Wed Aug 19 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ‘તહેલકા’ના તેજપાલને તેમનાં કુકર્મોની સજા મળી

2026-08-07 08:39:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

ભારતમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા તરુણ તેજપાલ બળાત્કાર કેસમાં ફરી ટ્વિસ્ટ આવી ગયો. ‘તહેલકા’ મેગેઝિનના સ્થાપક તંત્રી તેજપાલ સામે તેના જ મેગેઝિનની રીપોર્ટર યુવતીએ નવેમ્બર, 2013માં જાતિય હુમલા (સેક્સ્યુઅલ એસોલ્ટ) અને બળાત્કારના પ્રયાસનો આક્ષેપ કરેલો પણ ગોવાની સેશન્સ કોર્ટે તેજપાલને નિર્દોષ છોડી મૂક્યા હતા. તેની સામે ગોવા સરકારે બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચમાં અરજી કરેલી. હાઈ કોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને બદલીને તેજપાલને દોષિત ઠેરવી દીધા.

હાઈ કોર્ટે તેજપાલને 10 વર્ષની જેલની સજા ફટકારી છે એ જોતાં માંડ માંડ છૂટેલા તેજપાલ પાછા જેલની હવા ખાતા થઈ જશે. સેશન્સ કોર્ટના ચુકાદાના કારણે પાંચ વર્ષ લગી બહારની હવા ખાનારા તેજપાલે બાકીની જિંદગી જેલમાં વિતાવવી પડે એવી પૂરી શક્યતા છે. તેજપાલ પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. 

સુપ્રીમ કોર્ટ તેજપાલને જામીન પણ આપી શકે કેમ કે તેજપાલની ઉંમર 62 વર્ષ છે પણ તેના કારણે જે કાળી ટીલી લાગેલી છે એ ભુંસાવાની નથી. એક જમાનામાં પોતાના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમથી પત્રકારોના હીરો બની ગયેલા અને અટલ બિહારી વાજપેયી સરકારને હચમચાવી દેનારા તેજપાલ પર  બળાત્કારીનું લેબલ લાગે એ આઘાતજનક છે પણ તેમાં કોઈનો વાંક નથી. તેજપાલ પોતાનાં કુકર્મોની જ સજા ભોગવી રહ્યા છે.

તેજપાલ સામેનો કેસ 13 વર્ષ જૂનો છે. તેજપાલ 2013માં ‘તહેલકા’ મેગેઝિનના તંત્રી હતા ત્યારે  ‘તહેલકા’ મેગેઝિનની  રિપોર્ટર યુવતીએ નવેમ્બર, 2013માં તેજપાલ સામે જાતીય હુમલા (સેક્સ્યુઅલ એસોલ્ટ) અને બળાત્કારના પ્રયાસનો આક્ષેપ કર્યો હતો. આ યુવતીનો આક્ષેપ હતો કે, ગોવામાં એક ફાઈવ સ્ટાર રીસોર્ટમાં ચાલી રહેલી કોન્ફરન્સ દરમિયાન તેજપાલે બદતમીઝી કરીને જાતીય હુમલો કર્યો હતો. 

યુવતીનો દાવો હતો કે, તેજપાલે લિફ્ટમાં પણ તેની સાથે શારીરિક છૂટછાટ લેવાની કોશિશ કરી હતી. યુવતીએ પછીથી તેજપાલે ક્યાં ક્યાં તેની સાથે ખરાબ વર્તન કર્યું તેની સંપૂર્ણ વિગતો આપી હતી અને કોર્ટમાં જુબાનીમાં પણ આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

યુવતીના આક્ષેપો અત્યંત આઘાતજનક હતા. આ યુવતી તેજપાલની દીકરી કારાની મિત્ર હતી ને પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે એક કહેવાતો પ્રતિષ્ઠિત માણસ આવી નીચ હરકત કરે એ સાંભળીને જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગોવા ભાજપ સરકારે તેજપાલને તરત પકડીને અંદર કરી દીધેલા પણ તેજપાલ લાંબો સમય જેલમાં રહ્યા નહીં. લગભગ છ મહિના પછી 2014ના મે મહિનામાં માતા ગુજરી જતાં તેમને અંતિમવિધિ કરવા જામીન મળ્યા હતા. 

આ જામીન પૂરા થયા પછી બે મહિના માંડ જેલમાં રહ્યા હશે ત્યાં જુલાઈ, 2014માં સુપ્રીમ કોર્ટે  જામીન આપતાં એ બહાર આવી ગયેલા. 2017માં આરોપનામું દાખલ થયું પછી પણ તેજપાલ જામીન પર જ હતા ને 2021માં તો કોર્ટે જ છોડી મૂકેલા તેથી જેલમાં જવાનો સવાલ જ નહોતો. આમ, બળાત્કારના આરોપી હોવા છતાં તેજપાલ માંડ છ મહિના જ જેલમાં રહ્યા છે. હવે ગોવા પોલીસ તેમને કેટલો સમય જેલમાં રાખી શકે છે એ જોવાનું છે.

તેજપાલ સામે બળાત્કારનો આક્ષેપ થયો ત્યારે એવી વાતો ચાલેલી કે, ભાજપ સરકારે બદલો લેવા માટે તેમને ફિટ કરી દીધા છે. તેજપાલે 2001માં ભાજપની કેન્દ્રમાં સરકાર હતી ત્યારે સ્ટિંગ ઓપરેશન કરીને સંરક્ષણ સોદાઓમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીને  અટલ બિહારી વાજપેયી સરકારને હચમચાવી દીધી હતી. 

