Wed Jul 29 2026

Logo

આત્માના ઓછાયાનો ભય દેખાડી 10 લાખ પડાવ્યા: ચારની ધરપકડ

2026-02-13 18:14:00
Author: Yogesh C. Patel
Article Image

થાણે: કાળા જાદુ અને આત્માનો ડર ઊભો કરી થાણેના 67 વર્ષના રહેવાસી સાથે લગભગ 10 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી.
આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને બ્લૅક મૅજિક ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શિવલિંગ ઈંગળે, રોહિત શિંદે, બ્રહ્મદત ઈંગળે અને ભવાની ઈંગળેને તાબામાં લેવાયાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ આ મામલે ચંદ્રકાંત ચિલેએ ફરિયાદ નોંધાવી હતી.

એક સગાની જન્મદિનની પાર્ટી માટે ચિલે થાણે જિલ્લાના બદલાપુરમાં ગયા હતા ત્યારે તેમની મુલાકાત આરોપી સાથે થઈ હતી. આરોપીએ પોતાની ઓળખ જ્યોતીષ તરીકે આપી હતી. એક આત્માને કારણે તમારા ઘર પર ‘ગંભીર સંકટ’ છવાયેલું હોવાનું આરોપીએ ચિલે અને તેમની પત્નીને કહ્યું હતું.

સંકટ ટાળવા માટે અમુક વિધિ કરવા સોનાના ચાર ખીલા આપવા પડશે અને દરેક ખીલાનું વજન 1.5 તોલા હોવું જોઈએ, એવું આરોપીએ ચિલેને કહ્યું હતું. જોકે વિધિ પત્યા પછી આ ખીલા પાછા આપવાની ખાતરી આરોપીએ આપી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.

બાદમાં અલગ અલગ કારણો રજૂ કરી આરોપીએ ફરિયાદી પાસેથી લગભગ 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે આરોપીએ વધુ નાણાંની માગણી કરતાં ચિલેને શંકા ગઈ હતી અને તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો, એવું બદલાપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશ ગજ્જલે જણાવ્યું હતું. આ કાંડમાં અન્ય કેટલાક શકમંદોની પણ સંડોવણી હોવાનું તપાસમાં જણાયું હતું. (પીટીઆઈ)