થાણે: બનાવટી નોટો અને ગેરકાયદે શસ્ત્ર રાખવાના 2018ના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે 38 વર્ષના શખસને કસૂરવાર ઠેરવ્યો હતો અને આઠ વર્ષની સજા સંભળાવી હતી. જોકે આરોપીએ એટલાં વર્ષ અદાલતી કસ્ટડીમાં વિતાવ્યાં હોવાથી કોર્ટે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
એડિશનલ સેશન્સ જજ વી. એલ. ભોસલેએ 17 જૂને આપેલા ચુકાદામાં આરોપી આશિષ શિવકુમાર શર્માને સજા જેટલાં વર્ષ ન્યાયિક કસ્ટડીમાં વિતાવ્યાં હોવાથી તાત્કાલિક છોડી દેવાનો આદેશ આપ્યો હતો. જોકે તેને 8,600 રૂપિયાનો દંડ ભરવાનું ચુકાદામાં જણાવાયું હતું.
થાણે જિલ્લાના દીવા ખાતેના એક સ્થળે પોલીસે રેઇડ કરીને શર્માની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસે 1,09,650 રૂપિયાના મૂલ્યની બનાવટી નોટો, સ્કૅનર-પ્રિન્ટર અને લાઈસન્સ વિનાનું શસ્ત્ર જપ્ત કર્યું હતું. શર્મા 11 જુલાઈ, 2018થી જેલમાં બંધ હતો.
જજે આદેશમાં નોંધ્યું હતું કે બનાવટી કરન્સી નોટોનો ગુનો ગંભીર આર્થિક ગુનો છે. નકલી કરન્સી નાણાકીય સ્થિરતાને ખલેલ પહોંચાડે છે અને સામાન્ય નાગરિકો તેમ જ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને હાનિ પહોંચાડે છે.
જોકે કોર્ટે આરોપીના નબળા આરોગ્ય, ફૅમિલી સપોર્ટનો અભાવ અને ભૂતકાળના રેકોર્ડને ધ્યાનમાં લીધા હતા.
કોર્ટે એવી નોંધ કરી હતી કે આરોપીએ અદાલતી કસ્ટડીમાં ખાસ્સો સમય વિતાવ્યો છે. આથી દંડ સાથે મળીને આ કેસમાં ન્યાય થઈ જાય છે. કોર્ટે આરોપીને વિવિધ ગુના માટે 8,600 રૂપિયાનો એકત્રિત દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
કેસના સહઆરોપી મોહમ્મદ ઈસ્માઈલ યાસીન સિદ્દીકીએ પોતે કસૂરવાર નથી એમ જણાવતાં તેની વિરુદ્ધ નિયમિત ટ્રાયલ દ્વારા અલગથી કાર્યવાહી ચાલશે. (પીટીઆઈ)