Tue Aug 25 2026

Logo

માંડવીમાં ઝરમર વરસાદ વચ્ચે ઉકળાટ વધ્યો: પશ્ચિમ કચ્છમાં જળસંકટ ઘેરાવાના એંધાણ

2026-08-22 09:41:00
Author: Mumbai Samachar Team
માંડવીમાં ઝરમર વરસાદ વચ્ચે ઉકળાટ વધ્યો: પશ્ચિમ કચ્છમાં જળસંકટ ઘેરાવાના એંધાણ

ભુજઃ  કચ્છમાં ધૂપછાંવના માહોલ વચ્ચે બંદરીય માંડવી પંથકમાં વહેલી સવારે ઝરમર વરસાદથી રસ્તા ભીંજાયા હતા. ભુજ સહિત અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડ્યા હતા. જોકે, મેઘવિરામને કારણે ભુજ અને કંડલામાં પારો ૩૪ ડિગ્રીએ પહોંચતાં ભારે ઉકળાટ અનુભવાયો હતો. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, આગામી દસ દિવસ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નહિવત છે.

બીજી તરફ, વરસાદ ખેંચાતાં પશ્ચિમ કચ્છમાં જળસંકટ ઘેરાવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લાના ૨૦ મધ્યમ સિંચાઈના ડેમોમાં હાલ માત્ર ૨૨ ટકા જળજથ્થો બચ્યો છે. ૨૦માંથી માત્ર એક ફતેહગઢ ડેમ પૂર્ણ ભરાયો છે અને ૮ ડેમોમાં ૪૦ ટકાથી ઓછું પાણી છે.

નાની સિંચાઈના ૧૭૦ ડેમોમાંથી માત્ર ૮ ડેમ છલકાયા છે, ૭૩માં નવા નીર આવ્યા છે, જ્યારે ૮૯ ડેમો (૫૨ ટકા) તળિયાંઝાટક છે. પૂર્વ કચ્છની સરખામણીએ પશ્ચિમ કચ્છમાં ઓછો વરસાદ થવાથી જળસંકટ વધુ વિકટ બન્યું છે. ડેમોમાં અપૂરતા પાણીના કારણે આગામી શિયાળુ પાકના વાવેતર પર પણ માઠી અસર પડવાની શક્યતા છે.

આ દરમિયાન રાજ્યમાં આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો.  એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નથી નોંધાયો. નાનાપોંઢામાં સૌથી વધુ 0.71 ઇંચ વરસાદ નોંધાયો હતો.  ડાંગમાં 0.67 ઇંચ, સુબીરમાં 0.67 ઇંચ, કપરાડામાં 0.55 ઇંચ, ધરમપુરમાં 0.55 ઇંચ, વઘઈમાં 0.47 ઇંચ, વાપીમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, આગામી 23થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે. ખાસ કરીને 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.


(ઉત્સવ વૈદ્ય)