Sat Apr 18 2026

Logo

થાણે કોર્ટે 11 વર્ષ જૂના બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો

2026-02-20 17:35:23
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણેની વિશેષ કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે ફરિયાદ પક્ષ પીડિતા ‘સગીર’ હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો અને તેની જુબાનીમાં નોંધપાત્ર વિસંગતિઓ હોવાનું નોંધ્યું હતું.

એડિશનલ સેશન્સ જજ ડી.એસ. દેશમુખે 12 ફેબ્રુઆરીએ આપેલા ચુકાદામાં ભારતીય દંડસંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ આરોપોનો સામનો કરી રહેલા કેતન ચંદ્રકાંત કદમ ઉર્ફે નન્હેને નિર્દોષ જાહેર કર્યો હતો.

.ફરિયાદ પક્ષ અનુસાર જુલાઇ, 2014માં કેતન કદમે 12 વર્ષની પીડિતા સાથે તેના ઘરમાં બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે કોર્ટે જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષના કેસમાં પીડિતાની વય અંગે ‘મૂળભૂત પુરાવા’નો અભાવ છે.

કોઇ પણ મૌખિક કે દસ્તાવેજો પુરાવાના અભાવે એવું માનવું મુશ્કેલ છે કે પીડિતા ઘટના સમયે સગીર હતી. આથી ફરિયાદ પક્ષ પોક્સો એક્ટની કલમ 2 મુજબ પીડિતાને સગીર હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે, એમ કોર્ટે નોંધ્યું હતું.

જજે ઉમેર્યું હતું કે કોર્ટમાં જુબાની આપનારા મેડિકલ ઓફિસરને પીડિતાના શરીર પર કોઇ બાહ્ય કે આંતરિક ઇજા મળી આવી નહોતી. જજે કોર્ટમાં પીડિતાની જુબાની અને તેના અગાઉના નિવેદન વચ્ચે ‘વિસંગતીઓ’ પર પ્રકાશ પાડ્યો હતો, જે સૂચવે છે કે તેને શીખવવામાં આવ્યું હશે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ અનેક તકો હોવા છતાં તપાસકર્તા અધિકારીની તપાસ કરવામાં નિષ્ફળ ગયો હતો. (પીટીઆઇ)