થાણે: થાણેની સેશન્સ કોર્ટે 2018ના દેહવ્યાપારના કેસમાં ફરિયાદ પક્ષ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાનું નોંધીને મહિલા સહિત બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ એ.એસ. ભાગવતે ગુરુવારે સૈફ સલાઉદ્દીન ઇસરારુદ્દીન શેખ (46) અને કંચન મધારામ ચૌધરી (41)ને ભારતીય દંડસંહિતા તેમ જ ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કર્યાં હતાં.
ફરિયાદ પક્ષ અનુસાર થાણે જિલ્લાના કાશીગાંવ વિસ્તારમાં પોલીસની ટીમે 8 મે, 2018ના રોજ ઑપરેશન હાથ ધર્યું હતું અને રોકડ, મોબાઇલ તથા અન્ય મતા જપ્ત કરી હતી. પોલીસ ટીમે રેઇડ દરમિયાન પાંચ મહિલાનો છુટકારો કરાવ્યો હતો. સેક્સ રેકેટ ચલાવવા બદલ સૈફ શેખ અને કંચન ચૌધરી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
ઊલટતપાસ દરમિયાન પોલીસની પ્રક્રિયાઓ અને સ્વતંત્ર સાક્ષીદારોની વિશ્ર્વસનીયતા અંગે ઘણી બધી વિસંગતિઓ બહાર આવી હતી. ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે પીડિતાઓ, બોગસ ગ્રાહકો અને અને સાક્ષીદારોનો કોઇ પત્તો લાગ્યો નહોતો.
આ સ્થિતિમાં ફરિયાદ પક્ષ કોઇ પણ પ્રકારના આરોપ પુરવાર કરી શક્યો નહીં.... આથી આરોપી સૈફ ઇસરારુદ્દીન શેખ અને કંચન ચૌધરીને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે, એવું કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઇ)