતી. થાણેના બિલ્ડર પાસેથી પૂજારીએ 10 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. ખંડણીની રકમ ન ચૂકવે તો જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને ડરાવવા તેની ઑફિસ પર પૂજારીના સાગરીતોએ ગોળીબાર સુધ્ધાં કર્યો હતો.આ કેસમાં કાસારવડવલી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 385, 387 સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં આ કેસમાં મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍક્ટ (એમસીઓસીએ) લગાવવામાં આવ્યો હતો.