Mon Oct 05 2026

Logo

કવર સ્ટોરી: તાતા ગ્રૂપમાં તિરાડ વધશે કે સંધાશે?

2026-09-20 07:48:00
Author: Vijay Vyas
કવર સ્ટોરી: તાતા ગ્રૂપમાં તિરાડ વધશે કે સંધાશે?

 

 

 

કોર્પોરેટ જગતમાં જાણીતી કંપનીઓ વચ્ચે આંતરિક વાદ-વિખવાદની વાત અજાણી નથી, પણ તાતા જૂથમાં આડકતરી રીતે પારસીઓના વર્ચસ્વને મુદ્દે ખેલાઈ રહેલો આ જંગ એક નવી જ દિશા તરફ ફંટાઈ રહ્યો છે

 

- વિજય વ્યાસ

 

ભારતના સૌથી પ્રતિષ્ઠિત મનાતા તાતા ગ્રૂપમાં ફરી ઘમાસાણ શરૂ થયું છે. આ ઘમાસાણના મૂળમાં તાતા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેનપદે નટરાજન ચંદ્રશેખરનની ફરી નિમણૂક છે. એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ ફેબ્રુઆરી 2027માં પૂરો થવાનો છે, પણ ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં તેમણે સામેથી કહી દીધેલું કે, પોતે હવે ફરી એક્ઝિક્યુટિવ ચેરમેન બનવા નથી માગતા. ચંદ્રશેખરનની વાત માનીને નવા ચેરમેનની શોધ પણ શરૂ કરી દેવામાં આવી, પણ તાતા સન્સના બોર્ડની નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીએ ચંદ્રશેખરનને પોતાના નિર્ણય અંગે ફરી વિચારવાની વિનંતી કરી તેથી ચંદ્રશેખરને પલટી મારી દીધી ને હા પાડી દીધી.

 

ચંદ્રશેખરે હા પાડી દેતાં 17 સપ્ટેમ્બરે મળેલી તાતા સન્સની બોર્ડ મીટિગમાં ચંદ્રશેખરનને બીજા 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવાનો ઠરાવ પસાર કરી દીધો. તાતા સન્સના બોર્ડમાં ચંદ્રશેખરન ઉપરાંત ટીવીએસના વેણુ શ્રીનિવાસન, રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતા, યુનિલીવરના ગ્લોબલ સીઈઓ રહી ચૂકેલા હરીશ મનવાણી, અનિતા જ્યોર્જ અને સૌરભ અગ્રવાલ એમ છ ડિરેક્ટર છે. અગ્રવાલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાથી તેમની પાસે મતદાનનો અધિકાર નથી. બાકી રહેલા પાંચ ડિરેક્ટર્સમાંથી નોએલ તાતા સિવાયના બાકીના ડિરેક્ટરે નટરાજન ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન નિમવાની તરફેણમાં મતદાન કરતાં 4-1ની બહુમતીથી ઠરાવ પસાર થઈ ગયો.

 

સામાન્ય રીતે બહુમતી ડિરેક્ટર્સનો નિર્ણય માન્ય રાખવો પડે, પણ તાતા ગ્રૂપની શૅર હોલ્ડિંગ પેટર્નના કારણે નોએલ તાતાનો વાંધો ચંદ્રશેખરનની વધુ પાંચ વર્ષ માટે એકઝિક્યુટિવ ચેરમેનપદે નિમણૂકમાં મોટો અવરોધ બની જાય એવી શક્યતા છે. ભારતમાં બીજાં કોર્પોરેટ ગ્રૂપ્સની માલિકી કોઈ ને કોઈ પરિવારના હાથમાં છે. રિલાયન્સ ગ્રૂપ અંબાણીનું છે કેમ કે તેમની પાસે બહુમતી શૅર છે ને એ જ રીતે અદાણી જૂથ ગૌતમ અદાણીનું છે. બજાજ ગ્રૂપમાં બહુમતી શૅર બજાજ પરિવાર સાથે હોવાથી કંપની પર તેમનો કબજો છે ને બિરલા ગ્રૂપની કંપનીઓમાં પણ એ જ સ્થિતી છે, પણ તાતા ગ્રૂપમાં બહુમતી હિસ્સો તાતા સન્સનો છે, પણ તાતા સન્સમાં બહુમતી હિસ્સો તાતા ટ્રસ્ટ્સનો છે. આ કારણે તાતા ગ્રૂપમાં સર્વોપરી સંસ્થા તાતા ટ્રસ્ટ્સ છે ને તાતા ટ્રસ્ટ્સના ચેરમેન તરીકે નોએલ તાતા છે તેથી નોએલ તાતાનો વાંધો મહત્ત્વનો છે.

