Mon Oct 05 2026

Logo

સંતાનોને પોલીસ દળ અને નેવીમાં નોકરીની લાલચે રિક્ષા ડ્રાઈવર પાસેથી 10 લાખ પડાવ્યા

2026-10-04 16:44:31
Author: Yogesh C. Patel
સંતાનોને પોલીસ દળ અને નેવીમાં નોકરીની લાલચે રિક્ષા ડ્રાઈવર પાસેથી 10 લાખ પડાવ્યા

થાણે: દીકરીને મહારાષ્ટ્ર પોલીસ દળ અને દીકરાને ભારતીય નૌકાદળમાં નોકરીની ખાતરી આપી રિક્ષા ડ્રાઈવર પાસેથી 10 લાખ રૂપિયા કથિત રીતે પડાવવા બદલ પોલીસે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી કલ્યાણની એકેડેમીના ટીચર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ભિવંડીના કોનગાંવ ખાતે રહેતા પ્રમોદ તાયડે (46)એ કલ્યાણ રેલવે સ્ટેશન નજીકની એકેડેમીના શિક્ષક સૂરજ મદન પાટીલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે કોનગાંવ પોલીસે ગુરુવારે પુણેના રહેવાસી પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદીની દીકરીને પોલીસ દળમાં ભરતી થવાની ઇચ્છા હોવાથી તે પૂર્વતૈયારી માટે કલ્યાણ રેલવે સ્ટેશન નજીકની એક એકેડેમીમાં ભરતી થઈ હતી. આ એકેડેમીમાં ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવતી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે એકેડેમીના શિક્ષક પાટીલે વિશ્ર્વાસ સંપાદન કરી ફરિયાદીની દીકરીને પોલીસ દળમાં અને દીકરાને નેવીમાં નોકરીની ખાતરી અપાવી હતી. આ માટે સમયાંતરે તેણે ફરિયાદી પાસેથી નાણાં પડાવ્યાં હતાં. ફરિયાદ અનુસાર ઑગસ્ટ, 2025થી 16 માર્ચ, 2026 દરમિયાન અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ફરિયાદીએ 10.30 લાખ રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.

જોકે બાદમાં આરોપીએ પોતાનું વચન પાળ્યું નહોતું અને નાણાં પાછાં આપવાનો પણ ઇનકાર કર્યો હતો. પછી ફરિયાદીએ વારંવાર આરોપીના બન્ને મોબાઈલ નંબર પર કૉલ કર્યા હતા, પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહોતો. આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ મામલે થાણેની સાયબર સેલ વધુ તપાસ કરી રહી છે.