Wed Aug 26 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ‘મનુસ્મૃતિ’ મુદ્દે રાહુલ પર તૂટી પડનારા બાબાસાહેબની ટીકા કરશે?

2026-08-25 07:26:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ ‘મનુસ્મૃતિ’ મુદ્દે રાહુલ પર તૂટી પડનારા બાબાસાહેબની ટીકા કરશે?

ભરત ભારદ્વાજ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં ’મનુસ્મૃતિની માનસિકતા’ ફગાવીને છોકરીઓને દબાવી દેવાના બદલે આઝાદ કરવાની તરફેણ કરી તેમાં બબાલ થઈ ગઈ છે. લગભગ 15 હજાર વિદ્યાર્થિનીઓની હાજરીમાં રાહુલે હાકલ કરેલી કે, છોકરીઓએ ’મનુસ્મૃતિની માનસિકતા’ ફગાવીને પુરુષવાદી સત્તાની માનસિકતાનો અંત લાવવો જોઈએ અને છોકરીઓને થતા અન્યાયો સામે અવાજ ઉઠાવવો જોઈએ. 

રાહુલની વાતથી ભાજપના ઘણા નેતાઓને મરચાં લાગી ગયાં છે. રાહુલે ‘મનુસ્મૃતિ’ની ટીકા કરીને ભારતીય પરંપરા અને વારસાનું અપમાન કર્યું છે ત્યાં સુધીની ટીકાઓ થઈ રહી છે. ભાજપનો આક્ષેપ છે કે રાહુલ ગાંધીને ભારતના મૂળભૂત ગ્રંથોની યોગ્ય સમજ નથી અને  રાજકીય ફાયદા માટે ખોટો વિવાદ ઊભો કરી રહ્યા છે. 

અમિત માલવિય અને નિશિકાંત દુબે સહિતના નમૂના બધું તેમના કહેવાતા હિંદુત્વના ચશ્માંથી જોવા ટેવાયેલા છે તેથી તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, રાહુલ ગાંધી  હિન્દુ-વિરોધી માહોલ ઊભો કરવા માટે ધર્મગ્રંથોમાંથી ચોક્કસ અંશોને ટાંકી રહ્યા છે. માલવિય અને દુબેએ તો ‘મનુસ્મૃતિ’માં મહિલાઓ વિશે સારું લખાયેલું છે એમ કહીને તેનો બચાવ પણ કર્યો છે. 

વખારમાંથી બહાર કઢાયેલાં સ્મૃતિ ઈરાનીએ વળી નવું જ વાજું વગાડ્યું છે કે,  રાહુલ ગાંધી મહિલાઓના સમર્થક હોય તો પહેલાં મહિલા અનામત લાગુ કરવાને સમર્થન આપવું જોઈએ. આ બેનને કોણ સમજાવે કે, સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાનો ખરડો પસાર થઈ ગયો છે, રાષ્ટ્રપતિએ સહી પણ કરી દીધી છે ને હવે અમલ જ કરવાનો છે. આ અમલ ભાજપ સરકારે કરવાનો છે, રાહુલે નહીં. સ્મૃતિબેને તો આખું વંદે માતરમ્ ગાવાની પારાયણ પણ માંડી દીધી છે. માણસ બહાર રહે તેના કારણે થોડોક નરમ પડે પણ બુદ્ધિ ના આવે તે આનું નામ. 

ભાજપના નેતા રાહુલની ટીકા અને મનુસ્મૃતિનો બચાવ કરી રહ્યા છે ત્યારે થોડોક ઈતિહાસ પણ તેમણે જાણવો જોઈએ. ‘મનુસ્મૃતિ’ની ટીકા ઘણાંએ કરી છે ને તેમાં સૌથી મોટું નામ ડૉ. બાબાસાહેબ આાંબેડકરનું છે. ડો. બાબાસાહેબ આંબેડકરે  ‘મનુસ્મૃતિ’ પુસ્તકને  "ગુલામીનું બાઇબલ” ગણાવીને ફગાવી દીધું હતું. બાબાસાહેબ માનતા કે, ‘મનુસ્મૃતિ’ ભારતના જ્ઞાતિભેદ, અસ્પૃશ્યતા અને સ્ત્રીઓને સાવ હલકી કક્ષાની ગણીને નીચલા દરજ્જાની માનવા માટે ધાર્મિક આધાર પૂરો પાડે છે તેથી આ પુસ્તક કોઈ રીતે સ્વીકૃત નથી. 

બાબાસાહેબનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે, ‘મનુસ્મૃતિ’ સ્ત્રીઓને શૂદ્રોની કક્ષામાં મૂકે છે અને તેની શરૂઆત જ સ્ત્રીઓ વિશે હલકા અભિપ્રાયથી શરૂ થાય છે એ જોતાં મનુને શૂદ્રો તરફ હતો એટલો જ અણગમો સ્ત્રીઓ તરફ હતો એ સ્પષ્ટ છે.  બાબાસાહેબની દલીલ હતી કે, ‘મનુસ્મૃતિ’ ગ્રંથે જન્મ આધારિત એક અન્યાયી વ્યવસ્થા ઊભી કરી કે જેના કારણે નીચલી મનાતી જ્ઞાતિઓ અને અસ્પૃશ્યોને મૂળભૂત માનવીય ગરિમા અને શિક્ષણથી વંચિત રાખ્યા. 

આ  ગ્રંથના નિયમો મહિલાઓ સાથે અસમાન વ્યવહાર કરતા હતા ને તેના આધારે મહિલાઓને સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવી.  ‘એનિહિલેશન ઓફ કાસ્ટ’ એટલે કે જ્ઞાતિપ્રથાનું નિર્મૂલન સહિતના લેખોમાં બાબાસાહેબે સીધો આક્ષેપ મૂક્યો છે કે, આ પુસ્તકે એક હાનિકારક સામાજિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું અને હિંદુઓને એક કરવાને બદલે વિભાજિત કર્યા. 

બાબાસાહેબે તો ‘મનુસ્મૃતિ’ની જાહેરમાં હોળી પણ કરી હતી. મહાડ સત્યાગ્રહ દરમિયાન 25 ડિસેમ્બર, 1927ના રોજ બાબાસાહેબે સવર્ણ હિંદુઓને જગાડવા અને સદીઓથી ચાલતા દમન સામે વિરોધ નોંધાવવા માટે ‘મનુસ્મૃતિ’ની નકલો સળગાવી હતી. બાબાસાહેબના ઘણા અનુયાયી સમાનતા અને નાગરિક અધિકારો માટેના સંઘર્ષમાં આ ઘટનાને માઈલસ્ટોન ગણાવીને 25 ડિસેમ્બરે ‘મનુસ્મૃતિ દહન દિવસ’ મનાવે છે.

બાબાસાહેબના ‘મનુસ્મૃતિ’ વિશેના વિચારોની આ ઉપરછલ્લી વાતો છે. બાબાસાહેબના વિરોધને સમજવો હોય તો બાબાસાહેબને વાંચવા પડે ને ભાજપના હાઈકમાન્ડે તૈયાર કરેલું ચૂરણ ચાટતા નેતાઓએ  બાબાસાહેબને વાંચે એવી જરાય અપેક્ષા ના રખાય પણ ’એનિહિલેશન ઓફ કાસ્ટ’ જેવો એકાદ લેખ વાંચો તો પણ તેમને બાબાસાહેબના સ્ફોટક વિચારો અને મનુસ્મૃતિ માટેની નફરતનો અણસાર આવી જાય. લેખ ના વાંચે ને ખાલી ગૂગલ પર સર્ચ કરે તો પણ બાબાસાહેબની મનુસ્મૃતિ માટેની નફરતનો ખ્યાલ તો આવી જ જાય. 

સવાલ એ છે કે, રાહુલ ગાંધી પર તૂટી પડેલા ભાજપના નેતાઓમાં બાબાસાહેબને ઝાટકવાની વાત છોડો પણ તેમની વિરુદ્ધ હરખ પણ ઉચ્ચારવાની હિંમત છે ખરી ? યોગી આદિત્યનાથ સહિતના ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ભારતીય પરંપરા અને વારસાની ઉપેક્ષા કરીને હિંદુત્વનું અપમાન કરી રહ્યા હોવાનું કહીને રાહુલ પર તૂટી પડ્યા છે. 