 

તાતા ટ્રસ્ટ્સમાં સર દોરાબજી ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટ મુખ્ય છે. આ બંને ટ્રસ્ટનો તાતા સન્સમાં હિસ્સો 54 ટકા છે. બીજાં દસેક ટ્રસ્ટ છે ને એ બધાંનો લગભગ 12 ટકા હિસ્સો મળીને તાતા સન્સમાં તાતા ટ્રસ્ટ્સનો હિસ્સો 66 ટકા થઈ જાય છે તેથી તાતા ગ્રૂપની કંપનીઓનાં અસલી માલિક તાતા ટ્રસ્ટ્ છે. બીજું એ કે, તાતા ટ્રસ્ટ્સ પાસે ખાસ વીટો પાવર્સ છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ત્રીજા ભાગ સુધીના સભ્યોની નિમણૂક કરવાની સત્તા પણ છે. આ બધાના કારણે તાતા ટ્રસ્ટ્સનો નિર્ણય સર્વોપરી ગણાતો, પણ તાતા સન્સે તેને પડકારીને ચંદ્રશેખરનની ફરી નિમણૂક કરી દેતાં તાતા સામ્રાજ્યના મુખ્ય મથક `બોમ્બે હાઉસ'માં જોરદાર કોર્પોરેટ જંગ શરૂ થઈ ગયો છે.

આ કોર્પોરેટ જંગ કાનૂની જંગમાં પણ ફેરવાશે કેમ કે નોએલ તાતા નમતું જોખવાના મૂડમાં નથી. ચંદ્રશેખરનની નિમણૂક સામે નોએલ તાતાએ વીટો વાપરેલો, પણ તાતા સન્સના બોર્ડે આ વીટો રદ કરી દીધો પછી ચંદ્રશેખરનની નિમણૂંક સંપૂર્ણપણે `ગેરકાયદેસર' અને `અમાન્ય' ગણાવીને નોએલે કોર્ટમાં જવાની જાહેરાત કરી જ છે. નિયમો મુજબ ચેરમેનની નિમણૂક માટે ટ્રસ્ટના નોમિની ડિરેક્ટરોની સહમતી જરૂરી છે, પણ એ સંમતિ પણ નથી લેવાઈ એવો મુદ્દો પણ નોએલે ઊભો કર્યો છે.

 

નોએલને એક વાંધો તાતા સન્સના શૅરબજારમાં લિસ્ટિંગને લગતો વિવાદ પણ છે. `રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા'એ તાતા સન્સને હાઈ ક્લાસ નોન-બેંકિગ ફાયનાન્શિયલ કંપની (NFBC)ની કેટેગરીમાં મૂકી હતી. રિઝર્વ બેંકના નિયમ હેઠળ આ પ્રકારની કંપનીનું શૅરબજારમાં લિસ્ટિંગ ફરજિયાત છે, પણ રતન તાતા આવી લિસ્ટિંગની વિરુધ્ધ હતા તેથી તાતા સન્સે પોતાનું દેવું ચૂકવીને પોતાને આ નિયમ લાગુ નહીં પાડવા રિઝર્વ બેંકમાં અરજી કરી. 11 સપ્ટેમ્બર 2026ના રોજ રિઝર્વ બેંકે અરજી ફગાવી દીધી. નોએલ તાતાએ આ નિર્ણય અંગે ફેરવિચારણા કરીને રિઝર્વ બેંક પાસે વધુ ત્રણ વર્ષનો સમય માગવા અને તાતા સન્સને ખાનગી કંપની તરીકે જ ચાલુ રાખવાની તરફેણ કરી પણ તાતા સન્સના બોર્ડે કાનૂની વિવાદમાં પડ્યા વિના રિઝર્વ બેંકનો નિર્ણય માથે ચડાવીને લિસ્ટિંગ માટે ઠરાવ કરવાનો નિર્ણય લીધો. તાતા સન્સનો આઈપીઓ આવે ત્યારે ચંદ્રશેખરન જેવો અનુભવી માણસ હોય તો ફરક પડે તેથી ચંદ્રશેખરને ફરી ચેરમેનપદે નિમવાનો નિર્ણય લેવાયો, પણ નોએલને લિસ્ટિંગ અને ફેરનિમણૂક બંને સામે વાંધો હોવાથી કોકડું ગૂંચવાયું છે.

