મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક નિધન પછી સુનેત્રા પવારે હિંમતભેર આગળ વધીને નાયબ મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું હતું, ત્યાર બાદ હવે તેમણે પોતાની પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ની બાગડોર પણ પોતાના હાથમાં લીધી છે. સુનેત્રા પવારને સર્વાનુમતે NCPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
પ્રફુલ્લ પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માંગતા હતા. પાર્ટીના લગભગ 15 ધારાસભ્યોએ પણ પડદા પાછળ તેમને ટેકો આપ્યો હતો, પરંતુ 'મહાશક્તિ' ઇચ્છતા હતા કે પવારના પક્ષના પ્રમુખ પવાર જ બને, તેથી પટેલ પ્રમુખની રેસમાંથી ખસી ગયા હતા. અંતે પક્ષના બંધારણ મુજબ, ગુરુવારે સુનેત્રા પવારને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક મુંબઈના વરલી ડોમ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય અને દેશભરમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ ટોચના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર, પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, ધનંજય મુંડે, દિલીપ વળસે પાટીલ, હસન મુશરફ, નરહરિ જીરવાલ, પાર્થ પવાર હાજર હતા. સુનેત્રા પવાર ધ્વનિ મતથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
અજિત પવારના સમર્થકો સુનેત્રા પવારને પાર્ટીનું નેતૃત્વ આપવા ઇચ્છતા હતા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવા માટે કેટલાક ધારાસભ્યોને તૈયાર કરવામાં આવ્યા હતા. પરંતુ દિલ્હીથી એવા સૂચનો આવ્યા કે પવારની પાર્ટીના પ્રમુખ પવારને બનાવવા જોઈએ, તેથી પટેલનું નામ તાત્કાલિક પ્રમુખ પદની રેસમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.
અજિત પવારના નિધન પછી પવાર પરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે, તેથી, જનપ્રતિનિધિઓએ કહ્યું કે સુનેત્રા પવારે પાર્ટીનું નેતૃત્વ સંભાળવું જોઈએ, કારણ કે તેનાથી પાર્ટીને ફાયદો થશે અને પાર્ટીમાં રહેલા જનપ્રતિનિધિઓ એક રહેશે. પાર્ટીમાં દરેકની વિનંતીને માન આપીને, સુનેત્રા પવારે પાર્ટીનું નેતૃત્વ સ્વીકાર્યું.
એનસીપીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે પ્રફુલ્લ પટેલે સુનેત્રા પવારનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પ્રસ્તાવિત કર્યું હતું. તેમના પ્રસ્તાવને એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ મંજૂરી આપી હતી.