Thu Jun 18 2026

Logo

ટી-20 વર્લ્ડ કપની ટ્રોફીનું છે જયપુર કનેક્શન!

2026-03-08 19:21:00
Author: Ajay Motiwala
Article Image

અમદાવાદ/જયપુરઃ આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ પર સૌ કોઈની નજર છે તથા ત્રણ-સાડાત્રણ કલાક પછી એની ટ્રોફી કેન્દ્રસ્થાને રહેશે અને ટ્રોફીની વાત નીકળી જ છે તો કહી દેવાનું આ આઇસીસી ટ્રોફીનું જયપુર (JAIPUR) શહેર સાથે બહુ સારું કનેક્શન છે.

ફાઇનલ (Final)ની શરૂઆત પહેલાં 2007 વર્લ્ડ કપના ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોની, 2024ના વિજેતા કેપ્ટન રોહિત શર્મા તેમ જ આઈસીસી ચેરમેન જય શાહ અને બીસીસીઆઇના પ્રમુખ મિથુન મન્હાસે ટ્રોફી સાથે મેદાન પર આગમન કર્યું હતું.

આ ટૂર્નામેન્ટ મહિના પહેલાં શરૂ થઈ અને હવે ટ્રોફી આપવાનો સમય પણ આવી ગયો એટલે જણાવી દેવાનું કે બહુ ઓછા લોકોને ખબર હશે કે જયપુરના ટ્રોફી ડિઝાઇનર અમિત પબુવાલે આ ટ્રોફી બનાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે ઑસ્ટ્રેલિયાના મિનેલ બ્રાયસે આ ટ્રોફી માટેનો પ્રારંભિક ક્નસેપ્ટ તૈયાર કર્યો ત્યાર બાદ ટ્રોફી જયપુરમાં તેમણે (અમિતે) બનાવી હતી.

આ ટ્રોફી સાથે ચૅમ્પિયન ટીમને ત્રણ મિલિયન ડૉલર (અંદાજે 27.48 કરોડ રૂપિયા)નું પ્રથમ ઇનામ અપાશે. આ ટ્રોફીની ડિઝાઇન આઉટલાઇન નક્કી થઈ ગઈ ત્યાર બાદ આઇસીસીએ અમિત પબુવાલને ટ્રોફી બનાવવાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો.

પબુવાલે આ પહેલાં ક્રિકેટ માટેની વિશ્વની સૌથી મોટી ચાંદીની `ફ્રેન્ડશિપ કપ' ટ્રોફી બનાવી હતી અને એને આધારે જ આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી બનાવવાનો કૉન્ટ્રૅક્ટ તેમને આપ્યો હતો. પબુવાલે પીટીઆઇને કહ્યું, `આઇસીસીએ પહેલાં તો ટિટેનિયમ અને કાચના મિશ્રણથી બનાવવાનું વિચાર્યું હતું કે જેથી એ ઝડપી તથા આધુનિક સ્ટાઇલની ટી-20 ક્રિકેટનું પ્રતિબિંબ પાડી શકે. જોકે ધાતુ સાથે કાચનું મિશ્રણ થવાથી ઘણી વાર કાચનો ભાગ તૂટી જતો હોવાથી ટેક્નિકલી એ ક્નસેપ્ટનો અમલ કરવો મુશ્કેલ થઈ ગયું હતું. ઘણી અજમાયશો બાદ મેં આઇસીસીને કહ્યું કે આ મિશ્રણ ઠીક નથી. છેવટે પ્લેટિનમના પ્લેટિંગવાળી સિલ્વરની ટ્રોફી બનાવવાનું નક્કી થયું હતું. આ ટ્રોફી ખૂબ ટકાઉ અને આકર્ષક છે. 21 ઇંચ ઊંચી અને છ કિલોગ્રામ વજનની ઑરિજિનલ ટ્રોફી આઇસીસીના હેડક્વૉર્ટર્સમાં જ રાખી મૂકવામાં આવે છે અને વિજેતા ટીમને એવી જ ટ્રોફીની રેપ્લિકા આપવામાં આવે છે.'