 

ભારતમાં કોર્પોરેટ ગ્રૂપ્સમાં ઝગડા-અણબનાવની વાત નવી નથી. અંબાણીથી માંડીને મર્ચન્ટ- પિરામલ -સિંઘાનિયા ગ્રૂપ સુધીનાં બધાં જાણીતાં કોર્પોરેટ ગ્રૂપમાં વિખવાદ થયા છે. તાતા ગ્રૂપમાં પણ વિવાદ થયા છે. જેઆરડી તાતાએ જ્યારે રતન તાતાને તાતા ગ્રૂપની કમાન સોંપવાનો નિર્ણય લીધો ત્યારે રુસી મોદીએ બાંયો ચડાવેલી. જોરદાર જંગ પછી રુસી મોદીને મનાવી લેવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીને 2016માં તાતા ગ્રૂપના ચેરમેન બનાવાયા એ પછી પણ જોરદાર જંગ જામેલો ને વાત સુપ્રીમ કોર્ટ લગી ગયેલી તેથી તાતા ગ્રૂપ માટે પણ આ લડાઈ નવી વાત નથી આ લડાઈના કારણે તાતા ગ્રૂપ પર પારસીઓનું વર્ચસ્વ રહેશે કે નહીં તેનો ફેંસલો થવાનો છે તેથી આ લડાઈ બધાંથી અલગ છે.

તાતા ગ્રૂપમાં વરસો સુધી પારસીઓનો દબદબો હતો. જેઆરડી તાતાએ વરસો સુધી તાતા ગ્રૂપનું સુકાન સંભાળ્યું અને પછી રતન તાતા લાંબો સમય રહ્યા. સમયની માગને કારણે રતન તાતાએ તાતા ગ્રૂપના વહીવટમાં બિન પારસીઓને મહત્ત્વ આપ્યું,  પણ તાતા ગ્રૂપમાં પારસીઓનું જ વર્ચસ્વ રહે તેનું ધ્યાન પણ ખાસ રખવામાં આવ્યું છે,  . આ કારણે જ રતન તાતા પોતે તાતા સન્સનો પબ્લિક ઈશ્યૂ લાવવાની વિરુધ્ધ હતા. નોએલ રતન તાતાના સાવકા ભાઈ છે, પણ રતને તેમને સગા ભાઈની જેમ સાચવ્યા છે તેથી એ રતન તાતાની પરંપરાને વળગી રહેવા માગે છે. તાતા સન્સનો પબ્લિક ઈશ્યૂ આવે તો તાતા ટ્રસ્ટ્સનું વર્ચસ્વ ઘટે તેથી નોએલ પબ્લિક ઈશ્યુ લાવવાની તરફેણમાં નથી , પણ કાયદો તેમની તરફેણમાં નથી. તાતા સન્સ પબ્લિક લિમિટેડ કંપની બને તો તાતા ટ્રસ્ટ્સના વીટો વાપર અને બોર્ડમાં ડિરેક્ટર્સ નિમવાની સત્તા સહિતના અધિકારો પણ છિનવાઈ જાય. તાતા ટ્રસ્ટસ પણ બીજા રોકાણકારો જેવું જ ગણાય તેથી કોઈ વિશેષાધિકાર ના રહે. આ સંજોગોમાં નોએલ તાતાનો વાંધો બહુ લાંબો ટકે એવો નથી. અત્યારે નોએલ તાતા કદાચ ચંદ્રશેખરનની નિમણૂકને રદ કરાવવામાં સફળ થાય તો પણ લાંબા ગાળે તો તેમનો દબદબો અને અધિકારો જવાના જ છે. નોએલ આ વાસ્તવિકતાને જેટલા ઝડપથી સ્વીકારે એટલા ફાયદામાં રહેશે.                                      

