નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લદ્દાખના જાણીતા ક્લાયમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. લદ્દાખમાં પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવા અને સ્થાનિક પ્રશ્નો અંગે સંવાદના દ્વાર ખોલવા માટે આ પગલું અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે. લગભગ 6 મહિના સુધી નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ હિરાસતમાં રહ્યા બાદ હવે વાંગચુક મુક્ત થશે, જેનાથી લદ્દાખના સ્થાનિક સંગઠનો અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સોનમ વાંગચુકને સપ્ટેમ્બર 2025 માં લેહમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા, છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવા અને જમીન તેમજ નોકરીઓમાં બંધારણીય સુરક્ષાની માંગ સાથે થયેલા આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા, જેના પગલે લેહ જિલ્લા મેજિસ્ટ્રેટે 26 સપ્ટેમ્બર 2025 ના રોજ વાંગચુક પર NSA લગાવી તેમને હિરાસતમાં લેવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે ગૃહ મંત્રાલયે આ આદેશ રદ કરી તેમને બિનશરતી મુક્ત કરવાની જાહેરાત કરી છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, લદ્દાખમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું એ સરકારની પ્રાથમિકતા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વાંગચુકની મુક્તિ પાછળનો હેતુ તમામ પક્ષો સાથે અર્થપૂર્ણ અને રચનાત્મક વાતચીત શરૂ કરવાનો છે. નોંધનીય છે કે વાંગચુક તેમની મહત્તમ હિરાસતનો અડધો સમય જેલમાં વિતાવી ચૂક્યા છે, ત્યારે હવે તેમની મુક્તિથી લદ્દાખના મુદ્દાઓ પર હાઈ પાવર્ડ કમિટી સાથેની ચર્ચા ફરી તેજ બને તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
2019 માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદથી ત્યાં સતત વિવિધ સામાજિક અને રાજકીય માંગણીઓ ઉઠતી રહી છે. હવે વાંગચુકની રિલીઝ બાદ 33 ટકા સ્થાનિક નોકરી અનામત, સાંસ્કૃતિક સંરક્ષણ અને વિકાસના મુદ્દાઓ પર સકારાત્મક પ્રગતિ થવાની સંભાવના છે. લેહ એપેક્સ બોડી અને અન્ય સંગઠનો લાંબા સમયથી કેન્દ્ર સરકાર પાસે બંધારણીય કવચની માંગ કરી રહ્યા છે. આ નિર્ણય બાદ એવી આશા છે કે લદ્દાખના હિતમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક નેતાઓ વચ્ચે ટૂંક સમયમાં કોઈ નક્કર સમાધાન આવશે.