સુરત: ગુજરાતમાં શ્રાવણ માસ અને જુગાર બંને એકસાથે ચાલી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જુગાર રમતા તત્વો સામે પોલીસે પોતાની કડક કાર્યવાહી તેજ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં બે મહિના પહેલા જ બનેલા એક આલીશાન નવા બંગલામાં જુગારની શરૂઆત જ થઈ હતી કે તે જ સમયે પોલીસે બાતમીના આધારે અચાનક ત્રાટકીને મોટી કાર્યવાહી કરી હતી. આ દરોડા દરમિયાન બંગલામાં જુગારધામ ચલાવતી મહિલા સંચાલિકા સહિત કુલ 8 લોકોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. નવા મકાનના વાસ્તુ કે ઉદ્ઘાટનના નામે જુગાર રમાડવાનો આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
એફઆઈઆર (FIR) માં નોંધાયેલી વિગતો મુજબ, આ સમગ્ર ઘટના સુરતના લસકાણા વિસ્તારની છે, જ્યાં આશિર્વાદ બંગ્લોઝ વિભાગ-૪ ના મકાન નંબર 135 ના ધાબા પર ખુલ્લામાં આ જુગારધામ ધમધમી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ બંગલો એક જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેનનો હોવાનું જાણવા મળ્યું હતું, જેના ધાબે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી હતી. લસકાણા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સઘન દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસની રેડ દરમિયાન બંગલાના ધાબા પર ગોળ કુંડાળું વળીને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા 8 લોકો પકડાયા હતા. જેમાં મુખ્ય મહિલા આરોપી રસીલાબેન વેકરીયા ઉપરાંત અન્ય જુગારીઓમાં હિતેશભાઈ ઠુમ્મર, હરેશભાઈ કરગર, મુકેશભાઈ સોલંકી, ગોવિંદભાઈ પટોલીયા, અમિતભાઈ પરમાર, મનોજભાઈ રાઠોડ અને રસીકભાઈ ગેડીયાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલા રોકડા રૂપિયા 5000 અને તમામ આરોપીઓની અંગઝડતી લેતા તેમાંથી રોકડા રૂપિયા 1,11,000 જપ્ત કર્યા હતા.
આ દરોડામાં માત્ર રોકડ રકમ જ નહીં, પરંતુ પોલીસે તમામ આરોપીઓ પાસેથી 8 જેટલા મોંઘા સ્માર્ટ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 1,48,000 આંકવામાં આવી છે. આમ, રોકડ રકમ, ગંજીપાના અને મોબાઈલ ફોન મળીને લસકાણા પોલીસે કુલ રૂપિયા 2,64,000 નો મુદ્દામાલ જપ્ત કરીને મોટી સફળતા મેળવી હતી. હાલમાં પોલીસે તમામ 8 આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 હેઠળ વિધિવત ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.