 

સાવકી મા-સાવકા ભાઈના પરિવારને સાચવ્યો, પણ...  

 

તાતા ગ્રૂપના વિવાદના કારણે ચર્ચામાં આવી ગયેલા નોએલ ખુદ રતન તાતાના સાવકા ભાઈ છે. રતન તાતાના પિતા નવલ અને માતા સૂનુના ડિવોર્સ થયા ત્યારે રતન માત્ર 10 વર્ષના હતા. આ કારણે રતન તાતા અને તેમના નાના ભાઈ જિમીને નવલને દત્તક લેનારાં નવજબાઈએ ઉછેર્યા છે. નવજબાઈ તાતા ગ્રૂપના સ્થાપક જમશેદજી તાતાના નાના પુત્ર સર રતનજી તાતાનાં વિધવા હતાં. રતનનાં માતા સૂનુએ ડિવોર્સ પછી સર જમસેદજી જેજીભોય સાથે લગ્ન કર્યા હતાં. આ લગ્નથી શિરીન, દીના અને ગીતા એમ ત્રણ દીકરી થઈ. રતનના પિતા નવલે સિમોન સાથે લગ્ન કર્યાં. સિમોન ફ્રાન્સમાં જન્મ્યાં અને સ્વિત્ઝરલેન્ડના જીનિવામાં મોટાં થયાં છે. કેથોલિક પરિવારના સિમોન 1953માં ટુરિસ્ટ તરીકે ભારત આવ્યાં ત્યારે નવલના પ્રેમમાં પડી ગયાં હતાં. બે વર્ષ પછી 1955માં સિમોન સાથે નવલે લગ્ન કર્યા અને મુંબઈમાં સ્થાયી થયા. નોએલ નવલ-સિમોનનું એક માત્ર સંતાન છે.

 

સિમોન અને નવલનાં લગ્ન વખતે તાતા ગ્રૂપના ચેરમેન તરીકે જેઆરડી તાતા હતા, તેમણે સિમોનને `લેક્મે'ની જવાબદારી સોંપી. સિમોને 1962માં સાવ નાની કંપની મનાતી લેક્મેને ભારતની ટોચની કોસ્મેટિક બ્રાન્ડ બનાવી.

 

1991માં રતન તાતા ગ્રૂપના ચેરમેન બન્યા પછી 1996માં લેક્મે હિંદુસ્તાન લીવરને વેચી નાંખીને તેમાંથી થયેલી 200 કરોડની આવકમાંથી `ટે્રન્ટ' બનાવી. સિમોન આ કંપનીના ચેરમેન હતાં જ્યારે રતને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સાવકા ભાઈ નોએલને મૂક્યા. ટે્રન્ટ પાસે અત્યારે વેસ્ટસાઈડ, ઝુડિયો, ઝારા, સ્ટાર બજાર, ઉત્સા, મિસ્બુ, સામોહ, માસ્સિમો દુત્તી, બુકર ઈન્ડિયા બ્રાન્ડના 900થી વધારે સ્ટોર છે. રતન તાતાએ નોએલના દીકરા નેવિલને ટે્રન્ટ સોંપી જ્યારે મોટી દીકરી લેહને ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ આપી. નોએલની બીજી પુત્રી માયાને ડિજિટલ બિઝનેસમાં આગળ કરી. આ રીતે સાવકા ભાઈ સાથે પણ રતન તાતાના સંબંધો ગાઢ હતા તેથી નોએલ તેમના રસ્તે ચાલી રહ્યા છે.