પ્રફુલ શાહ
હિન્દી નાટક ‘તાજમહેલ કા ટેન્ડર’ હોય કે બોલિવૂડની ‘બંટી ઔર બબલી’ની થીમ હોય. આના લેખકોની અસાધારણ કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવી નાખવાનો અજબ ગજબ કસબ આપણા રાજકારણીઓ બતાવતા રહે છે. વાત કરીએ આવા જ એક અકલ્પ્ય કિસ્સાની, જેના મૂળમાં છે ઐતિહાસિક વારસા સમાન તાજમહેલ.
પ્રોજક્ટનું સત્તાવાર નામ તાજ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટ, જે હોબાળા બાદ તાજ કોરિડોર કૌભાંડ તરીકે ઓળખાયો. વર્ષ 2002-2003માં ઉત્તર પ્રદેશના આગ્રામાં બહુજન સમાજ પાર્ટીની સરકારે આ પ્રોજેક્ટ જાહેર કર્યો હતો. મુખ્ય પ્રધાન માયાવતીના શાસનમાં આ પ્રસ્તાવિત માળખાકીય સુવિધા પ્રોજેક્ટ બહુ ગાજ્યો હતો, એકદમ ખોટા કારણોસર.
માયાવતી સરકારની આ પહેલનો હેતુ બહુ ઉમદા હતો. મૂળ અને સત્તાવાર પ્લાન તો તાજમહેલ અને આગ્રાના કિલ્લા વચ્ચે આવેલી યમુના નદીના પૂર પ્રદેશની આશરે 75 એકર જમીન પાછી મેળવીને ત્યાં પાર્ક, પગદંડી, એમ્ફિથિયેટર અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વિકસાવવાનો હતો. આ થકી ઐતિહાસિક વારસાગત ઇમારત કમ સ્મારકની સલામતી અને જાળવણી માટે આવક ઊભી કરવાનો હોવાનું જાહેર થયું હતું. જો કે દેખીતો ધ્યેય ભલેને ગમે તેટલો આવકાર્ય કે અનિવાર્ય હોય પણ એના અમલમાં કાયદા, નિયમ અને નિર્ધારિત ધારાધોરણનું પાલન થવું જ જોઈએ.
આજની માફક તે સમયે પણ પ્રદૂષણ અને શહેરી અતિક્રમણ સહિતની સમસ્યાઓ હતી, જેને લગતા દરેક નિયમોનું એકએક માળખાકિય વિકાસ પ્રોજેક્ટમાં અનિવાર્યપણે ધ્યાન રાખવું જ પડે. તાજ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટના અમલી દરમિયાન પ્રક્રિયાત્મક જાણતા કે અજાણતા ક્ષતિઓને કારણે ભારે વિરોધ જાગ્યો. ટીકા શરૂ થઈ. ઉગ્ર ટીકા વધતી ગઈ. આ બધું એકદમ ચોંકાવનારું હતું.
પર્યાપ્ત તપાસ કર્યા કે કરાવ્યા વગર અને તેમાં સ્પર્ધાત્મક ટેન્ડર વિના રાજ્યની જ માલિકીની કંપની એન. પી. સી. સી.(નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રકશન કોર્પોરેશન) લિમિટેડને સીધો રૂ.175 કરોડનો કોન્ટ્રાક્ટ આપી દેવાયાની બુમરાણ પણ મચી ગઈ હતી. સમાવેશ થતો હતો. આટલું જ નહિ, મોટા રાજકીય માથાઓને વ્યક્તિને કમિશન ચુકવાયાના અને નાણાંની અનધિકૃત રીતે હેરફેર કરવાના આક્ષેપો પણ ગાજ્યા હતા.
આ સંજોગોમાં તાજ હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટમાંથી તાજ કોરિડોર કૌભાંડ બની ગયેલો મામલો રાજકીય સમરાંગણમાં ફેરવાયા વગર રહે? (ક્રમશ:)