તેજપાલે બનાવટી કંપની ઊભી કરીને સંરક્ષણને લગતા કોન્ટ્રાક્ટ મેળવવા ભાજપ તથા તેના સાથી પક્ષોના નેતાઓનો સંપર્ક કરેલો. ભાજપના તત્કાલીન પ્રમુખ બાંગારું લક્ષ્મણ અને સમતા પાર્ટીનાં પ્રમુખ જયા જેટલીએ તહેલકાના રિપોર્ટર્સ પાસેથી લાંચ લીધેલી ને બદલામાં મદદ કરવાનું વચન આપેલું. બીજા પણ ઘણા નાના નાના નેતાના પાપ કેમેરામાં કેદ થયેલાં.  

બાંગારું લક્ષ્મણ, જયા જેટલી વગેરેએ દેશ સાથે ગદ્દારી કરી હોવાના કારણે લોકોમાં ભારે આક્રોશ હતો ને તેની કિંમત 2004માં ભાજપે લોકસભાની ચૂંટણીમાં હાર સાથે ચૂકવી હતી.ભાજપે તહેલકાનું ઓપરેશન કૉંગ્રેસના ઈશારે કરાયેલું એવા આક્ષેપો કરેલા પણ લોકોના ગળે વાત નહોતી ઉતરી. વાજપેયીએ લક્ષ્મણને ઘરભેગા કરેલા ને જ્યોર્જ ફર્નાન્ડિઝને પણ સંરક્ષણ મંત્રીપદેથી હટાવી દીધેલા પણ લોકો તહેલકા કાંડને ભૂલ્યા નહોતા. ભાજપના નેતાઓને આ કારણે તેજપાલ નહોતા ગમતા.

તેજપાલ ભેરવાયા ત્યારે મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી હતા. પર્રિકર સંઘના માણસ ને બાંગરુંના ચેલા હતા તેથી ગુરુદક્ષિણા ચૂકવવા તેજપાલને જાતીય સતામણીના કેસમાં ફસાવી દીધા એવી વાતો ચાલેલી. તેજપાલે પણ આક્ષેપ કરેલો કે, પોતાનો અવાજ દબાવવા ભાજપે ફસાવ્યા છે. પોતે ભાજપ સામે સ્ટિંગ ઓપરેશન કર્યું  તેનો બદલો ભાજપે ફિટ કરીને લીધો એવું તેજપાલ પોતે અને તેમના મળતિયા કહેતા પણ આ વાતો બકવાસ હતી.

પહેલી વાત એ કે, તહેલકા કાંડના 12 વર્ષ પછી તેજપાલ સામે કેસ થયો ને બીજી વાત એ કે, તેજપાલે ગંદી હરકતો કરી હોવાના સીસીટીવી સહિતના પુરાવા ઉપલબ્ધ હતા. ભાજપે તેજપાલની ધરપકડ કરવામાં ઉત્સાહ બતાવેલો પણ તેના કારણે ફિટ કર્યાનો આક્ષેપ ના કરી શકાય. ભાજપની સરકારો બધા કેસોમાં આવો ઉત્સાહ નથી બતાવતી એ અલગ વાત છે પણ તેજપાલે કુકર્મ કર્યું તેમાં ભાજપને તક મળી એ જોતાં ભાજપ પર દોષારોપણ ના કરી શકાય. તેજપાલે પોતે ‘અયોગ્ય વર્તન’ કર્યું હોવાનું પણ કોર્ટમાં સ્વીકારેલું એ જોતાં ભાજપને દોષ ના આપી શકાય.

તેજપાલે ભલે ‘અયોગ્ય વર્તન’ કર્યું હોવાનું કહ્યું પણ તેમનું વર્તન અક્ષમ્ય હતું. રિપોર્ટર  યુવતી તેજપાલની દીકરીની ઉંમરની હતી ને દીકરીની મિત્ર હતી. તેજપાલ તો તેના માટે પિતા સમાન હતા. મિત્રના પિતાની છત્રછાયામાં પોતે એકદમ સલામત હોવાનું માનીને એ નોકરી કરતી હતી. આ યુવતી સાથે ‘અયોગ્ય વર્તન’ કરીને તેજપાલે વિશ્વાસઘાત કર્યો હતો ને પોતે હળાહળ અનૈતિકતા આચરી હતી. આ વર્તને તેજપાલના ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોવાનું પણ સાબિત કર્યું હતું.

‘તહેલકા’ દ્વારા તેજપાલ રાજકારણીઓની અનૈતિકતા અને ભ્રષ્ટાચાર સામે લડવાની  વાતો કરતા,  સામાજિક અનૈતિકતાની વાતો પણ કરતા હતા. નોકરીના સ્થળે સ્ત્રીઓનું શારીરિક શોષણ થાય એ મુદ્દે તેજપાલે ઘણી સ્ટોરીઝ કરેલી ને આ દૂષણને રોકવા ઝુંબેશ ચલાવવાની વાતો પણ કરેલી.  આખી દુનિયાને આ જ્ઞાન આપનારા તેજપાલે પોતે જ પોતાનાથી 30 વર્ષ નાની છોકરીનું શારીરિક શોષણ કરવાની કોશિશ કરી એ અક્ષમ્ય કહેવાય એ જોતાં તેમને થયેલી સજા બહુ ઓછી છે. કોર્ટની મર્યાદા છે કે, દરેક અપરાધ માટે સંસદે બનાવેલા કાયદાથી વધારે સજા ના આપી શકાય તેથી કોર્ટે પોતાનું કામ કર્યું પણ આ દેશની પ્રજાએ તેમને માફ ના કરવા જોઈએ.