દિલ્હીના જંતર-મંતર પર સીજેપી અને દેશના અન્ય ભાગોમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહીની તપાસ માટે રચાયેલી હાઈ-પાવર્ડ કમિટીમાં ફેરફાર કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એક અરજીમાં કમિટીના કેટલાક સભ્યોની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કોર્ટે જણાવ્યું છે કે આ આરોપો અટકળો અને કલ્પના પર આધારિત છે, તેમની પાછળ કોઈ વિશ્વસનીય પુરાવા નથી.
જુલાઈ મહિનામાં દિલ્હીના જંતર-મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શનો યોજાયા હતા. આ પ્રદર્શનો દરમિયાન પોલીસ દ્વારા વધુ પડતા બળપ્રયોગના આરોપો લાગ્યા હતા. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પોતાના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીએ સમગ્ર ઘટનાક્રમ, પોલીસ અધિકારીઓની ભૂમિકા અને સંપત્તિને થયેલા નુકસાનની તપાસ કરવાની છે.
પ્રશાંત ભૂષણે ફરી સમિતિ બનાવવાની કરી હતી માંગ
10 સપ્ટેમ્બરે થયેલી કેસની અગાઉની સુનાવણીમાં વકીલ પ્રશાંત ભૂષણે સમિતિની પુનઃરચના કરવાની માંગ કરી હતી. તેમણે કમિટીમાં સભ્ય બનાવવામાં આવેલા એક પૂર્વ ડીજીપીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે પૂર્વ ડીજીપી એવા કેટલાક વર્તમાન અધિકારીઓની નજીક છે, જેઓ તપાસના દાયરામાં છે. તેથી, તેમની હાજરીથી નિષ્પક્ષ તપાસ પ્રભાવિત થઈ શકે છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે જણાવ્યું હતું કે તેમણે ખૂબ વિચાર-વિમર્શ કર્યા બાદ કમિટીની રચના કરી છે. હવે આ મામલે જારી કરાયેલા લેખિત આદેશમાં જજોએ જણાવ્યું છે કે કમિટી સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ કામ કરી રહી છે. કોઈપણ નક્કર આધાર વિના તેની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. કોર્ટે કહ્યું કે કમિટીને તેનું કામ કરવા દેવું જોઈએ.
પીડિતો અને સાક્ષીઓની સુરક્ષાનું રાખો ધ્યાન- SC
લેખિત આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કમિટી તપાસ દરમ્યાન સમયાંતરે વચગાળાનો રિપોર્ટ આપશે. જેના આધારે સુપ્રીમ કોર્ટ ભવિષ્યમાં જરુરી નિર્દેશ જારી કરી શકે છે. આ સાથે જ કોર્ટે કમિટીને નિર્દેશ આપ્યો છે કે તે પીડિતો તેમજ સાક્ષીઓની સુરક્ષાનું ધ્યાન રાખે અને વહેલી તકે પોતાનો રિપોર્ટ આપે.