ભરત ભારદ્વાજ
પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાનો મુદ્દો ઊભો જ છે ત્યાં અચાનક ખાંડના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે કેન્દ્ર સરકાર માટે નવો કકળાટ ઊભો થયો છે. હજુ હમણાં લગી ખાંડનો ભાવ કિલોના 45-50 રૂપિયાની આસપાસ હતો. અચાનક ભાવ વધવા માંડ્યા ને અત્યારે કિલોના 70 રૂપિયાની આસપાસ થઈ ગયા છે.
રક્ષાબંધન ને જન્માષ્ટમી સહિતના તહેવાર સામે છે ત્યાં જ ખાંડના ભાવ વધતાં મીઠાઈના ભાવો પણ વધી ગયા તેથી લોકોનાં ખિસ્સાં પર તો બોજ વધ્યો જ છે પણ લોકોના મનમાં પણ કડવાશ વ્યાપવા માંડી છે. મધ્યમ વર્ગ મહિનાની પાંચેક કિલો ખાંડ ખાઈ જતો હોય છે. કિલોના 20 રૂપિયાના હિસાબે તેમના પર મહિનાનો સો રૂપિયાનો બોજ વધી ગયો તેથી નારાજગી પણ છે.
કેન્દ્રની ભાજપ સરકારને લોકોની નારાજગીની પરવા નથી ને આવા ભાવવધારાના મુદ્દે ચોખવટ કરવાની ભાજપ તસદી પણ લેતો નથી પણ સોશ્યલ મીડિયા પર ખાંડના ભાવવધારાને ઈથેનોલ સાથે જોડી દેવાતાં ભાજપના નેતા સફાળા ઊભા થઈને ચોખવટો કરવા માંડ્યા છે. સોશ્યલ મીડિયા પર વાતો ચાલી છે કે, મોદી સરકારને પેટ્રોલમાં ભેળવવા માટે વધારે પ્રમાણમાં ઈથેનોલ જોઈએ છે એટલે શેરડી ખાંડના બદલે ઈથેનોલ બનાવવામાં વાપરી નાખી તેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું એટલે ભાવ વધી ગયા છે. તેના પગલે કેન્દ્ર સરકારે પોતે સફાઈઓ આપવા માંડી છે કે, ખાંડના ભાવવધારાને ઈથેનોલ નીતિ સાથે કંઈ લેવાદેવા નથી.
લાગ જોઈને કૉંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ખાંડના વધતા ભાવ અને ઘટતા સ્ટોક અંગે મોદી સરકારને 3 સવાલ પૂછી નાખ્યા છે. ખડગેની સાથે બીજા કૉંગ્રેસી પણ મચી પડ્યા. સોશ્યલ મીડિયા પર પણ આ સવાલો ફરતા થયા પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડી કે, શેરડી ઈથેનોલ બનાવવા વાપરી નાખી એટલે નહીં પણ ચાલુ વર્ષે ખાંડનું ઉત્પાદન ઘટ્યું તેમાં ભાવ વધ્યા છે.
આ વરસે ખાંડનું ઉત્પાદન 343 લાખ ટન થવાનો અંદાજ હતો પણ ઉત્પાદન 306 લાખ ટન જ થયું તેથી ભાવ વધ્યા છે. સરકારે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, ઈથેનોલના ઉત્પાદનમાં શેરડીનું પ્રમાણ વધી નથી રહ્યું પણ ઘટી રહ્યું છે. 2022-23માં ઇથેનોલના ઉત્પાદનમાં ખાંડનો ફાળો 12 ટકા હતો, જે 2025-26માં ઘટીને 9 ટકા થયો છે. મતલબ કે, આ વરસે માત્ર 28 લાખ ટન ખાંડ ઈથેનોલ બનાવવામાં ગઈ છે.
બીજી એવી ચોખવટ પણ કરી છે કે, એકલા ભારતમાં ખાંડના ભાવ વધ્યા નથી પણ આખી દુનિયામાં વધ્યા છે. આ ચોખવટની સાથે ક્યા દેશમાં ભાવ વધ્યા તેની કોઈ વિગતો સરકારે આપી નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશને આખી દુનિયા ગણવી હોય તો અલગ વાત છે, બાકી ખાંડના ભાવ બીજે ક્યાંય વધ્યા નથી. કોઈ પણ પુરાવા વિના આવો ઉભડક જવાબ આપી દેવો આ સરકારની આદત છે.
ખાંડની અછતને નિવારવા માટે શેરડીના પિલાણની સિઝન વહેલી શરૂ કરવાની મંજૂરી આપવાથી માંડીને સંગ્રહખોરી રોકવા માટે શું પગલાં લેવાયાં તેનો હિસાબ પણ સરકારે આપ્યો છે. સૌથી મોટી વાત એ કે, ફૂડ સેક્રેટરી સંજીવ ચોપરાએ કબલ્યું છે કે, સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે કેટલીક ખાંડની મિલો અને વેપારીઓની સંગ્રહખોરીના કારણે ખાંડના ભાવ વધ્યા છે.