રાહુલે તો માત્ર સ્ત્રીઓ વિશેના મનુસ્મૃતિના વિચારોનો ઉલ્લેખ કર્યો જ્યારે બાબાસાહેબે તો મનુસ્મૃતિને જ બકવાસ ગણાવી હતી. યોગી કે ભાજપના કોઈ વીરલામાં એવી હિંમત છે  ખરી કે, બાબાસાહેબનું નામ લઈને કહે કે, ‘મનુસ્મૃતિ’ ની ટીકા ભારતીય પરંપરા અને વારસાનું અપમાન છે? ’મનુસ્મૃતિ’ની ઝાટકણી હિંદુત્વનું અપમાન છે ? એવી હિંમત નથી કેમ કે, બાબાસાહેબની ટીકા કરવા જાય તો દલિત મતદારો ઘરભેગા કરી દે.  

રાહુલ ગાંધીએ શું કહ્યું ને શું ના કહ્યું તેનું આપણે પિષ્ટપિંજણ કરતા નથી પણ ‘મનુસ્મૃતિ’ હિંદુઓનું વિભાજન કરનારો ગ્રંથ છે તેમાં કોઈ શંકા નથી. ઘણાં ‘મનુસ્મૃતિ’નો એમ કહીને બચાવ કરે છે કે, ‘મનુસ્મૃતિ’માં કર્મ આધારિત વર્ણવ્યવસ્થા હતી ને વ્યક્તિ જન્મે નહીં પણ કર્મથી બ્રાહ્મણ કે શૂદ્ર મનાતો હતો પણ તેનું ખોટું અર્થઘટન કરાયું. આ દલીલ બકવાસ જ છે પણ માનો કે સાચી હોય તો પણ જન્મના આધારે કે કર્મના આધારે હિંદુઓમાં વિભાજન તો કરે જ છે.  

‘મનુસ્મૃતિ’ માણસના કામના આધારે લેબલ લગાવે જ છેને એ રીતે ભાગલા પાડે જ છે. ‘મનુસ્મૃતિ’ એ રીતે હિંદુઓમાં ભાગલાનો તખ્તો તૈયાર કર્યો જ છે. તેના કારણે જ જ્ઞાતિપ્રથા અમલી બની કે જેને આજેય આપણે મિટાવી શકતા નથી. ‘મનુસ્મૃતિ’માં બધું ખરાબ જ છે એવું નથી પણ બધું સારું પણ નથી તેથી તેની ટીકા કરી જ ના શકાય એ વલણ કૂવામાંના દેડકાની માનસિકતા બતાવે છે. પરંપરા કે વારસાના નામે આપણે આપણી મા, બહેન, દીકરી, પત્નિ વગેરેની સ્વતંત્રતા ના છિનવી શકીએ કે તેમને ગુલામ બનાવીને રાખવાના વિચારોને ના પોષી શકીએ.

આપણા વેદોનું જ્ઞાન જ એ છે કે, બધી દિશાથી સારું છે તેને અપનાવો. આ સલાહને અનુસરીને ’મનુસ્મૃતિ’માંથી પણ સારું હોય એ અપનાવો પણ જે ખરાબ છે તેને ફગાવવું ને તેમાં સુધારો કરવો જ જોઈએ. સ્ત્રીઓ પણ આપણા જીવનો ભાગ છે ને દલિતો પણ આપણા જેવા જ છે એ જોતાં ‘મનુસ્મૃતિ’ને આધાર બનાવીને તેમનું દમન કે શોષણ કરવાની માનસિકતાને ના પોષી શકાય. 

સદીઓ લગી આ માનસિકતા પોષાઈ ને તેના કારણે હિંદુઓમાં ભાગલા પડી ગયા. તેનો ફાયદો ઉઠાવીને આક્રમણખોરોએ આ દેશ પર આક્રમણો કર્યાં ને આપણને સદીઓ સુધી ગુલામ બનાવી રાખ્યા. જે ધર્મ અહીં અસ્તિત્વમાં નહોતા એ પણ અહીં ઘૂસી ગયા.  આપણે ઈતિહાસ ના બદલી શકીએ પણ વર્તમાન અને ભવિષ્યને ચોક્કસ બદલી શકીએ. આ દેશના હિંદુઓએ વિચારવું જોઈએ કે, ‘મનુસ્મૃતિ’ને બદલી ના શકાય એવી પરંપરા ગણવી છે કે હિંદુઓેને એક કરવા છે ?