Sat May 09 2026

Logo

સુનેત્રા પવારના રાજીનામા બાદ રાષ્ટ્રવાદીની ખાલી જગ્યા કોને મળશે?

2026-05-08 22:06:26
Author: Sapna Desai
Article Image

છગન ભુજબળે પીછેહટ કરતા પક્ષ શ્રેષ્ઠીની ચિંતામાં વધારો

મુંબઈ:
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદે નિમણૂક થયા બાદ સુનેત્રા પવારે રાજ્યસભાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જગ્યા ખાલી પડી છે. રાજ્યસભામાં હાલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત)ના ત્રણ સંસદસભ્ય રહ્યા છે, જેમાં ખાલી પડેલી જગ્યા પર છગન ભુજબળને મોકલવાની યોજના હતી પણ તેમણે પીછેહટ કરતા  ચોથા સભ્ય તરીકે કોને મોકલવા તે નિર્ણય લેવો  પક્ષ માટે માથાનો દુખાવો બની ગયો છે. તો રાજકીય સ્તરે પણ પક્ષ કોને મોકલે છે તેના પર તમામ રાજકીય પક્ષોની પણ નજર હોવાનું માનવામાં આવે છે.

સુનેત્રા પવાર બાદ રાજ્યસભાની ખાલી પડેલી જગ્યાની સાથે જ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મુંબઈ પ્રદેશાધ્યક્ષની નિમણૂક પણ પડકારજનક બની રહેવાની છે. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન સમીર ભુજબળે મુંબઈ અધ્યક્ષપદથી રાજીનામું આપી દીધા બાદ બે વર્ષથી આ પદ ખાલી જ રહ્યું છે. તેથી રાજયસભા અને મુંબઈ અધ્યક્ષ આ બંને મહત્ત્વની નિમણૂક એક જ સમયે કરવામાં આવે એવી ચર્ચા રાજકીય સ્તરે થઈ રહી છે.

સુનેત્રા પવારના રાજીનામા બાદ રાજયસભામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ફકત ત્રણ સાંસદ રહ્યા છે, જેમાં પ્રફુલ પટેલ, પાર્થ પવાર અને નીતિન પાટીલનો સમાવેશ થાય છે. પ્રફુલ પટેલનો કાર્યકાળ ૨૦૩૦ સુધીનો તો નીતિન પાટીલનો ૨૦૨૮ સુધીનો છે. તો તાજેતરમાં રાજયસભામાં ગયેલા પાર્થ પવાર ૨૦૩૨ સુધી રાજ્યસભામાં સાંસદ રહેશે. સુનેત્રા પવારના રાજીનામા બાદ પક્ષનું  નેતૃત્વ કોના પર વિશ્ર્વાસ રાખે છે અને સંઘટનાત્મક સ્તરે કયા ફેરફાર કરે છે તેના પર રાજકીય સ્તરે બધાની નજર મંડાયેલી છે.

સુનેત્રા પવારના રાજીનામા બાદ તેમની જગ્યાએ આનંદ પરાંજપે, ભુજબળ પરિવાર, મલિક પરિવાર, અવિનાશ આદિક અને વિક્રમ કાકડેના નામ ચર્ચામાં છે.  રાષ્ટ્રવાદીમાં હાલ ફકત રાજ્યસભાની જગ્યા ભરવાની સાથે જ પક્ષમાં અન્ય ખાલી રહેલા પદ ભરવાનું પણ પડકારજનક બની રહ્યું છે. યુવક પ્રદેશાધ્યક્ષપદ છેલ્લા ૧૦ મહિનાથી ખાલી પડયું છે. રુપાલી ચાકણકરના રાજીનામા બાદ મહિલા આયોગ અને મહિલા પ્રદેશાધ્યક્ષના પદ પર પણ નિમણૂક કરવાની બાકી છે. તમામ પદ પર ઈચ્છુકોએ હાલ તો સુનેત્રા પવાર અને સુનીલ તટકરે પાસે જોરદાર લૉબિંગ કરી રહ્યા હોવાનું કહેવાય છે.