આ બાબત નફ્ફટાઈની ચરમસીમા જેવી છે. સરકાર પોતે પોતાની નિષ્ફતા કબૂલે છે પણ કશું કરતી નથી. સરકારને ખબર છે કે, મિલો અને વેપારીઓ સંગ્રહખોરી કરી રહ્યા છે તો હજુ સુધી એક પણ મિલ કે વેપારી સામે કેમ પગલાં નથી લેવાયાં ? ક્યા મૂરતની રાહ જોવાઈ રહી છે ?
સરકારે એવો સધિયારો આપ્યો છે કે, ઓક્ટોબરમાં ખાંડનું ઉત્પાદન સામાન્ય કરતાં વધુ રહેશે તેથી બહુ જલદી અચ્છે દિન આવી જશે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં ત્રણથી ચાર લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે પણ આ વખતે દસ લાખ ટને પહોંચી શકે છે. સરકારે બીજી પણ વાતો કરી છે ને તેનો અર્થ એ છે કે, બહુ જલદી આ ખરાબ દિવસો પૂરા થઈ જશે તેથી ચિંતા છોડી દો.
સરકારની સ્પષ્ટતા અને સધિયારા બંને લૂલા છે ને ગળે ઊતરે એવા નથી. સરકારનો દાવો છે કે, ઈથેનોલ માટે ખાંડનું પ્રમાણ વધારાયું તેના કારણે ભાવ વધ્યાની વાત ખોટી છે પણ આંકડા તપાસશો તો સમજાશે કે, સરકાર જૂઠું બોલી રહી છે. ભારતમાં ખાંડની માગ મહત્તમ 280 લાખ ટન હોય છે જ્યારે ઉત્પાદન તો 306 લાખ ટનનું થયું છે એવું સરકારે પોતે જ કહ્યું છે. હવે જરૂરિયાત કરતાં વધારે ખાંડ થઈ જ છે તો અછત કેમ ઊભી થઈ ? 306 ટનમાંથી 28 ટન ખાંડ ઈથેનોલ બનાવવા આપી દેવાઈ હોય તો પણ 278 ટન ખાંડ બચે જ. મતલબ કે, માત્ર 2 ટન ખાંડ ઓછી પડે. હવે 2 ટન ખાંડ ઓછી પડે તેમાં ભાવ 40 ટકા વધી જાય ? મતલબ, ઈથેનોલ માટે વધારે ખાંડ આપી દેવાઈ છે.
કમનસીબે ભારતમાં મોંઘવારી સતત વધ્યા કરે છે પણ લોકોને કંઈ પડી નથી. આ દેશની પ્રજા હિંદુ-મુસ્લિમ, જ્ઞાતિવાદ, અનામત વગેરે વાતોમાં એ હદે અટવાયેલી છે કે પોતે બેવડ વળી રહ્યા છે તેનું પણ તેમને ભાન નથી. એક સમયે મોંઘવારી વધે ત્યારે દેશમાં આંદોલનો થઈ જતાં પણ અત્યારે પ્રજા પોતે જ એટલી નિર્માલ્ય થઈ ગઈ છે કે, આંદોલનો કરવાની જ ક્ષમતા રહી નથી, પોતાના માટે લડવાની હિંમત પણ રહી નથી. ભાવ વધે ને ખરીદવાની ત્રેવડ ના રહે તો મન મારીને પડ્યા રહેવું પણ અવાજ ના ઉઠાવવો એ આ દેશની પ્રજાની ઓળખ બની ગઈ છે. નાનાં છોકરાંના મોં મીઠાં નહીં થાય તો ચાલશે પણ આપણે માનસિક નપુંસકતા નહીં છોડીએ એ આ દેશની પ્રજાનો મંત્ર બની ગયો છે.
આઘાત તો એ જોઈને લાગે કે, કેટલાક નમૂના એવી વાતો કરે છે કે, ખાંડના ભાવ વધ્યા તો સારું થયું. લોકો ખાંડ ઓછી ખાશે તો ડાયાબિટીસ ઓછો થશે ને આરોગ્ય સારું થશે. ભલા માણસ, કોઈ પોતાની મરજીથી ખાંડ ના ખાય એ ચાલે પણ ભાવ વધે ને ખાંડ ખાવાની ઓછી કરવી પડે એ મજબૂરી કહેવાય, દરિદ્રતા કહેવાય. ખાંડની અછત દૂર થશે ને ભવિષ્યમાં ભાવ પણ ઘટી જશે પણ આ માનસિક દરિદ્રતા કદી ઓછી ના થાય. જે દેશમાં આ પ્રકારની અંધભક્તિ હોય ને વાંક જ ના જોવા હોય એ માનસિકતા હોય એ દેશની પ્રજાને કોઈ ના બચાવી શકે.